માનસિક સંતુલન અને સમત્વની ભાવના । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
માનસિક સંતુલન અને સમત્વની ભાવના । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
માનસિક સંતુલનને આપણે ગીતામાં દર્શાવેલ સમત્વની ભાવના પણ કહી શકીએ. તમામ સાંસારિક પદાર્થોમાં પ્રવૃત્ત રહેવાની આપણામાં જેટલી શક્તિ હોય છે, એટલી જ એનાથી નિવૃત્ત થવાની શક્તિ પણ હોય તો એ અવસ્થાને સંતુલિત અને સમત્વની ભાવનાની અવસ્થા કહેવામાં આવે છે.
આ સમત્વને આચરણમાં ઉતારવા માટે માત્ર વૈરાગી અથવા રાગરહિત થવાથી કામ ચાલી શકતું નથી.જ્યારે આપ રાગરહિત થવાની સાથેસાથે દ્વેષરહિત પણ થઈ શકો, ત્યારે જ સંતુલનની અવસ્થા પ્રાપ્ત થાય. આપણા સાધુઓએ એ જ ભૂલ કરી. તેઓ કહેવા પૂરતા વૈરાગી થઈ ગયા, પણ સાથેસાથે દ્વેષભાવરહિત થયા નહિ. રાગથી બચવાની ધૂનમાં તેમણે દ્વેષને અપનાવી લીધો. સંસારનાં સુખદુઃખ સાથેનો સંબંધ રાખવાની ઈચ્છાથી ખરેખર તો તેમણે પોતાનો સંબંધ સંસાર સાથે તોડી નાખ્યો અને એની સેવા કરવામાંથી પોતાનું મોં ફેરવી લીધું.
જ્યારે બે ગુણ એવા હોય કે જે મનુષ્યને જુદી જુદી દિશામાં પ્રવૃત્ત કરે તો એમના પરસ્પરના સંયોગથી મનની જે અવસ્થા બને છે તેને પણ સંતુલિત અવસ્થા કહેવાય છે. દયા મનુષ્યને બીજાનાં દુઃખ દૂર કરવામાં પ્રવૃત્ત કરે છે, પરંતુ નિર્મોહ અને નિર્મમત્વ મનુષ્યને બીજાના સુખદુઃખના સંબંધથી પાછો હઠાવે છે, તેથી જ દયા અને નિર્મમત્વ બંને બરાબર એક થવાથી ચિત્ત સમતોલ બને છે. જ્યાં દયા મનુષ્યને અનુરક્ત કરે છે, ત્યાં નિર્મમતા વિરક્ત બનાવે છે. દયામાં પ્રવૃત્તિમય અને નિર્મમતામાં નિવૃત્તિમય શક્તિ છે. એવી જ રીતે સંતોષ અને પરિશ્રમશીલતા એક્બીજાને સંતુલિત કરે છે. પરિશ્રમશીલતામાં પ્રવૃત્તાત્મક અને સંતોષમાં નિવૃત્તાત્મક શક્તિ છે. એવી જ રીતે સત્યતા અને મૃદુભાષિતા, સરળતા અને દૃઢતા, વિનય અને નિર્ભયતા, નમ્રતા અને તેજ, સેવા અને અનાસક્તિ, પવિત્રતા અને ધૃષ્ણાહીનતા, સ્વતંત્રતા અને જવાબદારી, તિતિક્ષા અને આત્મરક્ષા, નિષ્કામભાવ અને આળસહીનતા, અપરિગ્રહ અને દ્રવ્યોપાર્જનશક્તિ પરસ્પર એકબીજાને સમતોલ કરે છે. આ જોડાં પૈકી કોઈ એકનો જ વિકાસ કરવામાં આવે અને બીજાના વિકાસ તરફ ધ્યાન ન આપવામાં આવે તો મનુષ્યનું વ્યક્તિત્વ અસંતુલિત અને એકાંગી બની જાય છે. શ્રદ્ધાળુ વ્યક્તિમાં શ્રદ્ધેય વ્યક્તિને અનુસરવાની તથા તેણે નિર્દિષ્ટ કરેલ માર્ગ પર ચાલવાની પ્રવૃત્તિ હોય છે. જે સ્વતંત્ર વ્યક્તિ છે તેના પર જો અંકુશ ન હોય તો તેનામાં નિરંકુશતા અને ઉ ંખલતા વધી જાય છે. દૃઢ પ્રકૃતિવાળી વ્યક્તિમાં હઠ કરવાની પ્રવૃત્તિ હોઈ શકે, પ્રભુત્વવાળી વ્યક્તિમાં અભિમાન વધી શકે છે વગેરે. આમ જ્યાં સુધી આ વ્યક્તિઓમાં ક્રમશઃ આત્મનિર્ભરતા, જવાબદારી, હઠહીનતા અને નિરભિમાનતાનો વિકાસ ન થાય ત્યાં સુધી આગળ દર્શાવેલ ગુણો પોતપોતાની મર્યાદામાં રહેશે નહિ. આમ ઉપરોક્ત જોડાંમાંથી પ્રત્યેક ગુણ એકબીજાને મર્યાદિત કરે છે અને એકબીજાના પૂરક પણ છે.
જ્યારે મનુષ્યમાં દંડ કરવાનું સામર્થ્ય હોવા છતાં અપમાન સહન કરવાની ક્ષમતા હોય, અહિંસાવ્રત પાળવા છતાં અપરાધીઓને અધિકતમ ઉદ્દેશૃંખલ, ઉદ્ધત, અભિમાની અને નિષ્ઠુર ન બનવા દે, સેવાવ્રતી હોવા છતાં સેવ્ય વ્યક્તિને આળસુ અને અકર્મણ્ય ન થવા દે, ક્રોધમાં હોવા છતાં અનુશાસન અને માનસિક નિયંત્રણ રાખવાનું જાણે છે, એનામાં ભક્તિ અને ઉત્સાહ હોવા છતાં દાસવૃત્તિ અને ઉતાવળાપણું ન હોય, સફળતામાં વિશ્વાસ રાખવા છતાં કાર્ય કરવામાં બેદરકારી રાખતો નથી, ત્યાગી હોવા છતાં સમોવડિયા થવાનો લોભ વધવા દેતો નથી, માન-સન્માનની પરવા કર્યા વિના લોકકલ્યાણનાં શુભ કર્મો કરવામાં બદ્ધ ન હોવા છતાં સ્વેચ્છાથી એ તત્પરતાપૂર્વક સારી રીતે કરે છે, જ્યારે તે કોઈ કાર્યમાં પ્રવૃત્ત હોવાની સાથોસાથ તેમાંથી નિવૃત્ત પણ થઈ શકે છે, ત્યારે એના ચારિત્ર્ય અને ગુણોમાં સંતુલન આવે છે.
જ્યારે બે વિચારધારાઓ મનુષ્ય પાસે બે જુદાં જુદાં ક્ષેત્રોમાં કાર્ય કરાવે છે ત્યારે એના સમન્વયથી જે સ્થિતિ બને છે તેને સમતોલ વિચારધારા કહેવામાં આવે છે. આત્મસુખની ભાવના ખાસ કરીને મનુષ્યોને સ્વાર્થમય કર્મો કરવામાં અને લોકસુખની ભાવના લોકકલ્યાણનાં કાર્યોમાં પ્રવૃત્ત કરે છે. આમ આત્મસુખ અને લોકસુખ એવા બે ભિન્ન દષ્ટિકોણ થયા. એમના સમન્વયથી જે મધ્યમ સ્થિતિ ઉત્પન્ન થાય છે, એ જ સમતોલ વિચા૨પદ્ધતિ છે. એવી જ રીતે જેની વિચારધારામાં પૂર્વ અને પશ્ચિમના આદર્શોના ભૌતિકવાદ અને અધ્યાત્મવાદનો સમન્વય, આદર્શ અને યથાર્થનો સમન્વય થયો છે અને જે મધ્યમ માર્ગ અપનાવે છે એની વિચારધારા સંતુલિત હોય છે.
જ્યારે આપણે કોઈ એક જ કાર્યની પાછળ પડીએ છીએ અથવા જ્યારે આપણે કોઈ કાર્ય વધારે પ્રમાણમાં કરીએ, જેના કારણે બીજાં કરવા જેવાં કાર્યો ભૂલી જઈએ છીએ, ત્યારે આપણી કાર્યપદ્ધતિ અસંતુલિત થાય છે. જો આપણે એકદમ ધન કમાવા પાછળ પડી જઈએ અથવા આપણે માત્ર અભ્યાસમાં બધો સમય વિતાવીએ ત્યારે આપણી કાર્યપદ્ધતિ અસમતોલ બને. જો કોઈ વિદ્યાર્થી પોતાની લખવાની ઝડપ વધારવા તરફ જ માત્ર ધ્યાન આપે અને અક્ષરોની સુંદરતા તરફ ધ્યાન ન આપે તો તમો એના પ્રયત્નને શું કહેશો ? એવી જ રીતે કોઈ દેશ માત્ર શિક્ષણની ગુણવત્તા અથવા એની ઉત્કૃષ્ટતા પર જ લક્ષ્ય આપવાનું આયોજન કરે અને વધુમાં વધુ લોકોને શિક્ષણ મળે એ વાત પર ધ્યાન ન આપે તો એ દેશના શિક્ષણશાસ્ત્રીઓની કાર્યપદ્ધતિ અસમતોલ જ કહેવાય. આ જ વાત માનવજીવનને પણ લાગુ પડે છે. આપણે માત્ર એક જ દિશામાં દોડાદોડ કરવી જોઈએ નહિ, બધી દિશાઓમાં યોગ્ય વિકાસ કરતાં કરતાં માનસિક સમતુલા સ્થાપિત કરવી જોઈએ. ત્યારે જ આપણે ગહન માનસિક શાંતિનાં દર્શન કરી શકીશું.
પ્રતિભાવો