આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; નાક
April 5, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; નાક
પ્રાચીન સમયમાં ગ્રીક તથા ભારતીય મૂર્તિકારોએ મૂર્તિનિર્માણ માટે થોડા નિયમ બનાવી રાખ્યા હતા. એ નિયમો પ્રમાણે તેઓ નાકને એવી રીતે બનાવતા હતા કે માથું જેટલું ઊંચું હોય તેટલી નાકની લંબાઈ ૨હે, આંખ જેટલી લાંબી હોય તેટલું પહોળું નાકનું ટેરવું રહે. જેટલું અંતર બંને ભ્રમરો વચ્ચે હોય તેટલી નાકની જાડાઈ રહે. આકૃતિ વિદ્યા અનુસાર આ માપ બહુ જ સદ્ગુણી, શક્તિવાન, બુદ્ધિમાન, બળવાન તથા ભાગ્યવાન વ્યક્તિનું છે.જો ત્રણમાંથી એક બે વાતો મળતી આવે તો સમજવું જોઈએ કે વ્યક્તિએ તેટલા અંશમાં ઉત્તમ ગુણો ધારણ કર્યા છે.
વચમાં થોડી ગોળાઈ સાથે પોપટની ચાંચની માફક નાક ઉપસેલું હોય તો યોગ્યતા અને અધિકાર પ્રાપ્તિનું સૂચક છે.આવા લોકો પોતાની જવાબદારી સારી રીતે બજાવે છે અને જે કામ હાથમાં લે છે તેને અધૂરું નથી છોડતા. જાડું નાક હોવું તે પુરુષાર્થનું ચિહ્ન છે અને પાતળું હોવું કમજોરીનું ચિહ્ન છે. જાડું તથા વચમાં ઉપસેલું નાક લગભગ બહાદુરો, સેનાપતિઓ, અધિકારીઓ તથા અનુશાસન રાખવાની રુચિવાળાઓનું હોય છે.
મોટા ચહેરા પર નાનું અને નાના ચહેરા પર મોટું નાક આ પ્રકારનું બેડોળપણું ચરિત્રમાં કોઈ પ્રકારની ઊણપ બતાવે છે. પાતળા નાકનાં મોટાં નસકોરાં, જાડાં નાકનાં નાનાં નસકોરાં, વધારે પડતી પહોળાઈ અને લંબાઈ ઓછી આ પ્રકારની મેળ વગરની વાતો ચરિત્રમાં કોઈ દોષો અથવા ત્રુટિ હોવાનું પ્રગટ કરે છે.
સીધું, પાતળું, લાંબું તથા સમાનાકાર નાક શુદ્ધ ચરિત્ર, માન- મર્યાદાની રક્ષા, કલાપ્રિયતા તથા ઉત્સાહનું સૂચક છે, પરંતુ પાતળું અને લાંબું હોવા છતાં એ વાંકું, ખાડાવાળું માંસરહિત તથા બેડોળ હોય તો સ્વાર્થીપણું, નિષ્ઠુરતા તથા શુષ્કતા પ્રગટ કરે છે.
કોઈના નાકનું ટેરવું નીચેની બાજુ એ રીતે ઝૂકેલું હોય છે કે નસકોરાંના છિદ્રોનો અંદરનો ભાગ બિલકુલ નથી દેખાતો, કેટલાકના નાકનું ટેરવું ઊંચું હોય છે, જેનાથી નસકોરાંનાં છિદ્રોનો કેટલોક ભાગ દેખાય છે. આ બંનેમાં કેટલાક વિશેષ અર્થ છુપાયેલા હોય છે.
નીચેની તરફ ઝૂકેલું અણીવાળું નાક ઉદાસીન સ્વભાવ, આચરણહીનતા તથા પરનિંદામાં રુચિ રાખવાની સૂચના આપે છે, પરંતુ ઊંચું નાક ચપળતા, વિનોદપ્રિયતા, હસમુખો સ્વભાવ, મનમાન્યું કરવામાં રુચિ, ચતુરતા તથા વ્યવહારકુશળતા હોવાનું પ્રગટ કરે છે. આવા લોકો દરેકને પ્રિય લાગનારા હોય છે.
ચપટું નાક ન તો જોવામાં સારું લાગે છે, ન આવા લોકોનો સ્વભાવ ઉત્તમ હોય છે. આવા નાકનું મૂળ જો થોડું દબાયેલું હોય તો એ માણસ બહુ નાની કક્ષાનો માણસ હોવો જોઈએ. હા, જો ચપટું નાક બિલકુલ સીધું તથા સમાનાકાર દેખાતું હોય તો આવો માણસ યશસ્વી, વિશિષ્ટ કાર્યોનો સંપાદનકર્તા, કલાકાર તથા વાક્પટુ હોવાની આશા રાખી શકાય છે. ચપટા નાકની ઉપર જો ભ્રમરો ઝૂકેલી હોય અને માથું આગળ તરફ નીકળી રહ્યું હોય તો તે શોધક, વિચારશીલ તથા દૂરદર્શી હોવાનાં ચિહ્ન છે.
સામાન્ય કક્ષાના નાકમાં વચ્ચેનો હિસ્સો જો જોડો હોય તો વિદ્યામાં રુચિ, અધ્યયન, સ્વાધ્યાય અને મનનમાં દિલચસ્પી પ્રગટ કરે છે. આવા નાકવાળા પત્ર લખવાની કળામાં બહુ નિપુણ હોય છે. જાડા નાકવાળા, ધનવાન, ગુણવાન, કમાઉ તથા પ્રવાસી જીવન વિતાવનારા હોય છે.
નાકના ઉપરના ભાગની સાથેસાથે નસકોરાંની રચના પર પણ દૃષ્ટિપાત કરવો જોઈએ. જોવા મળે છે કે થોડાં સાંકડાં નસકોરાંવાળા ડરપોક અને કમજોર સ્વભાવના હોય છે. પહોળાં અને ફૂલેલાં નસકોરાંવાળા ભાવુકતા તથા કામુકતાની અધિકતા પ્રગટ કરે છે અને બતાવે છે કે આવી વ્યક્તિ નાની વાતને બહુ મોટી માનનારી હોય છે.
અણીદાર નસકોરાંવાળા સ્વાર્થી અને ઘમંડી હોય છે તથા બીજાના મામલામાં પોતાની ટાંગ અડાડવામાં બહુ દિલચસ્પી લેતા હોય છે. જાડાં, ભારે અને અધિક માંસવાળાં નસકોરાં સમજદારી, ઈમાનદારી, વફાદારી, હોશિયારી તથા બીમારીની અધિકતા પ્રગટ કરે છે. આવી વ્યક્તિઓનાં આવક તથા ખર્ચ બંને વધારે હોય છે. શુષ્ક નાકવાળા દીર્ઘાયુ હોય છે. જેમનું નાક વચમાંથી બેસી ગયેલું હોય તે પરસ્ત્રીગામી, મધુરભાષી તથા બહુ કમાનાર હોય છે. જેનું નાક પોતાની આંગળીથી સાડાત્રણ આગળ લાંબું હોય તે પોતાના જ પુરુષાર્થથી ધન પદા કરે છે, પરંતુ સંતાનો તરફથી દુઃખી રહે છે. જેનું નાક ત્રણ આંગળ લાંબું હોય તે દીર્ઘાયુ, પરંતુ સાધારણ ચિત્તવાળો હશે. ચાર આંગળ લાંબા નાકવાળા મૂર્ખ અને ઝઘડાખોર હોય છે. અઢી આંગળ નાકવાળા દરિદ્ર હોય છે. ભાગ્યવાનોને લગભગ એક સાથે બે છીંક આવે છે.
પ્રતિભાવો