૩૭. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૬  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૬  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

સત્યં બૃહદ્દતમગ્ને દીક્ષા તપો બ્રહ્મં યજ્ઞઃ પૃથિવી ધારયન્તિ । સા નો ભૂતસ્ય ભવ્યસ્ય પલ્લુરું લોકં પૃથિવી નઃ કૃણોતુ ।। (અથર્વવેદ ૧૨/૧/૧)

ભાવાર્થ : આ સંસારમાં જે લોકો પરમાત્મા અને વિદ્વાનોને પ્રેમ કરે છે, સત્યકર્મી, જ્ઞાની અને જીતેન્દ્રિય હોય છે તેઓ જ ઉન્નતિ કરે છે. અત્યાર સુધી એમ જ થયું છે અને હવે પછી પણ એવું જ થશે.

સંદેશ ; ઉન્નતિ કોણ કરે છે ? બહુ ધન એકઠું કરવું, બંગલા, કાર અને સુખસગવડની વસ્તુઓનો ઢગલો કરી લેવો તેને લોકો ઉન્નતિ સમજે છે. આજે અનીતિપૂર્વક સંપત્તિ કમાવાની ચડસાચડસી શરૂ થઈ છે.

જ્યારે માનવી અને રાષ્ટ્ર બંને સાથેસાથે યશસ્વી બને ત્યારે ઉન્નતિ થાય. રાષ્ટ્રની ઉન્નતિ માટે, તેને શક્તિશાળી અને ગૌરવપૂર્ણ બનાવવા માટે દેશના નાગરિકો તપસ્વી બને તે જરૂરી છે. કોઈ શ્રેષ્ઠ લક્ષ્યને પૂરું કરવામાં આવતી બધી મુશ્કેલીઓને ધૈર્યપૂર્વક સહન કરતાં આગળ વધવાનું નામ તપ છે. યક્ષે યુધિષ્ઠિરને તપનાં લક્ષણો પૂછ્યાં હતાં ત્યારે તેમણે કહેલું, “તપઃ સ્વકર્મવર્તિત્વમ્” – એકનિષ્ઠ થઈને પોતાના કર્તવ્યનું પાલન કરવાનું નામ તપ છે અને તપનો સાર છે જિતેન્દ્રિયતા. ઇન્દ્રિયનિગ્રહ કરવામાં ન આવે તો ઉન્નતિ થઈ શકતી નથી. જ્યાં સુધી માયા, મોહ, લોભ, સ્વાર્થ વગેરે ઉપર વિજય મેળવીને રાષ્ટ્રહિતની ભાવના બળવાન થતી નથી, ચારેબાજુ લૂંટફાટનું વાતાવરણ રહેશે ત્યાં સુધી માનવી સુખશાંતિ મેળવી શકે નહિ. ઉન્નતિ માટે સૌથી વધારે જરૂરી છે મહાન સત્યને જાણીને સત્યાચરણની દીક્ષા લેવી, એ નિર્વિવાદ સત્ય છે કે સમગ્ર બ્રહ્માંડ ૫રમેશ્વરે પ્રગટ કર્યું છે. તે તેના કણેકણમાં હાજર છે અને કરોડો વર્ષોથી તેને ગતિ આપી રહ્યા છે. આપણે પણ તે પરમેશ્વરના અંશ છીએ. આપણાં કર્મોનો હિસાબ તે પૂરી ઈમાનદારીથી રાખે છે અને તેમની ન્યાયકારી સત્તા કર્મફળ નક્કી કરે છે. આ જ્ઞાન આપણને સંયમની પ્રેરણા આપે છે અને આપણા આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ કરે છે.

ઇન્દ્રિયનિગ્રહ અને સત્યાચરણનો લાભ એ થાય છે કે માનવી પોતાના ક્ષુદ્ર સ્વાર્થભાવનો ત્યાગ કરી દે છે અને દેશવાસીઓમાં રાષ્ટ્રભાવ જાગૃત થાય છે. બધા નાગરિકો બીજાના કષ્ટને પોતાનું કષ્ટ સમજીને તેના નિવારણમાં સહયોગ આપવા લાગે છે. આથી એકબીજાની ઉન્નતિનો મજબૂત આધાર બની જાય છે. સમગ્ર રાષ્ટ્રમાં આત્મીયતાની ભાવના બળવત્તર બને છે અને ત્યારે દેશમાં પ્રાણશક્તિનો સંચાર થાય છે. જે રાષ્ટ્રના બધા નાગરિકો ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી હોય છે તેની આ ઉન્નતિની સમક્ષ સંસારનાં શક્તિશાળી રાષ્ટ્રો પણ માથું નમાવે છે.

બીજનું શું મહત્ત્વ છે ? તે કોથળામાં પુરાઈને ઘરના એક ખૂણામાં પડી રહે છે ત્યારે તેની કશી કિંમત નથી હોતી. જયા૨ે તેને ખેતરમાં વાવવામાં આવે છે ત્યારે થોડા સમયમાં તે એક વિશાળ વૃક્ષના રૂપમાં વિકસિત થાય છે. આ માટે તેણે પોતે ઓગળવું પડે છે અને ખાતર-પાણીના રૂપમાં સમાજનો સહયોગ લેવો પડે છે. પોતાના સ્વાર્થભાવનો ત્યાગ અને સમાજનો આત્મિક સહયોગ એ બંને ભેગાં મળીને ઉન્નતિના સુવર્ણમય સોપાનનું નિર્માણ કરે છે. કોઈ એમ સમજે કે તે એકલું જ બધું કરી શકે છે, તો તે તેનો ખોટો ભ્રમ છે. બીજાના સહયોગની સાથે સાથે પોતે તપ અને સાધનાનાં કષ્ટો સહન કરવાથી જ માનવી ઉન્નતિના માર્ગે આગળ વધે છે.

આ પરમપિતા પરમેશ્વરનું પોતાના પ્રિય પુત્રોને સૂચન છે. તેના માટે તેમણે સર્વગુણયુક્ત માનવશરીરની રચના કરી છે અને તેને પોતાની બધી શક્તિઓથી વિભૂષિત કર્યો છે. દરેક પળે તે તેને મદદ કરવા તૈયાર રહે છે, પણ શરત એટલી જ છે કે માનવીએ નિઃસ્વાર્થ ભાવથી પુરુષાર્થમાં લાગી રહેવું જોઈએ. ઉન્નતિ માટે ઈશ્વરની સત્તામાં પૂર્ણ વિશ્વાસ રાખીને પોતાની પૂરેપૂરી ક્ષમતા અને પ્રતિભાનો ઉપયોગ લોકહિતનાં કાર્યો માટે કરવો એ જ જીવનનું મુખ્ય લક્ષ્ય છે.

વિદ્વાનોની એ જવાબદારી છે કે તેઓ સમાજને ઉન્નતિના એ સત્યમાર્ગ ઉપર આગળ વધવા પ્રેરિત કરે. તેમ કરવાથી જ બ્રાહ્મણત્વનો નિર્વાહ થઈ શકશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ૩૭. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૬  શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

  1. બ્રાહ્મણત્વ ના 5 લેખો વાંચ્યા.
    શારાંશ મા કહું છું, કે “” કોઇ જન્મે બ્રાહ્મણ હોય કોઇ કર્મે બ્રાહ્મણ હોય””.

    ડૉ.સુધીર શાહ

    Like

Leave a comment