પંચમુખી ગાયત્રીનું શિક્ષણ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૬
September 18, 2011 Leave a comment
પંચમુખી ગાયત્રીનું શિક્ષણ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૬
મારા મનમાં પંચમુખી ગાયત્રીની પ્રતિમા જોઈને વારંવાર એવો પ્રશ્ન ઉદ્ભવતો હતો કે ગાયત્રી તપોભૂમિની પ્રતિમા તો એકમુખી જ છે. પરંતુ દેશમાં ઘણાં જ સ્થાનોએ પંચમુખી ગાયત્રીની પ્રતિમાઓ સ્થાપિત છે. આની પાછળનું રહસ્ય શું હોઈ શકે ? એક સમયે જ્યારે ગુરુદેવ સાથે પ્રવાસમાંથી હું પાછો આવી રહ્યો હતો ત્યારે મેં મારા મનની વાત ગુરુદેવને પૂછી લીધી. તેઓએ કહ્યું, બેટા ! ગાયત્રીની પ્રતિમા તો એકમુખી જ છે. પરંતુ પાંચમુખી સ્વરૂપ તો અલંકારિક બનાવવામાં આવ્યું છે. આ પંચમુખી સ્વરૂપ આપણા શરીરના પાંચ કોશના પ્રતીકના રૂપે છે. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે આ પાંચ આવરણોને દૂર કરવાં પડે છે, જે આત્મિક પ્રગતિમાં બાધક છે. આ પાંચ કોશ અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય તેમજ આનંદમયના નામોથી ઓળખાય છે.
પહેલો કોશ અન્નમય છે. આજે દરેક વ્યક્તિ ખાવાપીવાના અસંયમના કારણે શરીર અને મનની રોગી બની રહી છે. અન્ન વડે જ મન બને છે. અન્ન જો અનીતિપૂર્વક અર્જિત કરવામાં આવ્યું હશે તો તે શરીર અને મન બંને માટે અત્યંત ઘાતક છે. રોગ, શોક, ક્લેશ જેવાં સંકટ અનીતિપૂર્વક મેળવવામાં આવેલ સંપત્તિની જ પરિણતિ છે. અમે ૨૪ વર્ષ સુધી જવની રોટલી અને છાશનું સેવન કરીને જ સાધના કરી છે. આની પાછળનો છુપાયેલો ઉદ્દેશ્ય અન્નમય કોશનાં જાગરણનો જ હતો. અનુષ્ઠાનમાં અસ્વાદ વ્રત આ જ ઉદ્દેશ્યથી અમે કરાવતા રહીએ છીએ. અન્નમય કોશને શુદ્ધ કરવા માટે અન્નની શુદ્ધિ પણ અનિવાર્ય છે. ઈમાનદારી તેમજ પરિશ્રમપૂર્વક મેળવેલા અન્નનું સાત્ત્વિક ભાવ વડે સેવન કરવાની સાધકની વ્રતશીલતા હોવી જોઈએ. આના વડે જ મનની એકાગ્રતા કેળવાય છે.
બીજો છે મનોમય કોશ, અન્નમય કોશ પછી આત્માનું બીજું આવરણ મનોમન કોશનું છે. ઉપાસના, સાધના, સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન, મનન દ્વારા મનનો પરિષ્કાર કરવામાં આવે છે. સ્વાધ્યાય અને સત્સંગ દ્વારા મન ઉપર કુવિચારો અને દુર્ભાવનાઓના રૂપમાં કષાય કલ્મષને દૂર કરવામાં આવે છે. આથી જ ઋષિઓએ સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ ગણાવ્યું છે. શરીરની સફાઈ, ઓરડાની સફાઈ, કપડાંની સફાઈમાં આપણે જે રીતે ધ્યાન આપીએ છીએ એવી જ રીતે મનને પણ દરરોજ ચોક્કસપણે સ્વાધ્યાય દ્વારા સ્વચ્છ, નિર્મળ બનાવવાનું હોય છે. મનન અને ચિંતન દ્વારા આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ પેદા થાય છે. આના દ્વારા જ ભૂલો સુધારીને પ્રગતિના રસ્તે આગળ રહેનારા બની શકાય છે. દરરોજ એક કલાકનો સમય સ્વાધ્યાય માટે કાઢવો જ જોઈએ. પ્રેરણાદાયક શ્રેષ્ઠ સાહિત્ય હંમેશને માટે પોતાના ઘરમાં રાખવું જ જોઈએ જેથી આપણે પોતે સ્વાધ્યાય કરી શકીએ અને બીજાને પણ એનો લાભ મળે. મન ઈન્દ્રિયોનો સ્વામી છે, આથી મનને જીતી લેવાથી જ ઈન્દ્રિયોને આદર્શો તરફ ચાલનાર બનાવી શકાય છે.
ત્રીજો છે પ્રાણમય કોશ. મનુષ્યનું મુખ્ય બળ મનોબળ જ છે. મનોબળ સંપન્ન વ્યક્તિ જ સંકલ્પશક્તિથી ભરપૂર હોય છે. આ મનોબળ મસ્તિષ્ક્રિય બળ કરતાં અલગ છે. એને પ્રાણતત્ત્વ કહી શકાય છે.ભીષ્મ પિતામહમાં આ પ્રાણતત્ત્વ ભરપૂર પ્રમાણમાં હતું. જેને કારણે છ મહિના સુધી બાણોની શય્યા પર પડી રહ્યા અને નિશ્ચિત સમય પર પ્રાણત્યાગ કરવાની રાહ જોઈ શકયા. આત્મબળ સંપન્ન વ્યક્તિ માટે મોટાં-મોટાં અસંભવ કાર્ય પણ સંભવ બની જાય છે. ભારતમાં આવી અનેક પ્રાણશક્તિ સંપન્ન વ્યક્તિઓ થઈ છે. આ કોશની સાધના પ્રાણાયામ દ્વારા કરવામાં આવે છે. પ્રાણાયામ એક એવું વિજ્ઞાન છે જેના માધ્યમથી આહાર વગર વર્ષો સુધી જીવિત રહી શકાય છે. આવા કેટલાય ઋષિ હિમાલય ક્ષેત્રમાં આજે પણ તપસ્યામગ્ન છે.
એક પવહારી બાબા થઈ ગયા છે, જેઓ અનાજ-પાણી વિના જીવન જીવતા હતા. વૈજ્ઞાનિકો આ વાતનો સ્વીકાર કરતા ન હતા. એમણે એકવાર પ્રયોગ કર્યો. પવહારી બાબાને એક ગુફામાં બંધ કરી દીધા. જ્યાં ફક્ત હવા જઈ શકે તેવી વ્યવસ્થા હતી અને ગુફાની પાસે વૈજ્ઞાનિકોની ટુકડી બેસી રહી. કોઈપણ પ્રકારના ભોજનની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી નહોતી. જ્યારે ઘણા દિવસો પછી ગુફાનું દ્વારા ખોલવામાં આવ્યું તો પવહારી બાબા એ જ અવસ્થામાં હતા જેવા એ ગુફામાં બંધ કરતી વખતે હતા. તેઓ પ્રાણતત્ત્વ પ્રાણાયામ દ્વારા ભેગું કરી લેતા હતા.
આ સાધના અંતર્ગત દરરોજ પ્રાતઃકાળે સાધના કરતાં પહેલાં પ્રાણાયામની ક્રિયા આ પ્રમાણે કરવી.
સુખાસને કે પદ્માસનમાં બેસીને એકાગ્રચિત્ત થઈ ધીમે ધીમે બન્ને નસકોરાં વડે ઊંડો શ્વાસ લો અને બંને નસકોરાંને બંધ કરી લો. થોડો વખત શ્વાસને અંદર જ રોકો. પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો અને થોડો સમય શ્વાસને બહાર જ રાખો અર્થાિત્ વગર શ્વાસે રહો. જેટલો સમય શક્ય હોય તેટલો જ સમય શ્વાસ રોકો. આ પ્રાણમય કોશની સૌથી સરળ સાધના છે. આ ક્રિયા નિત્ય કરવી જોઈએ.
ચોથો વિજ્ઞાનમય કોશ છે. શરીર પદાર્થનું બનેલું છે અને નાશવંત પણ છે. આત્મા પહેલાં પણ હતો, આજે પણ છે અને આગળ પણ રહેશે. શરીર આત્માનું વાહન છે, સાધન છે. વિજ્ઞાનમય કોશનું જાગરણ ભાવનાઓમાં સુધારણા કરીને કરી શકાય છે. આત્મા પર મલીન પડ જામેલાં હોય છે તેને દૂર કરવાં પડશે. આત્મનિરીક્ષણ કરવું પડશે. વિભિન્ન બંધ-મુદ્રાઓનો અભ્યાસ અને પ્રયોગ કરીને એની સાધના કરવામાં આવે છે. આ સાધનાઓ ગાયત્રી મહાવિજ્ઞાનના ત્રીજા ભાગમાં વિસ્તારપૂર્વક લખી છે.
ગુરુદેવે આગળ વધતાં આનંદમયકોશ વિશે જણાવ્યું. ધ્યાનના ઊંડાણમાં ઊતરીને અલૌકિક આનંદની દિવ્ય અનુભૂતિ આ કોશની સાધના અંતર્ગત આવે છે. નાદયોગ, બિન્દુયોગ વગેરેની સાધના દ્વારા આનંદમય કોશનું જાગરણ કરવામાં આવે છે. પ્રેમભાવનાને વિસ્તારીને પ્રાણીમાત્ર પ્રત્યે સાચા પ્રેમનું જાગરણ કરવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચે, ભાઈ-ભાઈ પ્રત્યે, મિત્ર મિત્ર વચ્ચે જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં તેઓ પોતાને અસાધારણ બળવાન અનુભવે છે. કહેવાય છે કે નિર્જીવ વસ્તુઓ તો એક અને એક મળીને બે થાય છે પરંતુ સજીવ મનુષ્ય એક અને એક મળીને અગિયાર થઈ જાય છે. માનવજીવનમાં જો કોઈ રસ છે તો તે પ્રેમ જ છે. આ પ્રેમભાવના વડે ભગવાનને વશ કરી શકાય છે. આ રીતે ગુરુદેવે પંચમુખી ગાયત્રીમાતા અને આપણા આત્મા પર ચઢેલાં પાંચ આવરણ જે પંચકોશ તરીકે ઓળખાય છે તે વિશે સમજાવ્યું. મેં ગાયત્રી મહાવિજ્ઞાનનું અધ્યયન કર્યું અને પંચકોશની સાધના પણ કરતો રહ્યો.
પ્રતિભાવો