સર્જનાત્મકતા વૃત્તિ અને અભ્યાસ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
February 7, 2021 Leave a comment
સર્જનાત્મકતા વૃત્તિ અને અભ્યાસ, બાળસંસ્કાર શાળાઓ આવી રીતે ચલાવો
રચનાત્મક કામોમાં એક કામ છોડ વાવવાનું પણ છે. પોતાને ઘેર ઘરેલ શાકવાડી બનાવવાનો શોખ બાળકોમાં પેદા કરવો જોઈએ. એમનું જ્ઞાન અને ઉત્સાહ વધશે તેમ તેમ તેઓ ઘર માટે શાકભાજી ઉગાડીને પોતાની યોગ્યતા અને વિશેષતાનો પરિચય કરાવશે.
દરેક ઋતુમાં કોઈ ને કોઈ શાકભાજી ઉગાડી શકાય છે. એનાં બીજ બજારમાં અથવા નર્સરીમાંથી મળી શકે. જેમને ત્યાં થોડી પણ ખાલી જગ્યા હોય તેઓ એટલામાં થોડી મહેનત કરીને પોતાના આખા ઘર માટે શાક ઉગાડી શકે છે. શાકભાજી આંગણાંમાં, ધાબા પર તથા છજામાં પણ ઉગાડી શકાય છે. થોડા ઉત્સાહની, થોડી દિલચસ્પીની અને થોડી મહેનતની જરૂર છે. બાળકોમાં આ કાર્ય દ્વારા એ ગુણોનું બીજારોપણ અને અભિવર્ધન કરી શકાય છે. આ કાર્ય વાલીઓ બાળકોની સાથે રહીને કરાવી શકે છે. સંસ્કારશાળાના શિક્ષક બાળકોના ઘેર જઈને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. આ એક એવો ગૃહઉદ્યોગ છે, જેમાં કોઈ મોટું મૂડીરોકાણ નથી. જો જમીન ન હોય તો કુંડાં, તૂટેલા ઘડા, જૂના ડબ્બા વગેરે આમાં કામ લાગી શકે છે. અઠવાડિક રજાના દિવસે અથવા તહેવારની રજાના દિવસે બાળકો નવરાં હોય છે. એ દિવસોમાં આવાં કામ કરાવી શકાય અથવા દૈનિક કાર્યોમાં પણ એમનો સમાવેશ કરી શકાય. બાળકોને નવાં કાર્યોમાં ઉત્સાહ પણ હોય છે. જ્યારે એમને લાગશે કે પોતાની મહેનતથી કંઈક કમાયા અને એનો લાભ ઘરના બીજા લોકોને મળ્યો ત્યારે એમને વધારે પ્રસન્નતા થશે. મનોબળ અને કૌશલ વધારવાનો લાભ શાકભાજીની કિંમતની તુલનામાં વધારે છે અને એનું દૂરગામી પરિણામ એનાથી પણ વધારે છે.
આ રીતે જો વિદ્યાલય જૂનું થઈ જાય અને છોકરાઓ થોડા કાર્યકુશળ લાગે તો તૂટેલી વસ્તુઓના સમારકામનાં નાનાંમોટાં કામ અઠવાડિયામાં એક યા બે દિવસ શિખવાડી શકાય. ઘરમાં ફાનસ, સ્ટવ, પેટીઓ, તાળાં, જેવી નાની મોટી વસ્તુઓ તૂટતી ફૂટતી રહે છે. એમના સમારકામ માટેની દુકાન શોધવાને બદલે ઘણા લોકો એમને ફેંકી દે છે અને નવી ખરીદી લે છે. જો તૂટફૂટના સમારકામનો અભ્યાસ હોય તો પોતાના ઘરની વસ્તુઓ રિપેર કરવા છોકરાઓ વિદ્યાલયમાં લાવી શકે. જૂની વસ્તુઓ નવી થઈ જાય છે અને પોતાને નવું કૌશલ શીખવા મળે છે. સાથે સાથે આ સમારકામ જોઈને સહયોગી બાળકોને પણ શીખવા મળે છે કે ઘરમાં આવા પ્રસંગે તેનું સમારકામ કેવી રીતે કરી શકાય.
કિમતી કપડાંને ઘણીવાર જંતુઓ ખાઈ જાય છે અને તેમાં કાણાં પડી જાય છે. જો રફ કરવાનું શીખી લેવામાં આવે તો મોંઘાં કપડાં ફરીથી નવાં થઈ શકે છે. આ પ્રકારનાં નિર્માણ કાર્યોથી ફક્ત પૈસાની જ બચત નથી થતી, પરંતુ વ્યક્તિગત કુશળતા, હાથનો અભ્યાસ અને માનસિક સ્તર વધે છે. જ્ઞાન માત્ર પુસ્તકોથી જ નથી વધતું. હસ્તકળાથી જે કુશળતા આવે છે તેમાં એક આગવી વિશેષતા સમાયેલી હોય છે. એને પુસ્તકિયા જ્ઞાનથી ઓછા મહત્ત્વનું ન ગણી શકાય. બાળસંસ્કાર શાળામાં ઘરના અભ્યાસને પાકો કરાવવામાં આવે છે, ખેલકૂદ તથા વ્યાયામથી બાળકોનું સ્વાથ્ય સુધારવામાં આવે છે. તેની સાથે સાથે જો અવસર મળે તો આવા હસ્તકૌશલનાં કામ શિખવાડવાનું આયોજન કરવું જોઈએ, જેનાથી ફક્ત પૈસા જ નથી બચતા, પરંતુ પ્રતિભા તથા કુશળતા પણ વધે છે.
આવા પ્રકારનાં મનોરંજક કાર્ય કરતા રહેવાથી બાળકોનો સર્વતોમુખી વિકાસ થાય છે. આપણે ત્યાં આ જ એક મોટી ખામી છે કે પુસ્તકો દ્વારા સામાન્ય જ્ઞાનની જાણકારી તો આપવામાં આવે છે, પરંતુ એ શિક્ષણ આપવામાં નથી આવતું, જેનાથી વ્યક્તિ હસ્તકળામાં કે શિલ્પમાં પ્રવીણતા પ્રાપ્ત કરી શકે અને મસ્તકની બહુમુખી વિશેષતાઓમાંથી બીજી અનેકને પણ સમુન્નત બનાવવામાં સહાયક સિદ્ધ થઈ શકે. આ ખામીની પૂર્તિ આપણે બાલસંસ્કાર શાળાના માધ્યમથી કરી શકીએ છીએ.
પ્રતિભાવો