ગાયત્રી મહાવિજ્ઞાનની ભૂમિકા, ગાયત્રી મહાવિજ્ઞાન – ભાગ – ૧
February 24, 2021 Leave a comment
ગાયત્રી મહાવિજ્ઞાનની ભૂમિકા
ગાયત્રી એક એવી દૈવી શક્તિ છે, જેની સાથે સંબંધ સ્થાપીને મનુષ્ય પોતાના જીવન-વિકાસમાં ખૂબ મદદ મેળવી શકે છે. પરમાત્માની અનેક શક્તિઓ છે. એ બધી જ શક્તિઓનાં કાર્યો અને ગુણો જુદાં જુદાં છે. એ તમામ શક્તિઓમાં ગાયત્રીનું સ્થાન ખૂબ ઊંચું છે. આ ગાયત્રી શક્તિ મનુષ્યમાં સદ્બુદ્ધિ પ્રેરે છે. ગાયત્રીની સાથે આત્મ- સંબંધ બાંધનાર મનુષ્યમાં નિરંતર એક એવો સૂક્ષ્મ અને ચેતન વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે, જે મુખ્યત્વે મન, બુદ્ધિ, ચિત્ત અને અંતઃકરણને પ્રભાવિત કરે છે. બૌદ્ધિક ક્ષેત્રના અનેક કુવિચારો, અસત્ સંકલ્પો તેમજ પતન કરાવનારા દુર્ગણોનો અંધકાર ગાયત્રીરૂપી દૈવી પ્રકાશના ઉદયથી દૂર થઈ જાય છે. જેમ જેમ એ સ્વર્ગીય પ્રકાશ વધે છે તેમ તેમ એ અંધકાર સમૂળગો નષ્ટ થતો જાય છે.
માનવ મનને વ્યવસ્થિત, સ્વસ્થ, સતોગુણી અને સમતોલ બનાવવામાં ગાયત્રી અચૂક રીતે ચમત્કારી પ્રભાવ ઉત્પન્ન કરે છે અને એ પણ નક્કી જ છે કે જે મનુષ્યની મનોભૂમિ જેટલા અંશે સુવિકસિત હોય તેટલા અંશે તે સુખી રહેવાનો. કારણ કે વિચારો દ્વારા જ મનુષ્યને કાર્ય કરવાની પ્રેરણા મળે છે અને કાર્યોનાં જ પરિણામો સુખ-દુ:ખ તરીકે મનુષ્ય ભોગવતો હોય છે. જેના વિચારો ઉત્તમ છે તે ઉત્તમ જ કાર્ય કરશે અને જેનાં કાર્ય ઉત્તમ હશે તેનાં ચરણોમાં સુખ-શાંતિ આપમેળે જ નમતાં આવશે.
ગાયત્રી ઉપાસના દ્વારા સાધકોને મોટા મોટા લાભ મળે છે. અમારી સલાહ અને અમારા માર્ગદર્શન હેઠળ આજ સુધી અનેક મનુષ્યોએ ગાયત્રી ઉપાસના કરી છે અને એ લોકોને લૌકિક અને આત્મિક એવા અનેક પ્રકારના આશ્ચર્યજનક લાભ થયેલા અમે અમારી આંખે જોયા છે. આનું કારણ એ જ છે કે આ ઉપાસનાથી એમને દૈવી વરદાન તરીકે સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેના પ્રકાશથી મનુષ્યને દીનહીન, દુઃખી, દરિદ્ર, કુમાર્ગગામી અને ચિંતાતુર બનાવી રાખનારી દુર્બળતાઓ, ગૂંચવણો અને કઠણાઈઓ દૂર થવાના માર્ગો આપમેળે જ મળતા થાય છે. જે પ્રકાશનો પ્રભાવ અંધકાર ગણાય છે, તે અંધકાર કોઈ સ્વતંત્ર વસ્તુ છે જ નહિ. ખરેખર તો સદ્બુદ્ધિ-સદ્જ્ઞાનનો અભાવ એનું નામ જ દુ:ખ છે, બાકી પરમાત્માની આ પુણ્યમય સૃષ્ટિમાં દુ:ખનો એક પણ કણ ક્યાંય નથી. પરમાત્મા પોતે સત-ચિત-આનંદ સ્વરૂપ છે અને તેની સૃષ્ટિ પણ એવી જ છે. મનુષ્ય ફક્ત પોતાની આંતરિક દુર્બળતા અને સદ્જ્ઞાનના અભાવને કારણે જ દુ:ખી રહે છે. નહિ તો દેવને દુર્લભ મનુષ્ય શરીર અને સ્વર્ગાદપિ ગરીયસી” ધરતી માતા ઉપર દુ:ખનું કોઈ કારણ નથી. અહીં તો સર્વથા આનંદ જ છે.
સદ્દજ્ઞાનની ઉપાસનાનું નામ જ ગાયત્રી સાધના છે. જે લોકો આ સાધનાના સાધક છે, એમને આત્મિક અને સાંસારિક સુખોની તૃષ્ણા કદી રહેતી જ નથી, એવો અમારો દઢ વિશ્વાસ અને લાંબા સમયનો અનુભવ છે. આ પુસ્તકમાંની ચર્ચાઓ વિષે કોઈ સ્પષ્ટતા કે સહકારની જરૂર જણાય તો જવાબી પત્ર લખીને અમને પૂછાવી શકાય છે.
ગાયત્રી અંગેની શાસ્ત્રીય ચર્ચા, ઋષિઓનો અનુભવ અને તેઓની રચનાઓ આ પુસ્તકના બીજા ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. જિજ્ઞાસુ એનો પણ લાભ લે.
ગાયત્રી મહાવિજ્ઞાનની ભૂમિકા, , ગાયત્રી મહાવિજ્ઞાન – ભાગ – ૧, પં. શ્રીરામ શર્મા આચાર્ય
Click here : Play List : https://youtube.com/playlist?list=PLxs4XhLJVjrYfHkkrL7YcXMpQqzu7V5zL
પ્રતિભાવો