મહાન માતાઓના મહાન પુત્ર : બોઘવચન -૨૧
September 17, 2021 Leave a comment
મહાન માતાઓના મહાન પુત્ર : બોઘવચન -૨૧
બોધ : “ માતા નિર્માતા ભવતિ ” ના સિધ્ધાંત મુજબ માતાને જ સંતાનની નિર્માતા અને સંસ્કારો આપનારી ગણવામાં આવી છે. પરિવાર એ નર અને નારીના સંયુકત અનુદાનનું પ્રતિફળ છે. નારી ખાણ અને નર તેમાંથી નીકળનારૂં ખનીજ છે. જેવી ખાણ હોય તેવી કક્ષાની ધાતુ એમાંથી નીકળે છે. કોલસો, લોખંડ, તાંબુ, ચાંદી, સોનું વગેરે પોતપોતાની ખાણામાંથી નીકળે છે. તેમ શ્રેષ્ઠ સરની નારીઓ પોતાના જેવા ગુણ, કર્મ અને સ્વભાવવાળા સંતાનોને જન્મ આપે છે.
બાળકો આકાશમાંથી ઉતરતાં નથી. તેઓ માતાના શરીરનું જ અંગ છે. એમનામાં રહેલી ચેતનાનું સિંચન, પોષણ તથા સંસ્કારોનું અભિવર્ધન માતા દ્વારા જ થાય છે. નરરત્નોનું ઉત્પાદન કોઇપણ સમાજ યા રાષ્ટ્રમાં ત્યારે જ વધે છે કે જ્યારે નારીની સુસંસ્કારિતા ઉપર ધ્યાન આપવામાં આવે. નારીનું સૌથી વધુ મહત્વ એના જનની તરીકેના પદમાં રહેલું છે. જો માતા ન હોત તો આ સૃષ્ટિ ક્યાંથી હોત અને રાષ્ટ્ર તથા સમાજની રચના કઈ રીતે થાત ? જો માતા ન હોત તો શૂરવીરો, મોટા મોટા વૈજ્ઞાનિકો, પ્રકાંડ પંડિતો, કલાકારો, શ્રેષ્ઠ સાહિત્યકારો, દાર્શનિકો, વિદ્વાનો, નેતાઓ, મહાત્માઓ તથા સંતો અને મહાપુરૂષો કોની ગોદમાં રમીને ધરતી ઉપર પદાર્પણ કરત ? નારી માત્ર વ્યક્તિ નહીં, રાષ્ટ્રની જનની નહીં, પણ જગતજનની છે. માન્યતાના નાતે, સહધર્મિણી હોવાના નાતે, રાષ્ટ્ર તથા સમાજની ઉન્નતિમાં એને યોગ્ય સન્માન અને સ્થાન આપવું જ જોઇએ.
અભિમન્યુ, બુધ્ધ, મહાવીર વગેરે મહાપુરૂષોનું નિર્માણ ગર્ભકાળમાં જ થઈ ગયું હતું. એ વખતના વિચાર, સંકલ્પ અને મન સંતાનને અવશ્ય પ્રભાવિત કરે છે. બુધનાં માતા તો બાળકને જન્મ આપીને મૃત્યુ પામ્યાં હતાં, છતાં પણ એમની આધ્યાત્મિક આત્મસાધનાનો પ્રભાવ ગર્ભસ્થ બાળક ઉપર તો પડ્યો જ.
લિચ્છવી વંશની ક્ષાત્ર પરંપરામાં મહાવીર જેવા અહિંસાના પૂજારી અને ઉપદેશકનો જન્મ ખરેખર આશ્ચર્યજનક લાગે છે, પરંતુ એનું શ્રેય પણ એમની માતાના ફાળે જાય છે. તેઓ માંસભક્ષણથી દૂર રહેતાં તથા સૌમ્ય અને સાત્વિક જીવન જીવતાં તેનો પ્રભાવ જ એમના પુત્રને મહાવીર બનાવવામાં કારણભૂત હતો.
બાળકના જન્મ પછી એના પાલનપોષણમાં આદર્શો અને આધ્યાત્મના સિધ્ધાંતો પ્રત્યે દૃઢ નિષ્ઠાએ જ સદૈવ બાળકોને મહાન બનવાની પ્રેરણા આપી છે. ચંદ્રગુપ્ત મૌર્ય, રાણા સાંગા, મહારાણા પ્રતાપ, વીર શિવાજી, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, રાજર્ષિ ટંડન, બાબુ રાજેન્દ્રપ્રસાદ, મદનમોહન માલવીયાજી, વિનોબા ભાવે, મહર્ષિ કર્વે, સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ જેવી સેંકડો વિભૂતિઓ એમના માતાના લીધે જ ભારતને વરદાન રૂપે પ્રાપ્ત થઇ હતી. જો એમની માતાઓ પોતાના પુત્રોને રાષ્ટ્રસેવા અને સમાજનિર્માણની દિશામાં આગળ ન વધારત, તો આ મહાનમાનવો પણ કદાચ સામાન્ય લોકોની જેમ પેટ અને પ્રજનન પાછળ ભટકતા હોત. સાથે સાથે દેશ અને સંસ્કૃતિ તેમના લાભથી વંચિત રહી જાત.
માતાઓની મહત્વપૂર્ણ ભૂમિકા આ રીતે ( કેટલાક દાખલા ) :
મેવાડના ઇતિહાસમાં રાણા સંગનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. તેમની માતાએ રાજસ્થાનની દુર્દશા બરાબર જોઈ હતી. સંગ્રામ સિંહ જયારે ગર્ભમાં હતો ત્યારે એમણે નિશ્ચય કર્યો કે હું એવા સંતાનને જન્મ આપીશ કે જે આ અંધકાપૂર્ણ વાતાવરણમાં પ્રકાશ ફેલાવી શકે. સાત્વિક યોજના, વીરોચિત વેશભૂષા અને સાહસિક વિચારોને મનમાં ઠસાવીને એમણે ખરેખર એવા તેજસ્વી સંતાનને જન્મ આપ્યો. પછીથી સંગ્રામસિંહને ઐતિહાસિક ઘટનાઓ અને વાર્તાઓ સંભળાવીને તેઓ પ્રેરણા આપતાં રહ્યાં. એ પ્રેરણાના ફળ સ્વરૂપે રાણા સંગ ઇતિહાસમાં સ્વતંત્રતાના અમર પૂજારી બન્યા.
મહારાણા પ્રતાપના પિતા પોતાની કુળ પરંપરા પ્રમાણે વીર અને સાહસિક નહોતા. ચિતોડનો કિલ્લો હાર્યા પછી એમને અરવલ્લીના પર્વતોમાં જતા રહેવું પડ્યું હતું. ત્યાં એમની પત્નીએ પ્રતાપસિંહને જન્મ આપ્યો હતો. પ્રયત્નપૂર્વક તેણીએ પોતાના પુત્રને એવું વાતાવરણ પુરૂ પાડ્યું કે જેમાં સાહસ, શૌર્ય, સ્વાભિમાન અને દેશભક્તિની ભાવનાઓનો વિકાસ થઇ શકે. એનું એમણે ખૂબ ધ્યાન રાખ્યું અને પોતાના પુત્રના જોતાં તેઓ કદી કોઈની આગળ ઝૂક્યાં નહોતાં કે જેથી કદાચ પ્રતાપસિંહને ઝૂકવાની અને સંધિ કરવાની ટેવ પડી ન જાય. આટલી બધી સાવધાનીપૂર્વક ઉછેરવાનું પરિણામ એ આવ્યું કે મહારાણા પ્રતાપ ઘાસની રોટલી પતરાળામાં ખાતા, છતાં તેમણે અકબરની ગુલામીનો સ્વીકાર ના કર્યો.
છત્રપતિ શિવાજીનાં માતા વીર અને ધર્મનિષ્ઠ મહિલા હતાં. પોતાનો પુત્ર પણ તેવો બને એવી અપેક્ષા રાખતાં હતાં. આથી તેઓ વીર રસનાં હાલરડાં ગાતાં અને ઇતિહસ તથા પુરાણોની કથાઓ સંભળાવતાં. એમણે જ શિવાજીને હિન્દુ રાજ્યનું સ્વપ્ન આપ્યું અને તેને સાકાર કરવા માટે યોગ્ય શિક્ષણ અને દીક્ષા પણ આપ્યાં. શિવાજીની નિર્વિકાર મનોભૂમિમાં વાવવામાં આવેલાં બીજ જીવનભર ફૂલતાં ફાલતાં રહ્યાં.
આધુનિક યુગમાં નારીની ભૂમિકાના કેટલાક દાખલા :
આધુનિક યુગમાં પણ ભારતીય નારીએ સેંકડો વિભૂતિઓ આપીને દેશ અને સમાજનું મસ્તક ઉન્નત રાખ્યું છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક પંડિત મદનમોહન માલવીયાજીને શિક્ષણનું મહત્વ સમજાયું હતું. એનું કારણ એ હતું કે તેમની માતા પોતાના કપડાં અને ઘરેણાં ગીરે મૂકીને તેમને ભણાવતાં હતાં. માલવીયાજીને ધર્મપ્રચારની પ્રેરણા પણ તેમનાં માતા પાસેથી મળી હતી.
રાજર્ષિ ટંડનના દેશપ્રેમ અને તે મુજબનું જીવન જીવવાનું શિક્ષણ આપવાનું શ્રેય પણ એમની માતાને ફાળે જાય છે. અંગ્રેજ છોકરીઓએ જ્યારે તેમને ખીજવ્યા ત્યારે એમણે એ લોકોને બરાબરનો મેથીપાક આવ્યો હતો. આ જાણીને માતાએ દસ વર્ષના ટંડનની પીઠ થાબડી હતી. માતાની પ્રેરણા અને પ્રોત્સાહનના કારણે ટંડન આજીવન નિર્ભીકતાના પૂજારી બન્યા. આધ્યાત્મિકતા તરફ વળી સંન્યાસ લેવાનો વિચાર તથા નિશ્ચય કરનાર સુભાષચંદ્ર બોઝને એમની માતાએ જ દેશભક્તિ અને સમાજસેવાની દીક્ષા આપી હતી.
ગાંધીજીનું નિર્માણ કરવામાં તેમની માતાનો ફાળો સવિશેષ હતો. બાળપણથી જ ધર્મ, પુરાણો અને ઉપનિષદોની કથાઓ સંભળાવીને એમણે પોતાના લાડકવાયા મોહનની ધાર્મિક આસ્થા પરિપક્વ બનાવી દીધી હતી. પરદેશ જઇને માંસ નહીં ખાવું, મદ્યપાન અને વ્યભિચારથી દૂર રહેવું વગેરે પ્રતિજ્ઞાઓ લેવડાવીને તેમણે જ ગાંધીજીનું વ્યક્તિત્વ ઘડ્યું હતું. સ્વયં ગાંધીજીએ પણ અનેક જગ્યાએ તેઓ પોતાની માતાથી પ્રભાવિત થયા હતા એવો ઉલ્લેખ કર્યો છે.
ધર્મપરાયણ માતા રૂકિમણીબાઇએ તો દેશને એક નહીં, પણ ત્રણ ત્રણ રત્નો આપ્યાં. વિનોબા, બાલકોબા અને એક નાના ભાઈ સમાજની સેવા કરવામાં આગળ રહ્યા હતા. માતાના ધાર્મિક શિક્ષણ બચપણમાં જ વિનોબાજીના મુખે એવું કહેવડાવ્યું કે, “ હરિજન, ચમાર વગેરે નિચ નથી. ” ભગવાનને સર્વવ્યાપી માનીને એમની પૂજા કરનાર માતા રુકિમણિએ વિનોબા ભાવેને ‘ ઈશાવાસ્તમિદં સર્વમ્ ‘ ના ઉપાસક બનાવી દીધા હતા.
પ્રતિભાવો