૧. શારીરિક પુખ્તતા, લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 5, 2022 Leave a comment
આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય. એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
શારીરિક પુખ્તતા, લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
આદર્શ લગ્ન માટે એ જરૂરી છે કે કન્યા ઘરસંસારની જવાબદારી સંભાળવા જેટલી પુખ્ય હોય.
કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને વરની ૨૧ વર્ષ હોવી જોઈએ. લગ્ન માટે આથી ઓછી ઉંમર કદી ન હોવી જોઈએ. આ ન્યૂનતમ ઉંમર છે. ખરું તો એ છે કે આથી મોટી ઉંમરનાં યુવક યુવતીઓ જ ગૃહસ્થાશ્રમની જવાબદારી સંભાળવા યોગ્ય હોય છે. શરીરશાસ્ત્ર અનુસાર આવી યોગ્યતા છોકરીને ૨૧ વર્ષે અને છોકરાને ૨૫ વર્ષે પ્રાપ્ત થતી હોય છે.
ઉમરલાયક યુવક યુવતીઓ જ લગ્ન કરવા યોગ્ય હોય છે. નાની ઉંમરનાં કિશોર કિશોરીઓ લગ્નના બંધનમાં બંધાઈને પોતાનો શારીરિક અને માનસિક વિનાશ જ નોતરે છે. આવાં લગ્નોના પરિણામે પેદા થતાં બાળકો નબળાં હોય છે અને પોતે પણ કાચી ઉંમરે ઘરસંસાર માંડવાથી શારીરિક શક્તિની દૃષ્ટિએ પણ નબળાં પડી જાય છે. એમનાં શરીર ધીમે ધીમે રોગગ્રસ્ત થઈ જાય છે અને અકાળે જ એમની જીવનલીલા સંકેલાઈ જાય છે. શારીરિક અને માનસિક પુષ્ટતા પ્રાપ્ત કરતા પહેલાં જ નાની ઉંમરમાં છોકરા છોકરીનાં લગ્ન કરી દેવાં એ એમના ઉપર એક પ્રકારનો અત્યાચાર કરવા બરાબર છે. વિવેકશીલ માતાપિતાએ આવી ભૂલ કદી પણ કરવી જોઈએ નહિ.
સરકારી કાયદો પણ બાળલગ્નનો વિરોધી છે. બાળલગ્નને સજા યોગ્ય ગુન્હો માનવામાં આવ્યો છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરી અને ૨૧ વર્ષથી ઓછી ઉંમરના છોકરાનાં લગ્ન કરાવનાર વ્યક્તિને તેમજ તેમના વાલીઓને જેલની સજા થઈ શકે છે. કદાચ આવાં લગ્ન ભલે સરકારી કાયદામાંથી છટકી જાય, પણ પ્રકૃતિ અને ઈશ્વરનાં નિયમોમાંથી કોઈ છૂટી શકતું નથી. નાની ઉંમરનાં કિશોર કિશોરીઓ ઘર ગૃહસ્થીનો ભાર ઉઠાવશે તો તેમને બધી જ દૃષ્ટિએ નુકસાન વેઠવું પડશે એ સમજી લેવું જોઈએ. વાલીઓએ આવી ઉતાવળ કદી પણ ન કરવી જોઈએ. બાળકોને વધુમાં વધુ અભ્યાસ કરવા દેવો જોઈએ. જ્યાં સુધી એમનું ભણતર પૂરું ન થાય ત્યાં સુધી લગ્નની વાત વિચારવી જોઈએ નહીં. વિદ્યાભ્યાસમાં કદાચ તેમની ઉંમર નક્કી કરેલી લગ્નવય કરતાં વધે તો પણ ચિન્તા ન કરવી જોઈએ.
પ્રતિભાવો