AA-05 : ત્રીજો અધ્યાય – શરીરથી ઈંદ્રિયો,- મનથી સૂક્ષ્મ આત્મા, હું કોણ છું ?
June 10, 2022 Leave a comment
ત્રીજો અધ્યાય, હું કોણ છું?
ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરં મનઃ । મનસસ્તુ પરા બુદ્ધિર્યો. બુદ્ધેઃ પરતસ્તુ સઃ ॥ ગીતા ૩૪૨
– શરીર કરતાં ઇન્દ્રિયો સૂક્ષ્મ છે, ઇન્દ્રિયોથી મન સૂક્ષ્મ છે છે અને મનથી સૂક્ષ્મ આત્મા છે. આત્મા સુધી પહોંચવા માટે ક્રમશઃ પગથિયાં ચડવાં પડશે. પાછલા અધ્યાયમાં આત્માને શરીર અને ઇન્દ્રિયોથી પર અનુભવવાનું સાધન બતાવ્યું હતું. આ અધ્યાયમાં મનનું સ્વરૂપ સમજવા અને આત્માને તેનાથી અલગ સાબિત કરવાનો મારો પ્રયત્ન રહેશે. પ્રાચીન દર્શનશાસ્ત્ર મન અને બુદ્ધિને અલગ અલગ માને છે. આધુનિક દર્શનશાસ્ત્રો મનને જ સર્વોચ્ચ કક્ષાની બુદ્ધિ માને છે. આ વિવાદમાં તમારે પડવા જેવું નથી. બંનેનો મતભેદ એટલો નજીવો છે કે ઉપરછલ્લી નજરે બધું એકનું એક જ લાગે છે. બંને પ્રકારનાં શાસ્ત્રો મનને સ્થૂળ અને બુદ્ધિને સૂક્ષ્મ માને છે. સાધકોની સગવડ માટે બુદ્ધિને મનની ઉચ્ચ કોટિમાં ગણાવું છું અને આગળ તેનો અભ્યાસ કરાવું છું.
અત્યાર સુધી તમે જાણી લીધું છે કે આપણાં ભૌતિક આવરણો, વસ્ત્રો કયાં કયાં છે. હવે આ પાઠમાં એ બતાવવાનો પ્રયત્ન કરું છું કે અસલી અહં ‘હું’થી કેટલો જુદો છે. આ સૂક્ષ્મ પરીક્ષા છે. ભૌતિક આવરણોનો અનુભવ જેટલી સહેલાઈથી કરી શકાય છે એટલી સહેલાઈથી સૂક્ષ્મ શરીરમાંથી આપણા વાસ્તવિક અહંને છૂટો પાડવો મુશ્કેલ છે. આના માટે થોડી વધુ યોગ્યતા અને ઉચ્ચ કક્ષાની ચેતના જોઈએ. ભૌતિક પદાર્થોથી જુદા થવાનો અનુભવ થયા બાદ પણ ‘અહં’ સાથે લપેટાઈ ગયેલું સૂક્ષ્મ શરીર ગૂંચવાડા ઊભા કરે છે. કેટલાક લોકો મનને આત્મા માને છે. આગળ ઉપર હું મનની વ્યાખ્યા તો નહીં કરું, પણ એવો ઉપાય બતાવીશ કે જેનાથી સ્થૂળ શરીર અને ‘હું’ના ટુકડે ટુકડા કરી શકો અને તેમાંથી ‘અહં’ કોને કહેવાય તે શોધી શકો. તેમાં અલગ અલગ વસ્તુઓ કઈ કઈ છે એ તમે મન દ્વારા સમજી શકશો. તમે આના માટે મનને મજબૂર કરી શકો છો કે તે તમારા આ પ્રશ્નોના સાચા જવાબ આપે.
શરીર અને આત્મા વચ્ચેની ચેતના મન છે. સાધકોની સગવડ માટે હું મનને ત્રણ વિભાગમાં વહેંચું છું પ્રવૃત્ત મન, પ્રબુદ્ધ મન અને સર્વોચ્ચ મન.
પ્રવૃત્ત મન પશુ, પક્ષી વગેરે અવિકસિત જીવો અને માનવીમાં સમાનરૂપે કામ કરતું જોવા મળે છે. આને ગુપ્ત અથવા સુષુપ્ત મન પણ કહે છે. શરીરનું સ્વાભાવિક જીવન ચલાવ્યે રાખવું એ એનું કામ છે. આપણી જાણકારી વિના પણ શરીરનું કાર્ય આપોઆપ ચાલ્યા કરે છે. ભોજનની પાચનક્રિયા ચાલ્યા કરે છે, લોહીનું પરિભ્રમણ થયા કરે છે; લોહી, માંસ, ચરબી, હાડકાં, વીર્ય વગેરે બન્યા કરે છે; મળત્યાગ, શ્વાસ, ઉચ્છ્વાસ, પાંપણો ખૂલવી, બંધ થવી વગેરે કાર્યો આપોઆપ થયા કરે છે. ટેવો પડી જવાનું કામ પણ આ મન દ્વારા જ થાય છે. આ મન કોઈ વાતને મોડી પકડે છે, પણ જેને તે પકડે છે તેને સહેલાઈથી છોડતું નથી. આપણા પૂર્વજોના અનુભવ અને આપણો પશુજીવનમાંથી ઉચ્ચ કક્ષાએ પહોંચતાં સુધીનો અનુભવ આ મનમાં જ ભેગો થાય છે. જ્યારે મનુષ્ય એક અલ્પબુદ્ધિવાળું સામાન્ય પ્રાણી હતું તે વખતે તેનામાં ઇર્ષ્યા, દ્વેષ, ઝઘડાની વૃત્તિ, સ્વાર્થ, ચિંતા વગેરે સામાન્ય વૃત્તિઓ આ મનના ખૂણામાં પડી રહેતી હતી. પાછલા અનેક જન્મોનો નીચ સ્વભાવ જેને પ્રબળ પ્રયત્નોથી દૂર કરાયો નથી તે આ મનમાં જમા છે. આ એક અદ્ભુત અજાયબ ઘર છે, જેમાં બધી જ જાતની વસ્તુઓ જમા છે. કેટલીક સારી અને અમૂલ્ય વાતો છે, તો કેટલીક સડેલી, ગંદી બાબતો પણ છે. જંગલી માનવી, પશુ અને દુષ્ટોમાં જે લોભ, હિંસા, ક્રૂરતા, આવેશ તથા અધીરાઈ હોય છે તે પણ સૂક્ષ્મ રીતે આ મનમાં જ હોય છે. એ વાત જુદી છે કે કેટલાક મનુષ્યો ઉચ્ચ મન દ્વારા આ વૃત્તિઓને અંકુશમાં રાખે છે. રજસ્ અને તમસ્ વૃત્તિઓ આ મન સાથે જ સંબંધ ધરાવે છે. ઇન્દ્રિયોના ભોગ, અભિમાન, ક્રોધ, ભૂખ, તરસ, કામેચ્છા, નિદ્રા વગેરે આ ‘પ્રવૃત્ત મન’નાં જ રૂપ છે.
‘પ્રવૃત્ત મન’થી ઊંચો મનનો બીજો વિભાગ છે, જેને ‘પ્રબુદ્ધ મન’ કહેવાય છે. આ પુસ્તક વાંચતા તમે આ ‘પ્રબુદ્ધ મન’નો જ ઉપયોગ કરી રહ્યા છો. મનના આ ભાગનું કામ વિચારવું, વિવેચન, તુલના, કલ્પના, દલીલબાજી, નિર્ણય, હાજરજવાબીપણું, બુદ્ધિમત્તા, ચતુરતા, અનુભવ, પરીક્ષણ વગેરે છે એ યાદ રાખો. જેવી રીતે ‘પ્રવૃત્ત મન’ એ અહં નથી, તેવી જ રીતે ‘પ્રબુદ્ધ મન’ પણ અહં નથી. થોડીવાર વિચાર કરીને તમે સહેલાઈથી પ્રબુદ્ધ મનને અહંથી અલગ પાડી શકો. આ નાના પુસ્તકમાં બુદ્ધિના ગુણધર્મોનું વિવેચન ન થઈ શકે. આ વિષયમાં વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા લોકો મનોવિજ્ઞાનના શ્રેષ્ઠ ગ્રંથોનું અધ્યયન કરી શકે છે.
મનનો ત્રીજો અને અતિ મહત્ત્વનો વિભાગ સર્વોચ્ચ મન છે, જેને ‘અધ્યાત્મ મન’ કહે છે. આનો વિકાસ મોટા ભાગના લોકોમાં થયો હોતો નથી. મને લાગે છે કે તમારામાં આ ‘અધ્યાત્મ મન’ થોડું થોડું વિકસી રહ્યું છે અને એટલા માટે આ પુસ્તક ઘણા રસથી વાંચી રહ્યા છો, તેમ જ તેમાં આપેલી વિગતો તથા માહિતી અંગે રસ દાખવો છો. મનના આ ભાગને આપણે ઉચ્ચતમ ભાગ માનીએ છીએ અને આધ્યાત્મિકતા, આત્મપ્રેરણા, ઈશ્વરીય સંદેશ, પ્રતિભા વગેરેના નામે ઓળખીએ છીએ. ઉચ્ચ ભાવનાઓ મનના આ ભાગમાં ઉત્પન્ન થઈ ચેતનામાં પહોંચે છે. પ્રેમ, સહાનુભૂતિ, દયા, કરુણા, ન્યાય, નિષ્ઠા, ઉદારતા, ધર્મપ્રવૃત્તિ, સત્ય, પવિત્રતા, આત્મીયતા વગે૨ે ભાવનાઓ આ મનમાંથી આવે છે. ઈશ્વરની ભક્તિ પણ અહીંથી જ ઉદ્દભવે છે. ગૂઢ તત્ત્વોનું રહસ્ય આ મન દ્વારા જ જાણી શકાય છે. આ પાઠમાં જે સ્પષ્ટ ‘અહં’ની અનુભૂતિના શિક્ષણનો પ્રયત્ન હું કરી રહ્યો છું તે આ ‘અધ્યાત્મ મન’ના ચેતનાક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે, પણ એ ભૂલો નહીં કે મનનો આ સર્વોચ્ચ ભાગ પણ એક વસ્ત્ર સમાન જ છે. ‘અધ્યાત્મ મન’ પણ અહં નથી.
તમારે એવા ભ્રમમાં ન પડવું જોઈએ કે હું કોઈ મનની નિંદા અને કોઈની સ્તુતિ કરી રહ્યો છું અને તેને ભારરૂપ કે અવરોધરૂપ સાબિત કરું છું. ખરેખર આવું નથી. બધાં આવું જ વિચારે છે કે મનની મદદથી જ તમે તમારી વાસ્તવિક સત્તા અને આત્મજ્ઞાન સુધી પહોંચ્યા છો અને આગળ પણ તેની સહાયતાથી જ તમારો માનસિક વિકાસ કરી શકશો. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મનનો દરેક ભાગ તેના સ્થાને ખૂબ જ સારો છે.
સામાન્ય લોકો હજુ સુધી મનના નીચલા ભાગોનો જ ઉપયોગ કરે છે. તેમના માનસલોકમાં હજુય એવાં અસંખ્ય ગુપ્ત તથા પ્રગટ સ્થળો છે, જેની સ્વપ્નમાં પણ કલ્પના થઈ શકતી નથી. તેથી કઠોરતાથી વર્તવાને બદલે કેટલાક તત્ત્વજ્ઞાનીઓ સાધકને આ ગુપ્તશક્તિને ક્રિયાશીલ બનાવવા માટેનો ઉપદેશ આપે છે.
તમને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે મન દ્વારા જ સમજી શકાય, ધારણા કરી શકાય અને મન દ્વારા જ સફળતા મેળવી શકાય એવું છે. એટલા માટે જ હું સીધેસાધો તમારા મન સાથે વાતો કરી રહ્યો છું કે “હે મહોદય ! તમારી ઉચ્ચ કક્ષાએથી આવતા જ્ઞાનને ગ્રહણ કરો અને તેના પ્રવેશ માટે તમારા દરવાજા ખોલી નાખો” હું મારી બુદ્ધિથી પ્રાર્થના કરું છું કે ભગવતી ! તમારું ધ્યાન એ મહાતત્ત્વ પર લગાવો અને સત્યના અનુભવો, તમારા આધ્યાત્મિક મન દ્વારા મળનારી દૈવી ચેતનાઓમાં ઓછો અવરોધ ઊભો કરો.
અભ્યાસ : સુખ અને શાંતિપૂર્વક ઉચ્ચ મનની ઉચ્ચતમ કક્ષા દ્વારા આપને મળનારા દિવ્યજ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યેના આદર સાથે બેસો.
પાછલા પાઠમાં તમને મેં સમજાવ્યું હતું કે‘હું’ શરીરથી અલગ કોઈક માનસિક વસ્તુ છે, જેમાં વિચાર, ભાવના અને વૃત્તિઓ ભરેલી છે. હવે તેનાથી આગળ વધવાનું છે અને અનુભવ કરવાનો છે કે આ વિચારવા યોગ્ય વસ્તુઓ આત્માથી અલગ છે.
વિચાર કરો કે ક્રોધ, દ્વેષ, મમતા, ઇર્ષ્યા, ધૃણા, ઉન્નતિ વગેરે અસંખ્ય ભાવનાઓ મગજમાં આવ્યા કરે છે. તેમાંથી દરેકને તમે જુદી પાડી શકો છો, તપાસી શકો છો, વિચારી શકો છો કે ખંડિત કરી શકો છો. આ ભાવનાઓના ઉદય, વેગ અને અંતને પણ સમજી શકો છો. થોડા દિવસના અભ્યાસથી પોતાના વિચારોની પરીક્ષા કરવાનો એવો અભ્યાસ મેળવી લેશો કે જાણે તમે તમારા કોઈ મિત્રની ભાવનાઓ ઉદય, વેગ અને અંતનું પરીક્ષણ કરી રહ્યા છો. આ બધી ભાવનાઓ તમારા ચિંતનકેન્દ્રમાં ભેગી મળશે. આપ તેમના સ્વરૂપનો અનુભવ કરી શકો છો અને તેમને ફંફોસીને તથા ફેરવીફેરવીને જોઈ શકો છો.અનુભવ કરો કે આ ભાવનાઓ તમે નથી. આ ફક્ત એવી વસ્તુઓ છે, જે તમે મનના થેલામાં ભરી ફર્યા કરો છો. હવે તેમનો ત્યાગ કરી આત્મસ્વરૂપની કલ્પના કરો. આવી ભાવના સરળતાથી કરી શકશો. આ માનસિક વસ્તુઓને અલગ કરી તમે તેમના પર વિચાર કરી રહ્યા છો. એનાથી એ સાબિત થાય છે કે તે વસ્તુઓ તમારાથી અલગ છે. અલગ કરવાની ભાવના ધીમે ધીમે અભ્યાસથી સતત વધતી જશે અને છેવટે એક મહાન આકારમાં પ્રગટ થશે.
એવું ના વિચારશો કે હું આ શિક્ષણ દ્વારા એ બતાવી રહ્યો છું કે ભાવનાઓનો કેવી રીતે ત્યાગ કરવો. જો તમે આ શિક્ષણની મદદથી દુષ્પ્રવૃત્તિઓને ત્યાગવાની ક્ષમતા મેળવી શકો તો ઘણા આનંદની વાત છે, પણ મારું એવું મંતવ્ય નથી. હું તો અત્યારે એ સલાહ આપવા માગું છું કે તમારી સારીનરસી બધી વૃત્તિઓને જેમની તેમ રહેવા દો અને એવો અનુભવ કરો કે ‘અહં’ આ બધાંથી અલગ અને સ્વતંત્ર છે. જ્યારે તમે ‘અહં’ ના મહાન સ્વરૂપનો અનુભવ કરી લો ત્યારે પાછા વળો અને જે વૃત્તિઓ અત્યાર સુધી તમને ગુલામીમાં જકડી રાખતી હતી તે હવે જાતે તમારી ગુલામ બની રહી છે. તમે તેના માલિક બની યોગ્ય ઉપયોગ કરો. પોતાની વૃત્તિઓને ‘અહં’થી અલગ પાડવાના અનુભવમાં તમે ગબડી પડો તો પણ ગભરાશો નહીં. અભ્યાસ પૂરો કર્યા બાદ ફરી પાછા આવશો ત્યારે તેમાંથી સારી વૃત્તિઓને ઇચ્છાનુસાર ઉપયોગમાં લઈ શકશો. અમુક વૃત્તિએ મને ખાસ બાંધી રાખ્યો છે, હું તેનાથી કઈ રીતે છૂટી શકું ? આવી ચિંતા ન કરશો. આ વસ્તુઓ બહારની છે. તેના બંધનમાં બંધાતા પહેલાં ‘અહં’ હતો અને પછી પણ ‘અહં’ છે. જો પોતાને અલગ કરી તમે તેમનું પરીક્ષણ કરી શકતા હો, તો તેમને એક જ ઝાટકે અલગ પાડી ફેંકી ન શકો ? ધ્યાનમાં લેવા જેવી એ વાત છે કે તમે એ વાતોનો અનુભવ અને વિશ્વાસ કરી રહ્યા છો કે ‘હું’ બુદ્ધિ અને આ શક્તિઓનો ઉપભોગ કરી રહ્યો છું. આ શક્તિઓને વસ્ત્ર કે ઓજાર માનું છું. મનનો સ્વામી ‘અહં’ છે.
ઉચ્ચ આધ્યાત્મિક મનમાંથી આવેલી પ્રેરણા પણ આ રીતે અભ્યાસ કરી શકાય છે. તે માટે તેને પણ અહંથી અલગ માનવી પડશે. તમે શંકા કરશો કે ઉચ્ચ આધ્યાત્મિક પ્રેરણાનો ઉપયોગ આ રીતે ન કરી શકાય, તેથી શક્ય છે કે તે પ્રેરણા ‘અહં’ કઈ રીતે હોઈ શકે ? હાલ હું આ વિષયમાં કોઈ ચર્ચા કરવા માગતો નથી, કારણ કે તમે આધ્યાત્મિક મનની થોડીક જાણકા૨ીને બાદ કરતાં હજુ તે સંબંધે કંઈ જ જાણતા નથી. સાધારણ મનની સરખામણીમાં આ મન ઈશ્વરીય ભૂમિકા સમાન છે. જે તત્ત્વદર્શીઓએ અહં જ્યોતિનો સાક્ષાત્કાર કર્યો છે અને જેઓ પ્રગતિની ઊંચામાં ઊંચી હદ સુધી પહોંચી ગયા છે એવા યોગીઓ કહે છે “અહં આધ્યાત્મિક મનથી ઉપર રહે છે અને અહં પોતાની જ્યોતિથી આધ્યાત્મિક મનને પ્રકાશિત કરે છે.” જેવી રીતે પાણીમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ સૂર્ય જેવું જ દેખાય છે, પણ સિદ્ધ સાધકોનો એવો અનુભવ છે કે તે માત્ર ઝાંખી છબી છે. ચમકતું આધ્યાત્મિક મન જો પ્રતિબિંબ હોય તો ‘અહં’ અખંડ જ્યોતિ છે, જે આ ઊંચા મનમાં ઉત્પન્ન થતો આત્મિક પ્રકાશ મેળવે છે અને તેથી જ તે પ્રકાશમાન લાગે છે. આવી અવસ્થામાં તેને ‘અહં’ માની લેવાની ભૂલ થઈ જાય છે. હકીકતમાં તે ‘અહં’ શાશ્વત પ્રકાશમાન એક પ્રકાશમણિ છે,જે કપડાના ટુકડાથી લપેટાયેલો હોઈ પોતાનો પ્રકાશ બહાર ફેલાવી શકતો નથી. આ કપડાં જેમ જેમ દૂર થાય છે તેમ તેમ પ્રકાશ વધારે સ્પષ્ટ થતો દેખાય છે, છતાં પણ કપડાં દૂર થાય કે તે ઢંકાયેલો રહે તેનાથી મણિના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી.
આ ચેતનામાં લઈ જવાનો એટલો જ હેતુ છે કે ‘અહં’ની સર્વોચ્ચ ભાવનામાં જાગી તમે એક ઉન્નત આત્મા બની જાવ અને તમારાં આ વસ્ત્રોનો સાચો ઉપયોગ કરવા લાગો. જે જૂનાં, બિનજરૂરી, ફાટી ગયેલાં વસ્ત્રો છે તેમને ઉતારીને ફેંકી શકો અને નવીન તેમ જ અદ્ભુત ઓજારો લઈ તે વડે તમારી સામેનાં કાર્યોને સરળતાથી તથા ઉમંગથી પૂરાં કરી શકો, પોતાને સફળ અને વિજેતા બનાવી શકો.
એટલો અભ્યાસ અને અનુભવ કરી લીધા બાદ તમે પૂછશો કે હવે શું બાકી રહ્યું, જેને અહંથી જુદું ગણીએ. એના જવાબમાં એટલું જ કહેવાનું છે : વિશુદ્ધ આત્મા. એની સાબિતી એ છે કે પોતાના ‘અહં’ને શરીર, મન વગેરે પોતાની વસ્તુઓથી અલગ કરવા પ્રયત્ન કરો. નાની ચીજોથી માંડી તેનાથી સૂક્ષ્મ, સૂક્ષ્મથીય સૂક્ષ્મ, તેનાથી અલગ વસ્તુઓ છોડતાં છોડતાં વિશુદ્ધ આત્મા સુધી પહોંચી શકશો. શું હજુય તેનાથી પણ અલગ કંઈક છે ? કશું જ નહીં. વિચાર કરનાર, પરીક્ષા લેનાર અને પરીક્ષાની વસ્તુઓ એક જ ન હોઈ શકે. સૂર્ય પોતાનાં કિરણો પોતાની ઉપર જ ચમકાવી શકે ખરો ? તમે વિચારવાની કે પરીક્ષાની વસ્તુ નથી, છતાં તમારી ચેતના કહે છે : ‘હું છું’- આ જ આત્માના અસ્તિત્વનો પુરાવો છે. પોતાની કલ્પનાશક્તિ, સ્વતંત્રતા શક્તિનો ઉપયોગ કરી આ ‘અહં’ને અલગ પાડવાનો પ્રયત્ન કરો, છતાંય હારી જશો અને તેનાથી આગળ નહીં જઈ શકો. પોતાને તમે મૃત્યુ પામેલા નહીં માની શકો. આ વિશુદ્ધ આત્મા અવિનાશી, અવિકારી, ઈશ્વરીય સમુદ્રનું બિંદુ તથા પરમાત્માનું કિરણ છે.
હે સાધક ! તારા આત્માનો અનુભવ મેળવવામાં સફળ થા અને સમજ કે તું સૂતેલો દેવતા છે. પોતાની અંદર કુદરતની એક મહાન સત્તા છુપાયેલી છે, જે હાથ જોડીને તારી આજ્ઞાની રાહ જોઈ રહી છે. આ સ્થાન સુધી પહોંચતા થોડો સમય લાગશે. પ્રથમ પગથિયું ચડતાં પણ થોડી વાર લાગશે, પણ આધ્યાત્મિક વિકાસની ચેતનામાં પ્રવેશ કરતાં જ આંખો ખૂલી જશે. આગળનું એક એક ડગ સ્પષ્ટ થશે અને પ્રકાશ પ્રગટ થતો જશે. આ પુસ્તકના આગલા અધ્યાયમાં હું બતાવીશ કે વિશુદ્ધ આત્મા પણ સ્વતંત્ર નથી. તે પરમાત્માનો એક અંશ છે અને પરમાત્મામાં કઈ રીતે ઓતપ્રોત થઈ રહ્યો છે. આ જ્ઞાન મેળવતા પહેલાં તારે તારી અંદર ‘અહં’ની ચેતના જગાડવી પડશે. મારા આ શિક્ષણને માત્ર શબ્દો સમજી તેની ઉપેક્ષા ન કરીશ. એક મામૂલી વ્યાખ્યા સમજી તેનો અનાદર કે તિરસ્કાર ન કરીશ. આ એક ખૂબ જ સાચી વાત બતાવી રહ્યો છું. તારો આત્મા આ લીટીઓ વાંચતાં આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિના માર્ગ તરફ આગળ વધવા ઉતાવળો થઈ રહ્યો છે તેને યોગ્ય માર્ગદર્શન આપ અને આગળ કદમ ઉઠાવ.
અત્યાર સુધી બતાવેલી માનસિક કસરતોનો અભ્યાસ કરી લીધા પછી ‘અહં’થી અલગ પદાર્થોનો તને ખ્યાલ આવી જશે. આ સત્યને પ્રાપ્ત કર્યા બાદ પોતાને તું મન અને વૃત્તિઓનો માલિક માનવા લાગીશ. ત્યારે આ બધી ચીજોને પૂરી શક્તિ અને પ્રભાવ સાથે કામમાં લગાડવાનું સામર્થ્ય મેળવીશ.
આ મહાન તત્ત્વની વ્યાખ્યામાં મારા આ વિચારો અને શબ્દો ઊણા ઊતરેલા લાગશે; સસ્તા, શિથિલ અને નિમ્ન સ્તરના લાગશે, કારણ કે આ વિષયનું વિવેચન થઈ શકે એવું નથી. વાણીની ગતિ ત્યાં સુધી પહોંચતી નથી. ગોળની મીઠાશ જીભના શબ્દોથી કઈ રીતે સમજાવાય? મારો પ્રયત્ન માત્ર એટલો છે કે તું ધ્યાન અને રસ જગાડી આ માનસિક કસરતોમાં લાગી જા, તેનો અભ્યાસ કરવા માંડ. આવું કરવાથી મન વાસ્તવિકતાનું પ્રમાણ મેળવતું જશે અને આત્મસ્વરૂપમાં દૃઢ થતું જશે. જ્યાં સુધી જાતે અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાન એ જ્ઞાન નથી. એકવાર સત્યનું દર્શન થશે, તો પછી તે દૃષ્ટિ બહાર જશે નહીં અને તને ખોટી દલીલો કરવાનું મન પણ નહીં થાય.
હવે તારે પોતાને ગુલામ નહીં, પણ માલિક માનવો પડશે. તું રાજા છે અને મન તારો નોકર છે. મન દ્વારા જે અત્યાચારો અત્યાર સુધી તારા પર થયા છે તે બધાને એક ઝાટકે ફેંકી દે અને પોતાને તેનાથી મુક્ત થયેલો માન. તને આજે રાજ્યસિંહાસન સોંપવામાં આવી રહ્યું છે. દૃઢતાપૂર્વક આજ્ઞા આપ કે સ્વભાવ, વિચાર, સંકલ્પ, બુદ્ધિ, કામનાઓ બધા કર્મચારીઓ તારા શાસનનો સ્વીકાર કરે અને નવા મૈત્રીકરાર પર સહી સિક્કા કરે કે અમે બધાં વફાદાર નોકરોની જેમ અમારા રાજાની આજ્ઞા માનીશું અને રાજ્યના બંદોબસ્તને સર્વોચ્ચ અને સુંદર બનાવવામાં સહેજ પણ પાછી પાની નહીં કરીએ.
લોકો સમજે છે કે અમને અમારા મને એવી સ્થિતિમાં નાખી દીધા છે કે અમારી વૃત્તિઓ અમને ખરાબ રીતે ઉકરડામાં, કાંટા તથા ઝાંખરાંમાં ઢસડી જાય છે અને જાતજાતની વેદના આપી દુ:ખી બનાવે છે. સાધક આ દુઃખોથી છુટકારો મેળવશે, કારણ કે તે આ બધાથી પરિચિત છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની યોગ્યતા તેણે મેળવી લીધી છે. કોઈ મોટી મિલ હોય, જેમાં સેંકડો હોર્સપાવરવાળું એંજિન અને તેમના વડે ચાલતાં સેંકડો વિરાટકાય મશીનો અને અસંખ્ય નાનામોટા ભાગો કોઈ પણ અજાણ્યાને ડરાવી શકે છે. અજાણ્યો માનવી આવી જગ્યાએ જતાં જ ગભરાઈ જશે કે ક્યાંક કોઈ મશીનમાં હાથપગ પેસી ગયા તો નાહકના ઉપાધિમાં મુકાઈ જઈશું, પણ પેલો એંજિનિયર જે બધી યંત્રસામગ્રીને સંપૂર્ણપણે જાણે છે, એંજિન ચલાવવાના તથા તેને નિયંત્રણમાં લેવાના બધા સિદ્ધાંત સમજે છે તે કારખાનામાં પ્રવેશતાં સહેજ પણ ગભરાતો નથી અને રૂઆબ સાથે આ રાક્ષસ જેવાં લાગતાં મશીનો પર હાથીના મહાવત જેવી કે સાપ પર મદારીની જેમ હકૂમત જમાવશે. આટલા મોટા કારખાનાની જવાબદારી લેતાં એને ડર નહીં, પણ ગૌરવ થશે. તે પ્રસન્નતાપૂર્વક સાંજે મિલમાલિકને હિસાબ આપશે કે થોડા સમયમાં જ શ્રેષ્ઠ કક્ષાનો માલ કેટલો તૈયાર કરી દીધો છે. તેની ગજ ગજ ફૂલેલી છાતી પરથી જાણે સફળતાનો ગર્વ ટપકી રહ્યો હોય એવું લાગે છે. જેણે પોતાના ‘અહં’ અને વૃત્તિઓને સંપૂર્ણપણે જાણી લીધાં છે તે આવો જ બાહોશ એંજિનિયર છે. વધારે દિવસોનો અભ્યાસ અદ્ભુત શક્તિ આપે છે. જાગૃત મન જ નહીં, પરંતુ તે સમયે પ્રવૃત્ત મન તથા ગુપ્ત મન પણ અભ્યાસી થઈ ગયું હોય છે અને તે જે આજ્ઞા મેળવે છે તે મુજબ અજાણતાં પણ ચૂપચાપ વર્તા કરે છે. ગુપ્ત મન જ્યારે આ બધાં કાર્યો પૂરાં કરી સામે મૂકે છે ત્યારે નવો સાધક ચોંકી ઊઠે છે કે આ અદશ્ય સહાયતાથી બન્યું છે, આ દૈવી ચમત્કારથી જ બન્યું છે, પણ યોગીઓ
જાણે છે કે આ તમારી અપરિચિત યોગ્યતા છે. એનાથી અનેકગણી પ્રતિભા હજુ તમારામાં સુષુપ્ત પડેલી છે.
સંતોષ અને ધૈર્ય રાખો ! કામ મુશ્કેલ તો છે જ, પણ તેના પછી જે સફળતા મળશે તેનો લાભ ઘણો વધારે છે. જો તમે તમારું, પદ, સત્તા, મહત્ત્વ, ગૌરવ, શક્તિની ચેતના વગેરે વર્ષોના કઠોર અભ્યાસ તથા મનનથી મેળવી શકો તો પણ તમારે તે મેળવવાં જ જોઈએ. જો તમે આ વિચારોમાં મારી સાથે સંમત હો તો ફક્ત આ પુસ્તક વાંચીને જ સંતોષ ન માનશો. અધ્યયન કરો, મનન કરો, આશા રાખો, સાહસ કરો અને ગંભીરતાથી આ સાધનાપથ પર ચાલવા માંડો.
આ પાઠના મુખ્ય મુદ્દા
– ‘હું’ સત્તા છું, મન મારે પ્રગટ થવાનું વસ્ત્ર છે. –
· ‘હું’ મનથી અલગ છું, તેનો આશ્રિત નથી. –
– ‘હું’ મનનો ગુલામ નહીં, માલિક છું.
‘હું’ બુદ્ધિ, સ્વભાવ, ઇચ્છા અને અન્ય માનસિક સાધનોને મારી ઇચ્છાથી ત્યાગી શકું છું. તેના પછી જે કંઈ રહે છે તે‘હું’છું.
– ‘હું’ અજરઅમર, અવિકારી અને એકરસ છું. – ‘હું’ છું…….
પ્રતિભાવો