૧૭. રૂપસુંદરી અને સુગૃહિણી : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
June 20, 2022 Leave a comment
લગ્નના આદર્શો અને સિદ્ધાંતો : આદર્શ લગ્ન માટે એ આવશ્યક છે કે એનો નિર્ણય આદર્શવાદી સિદ્ધાન્તોના આધાર પર જ થાય.
એવું ન બને કે એક તરફ સુધારાવાદી અને સુધરેલી લગ્નપદ્ધતિથી લગ્ન થાય અને વર કન્યાના સંબંધનો નિર્ણય ખામીભર્યા દૃષ્ટિકોણવાળો હોય. રીતરિવાજ અને પદ્ધતિઓનું એટલું મહત્ત્વ નથી કે જેટલું એના મૂળ આધારનું છે. એટલા માટે જ આ સંબંધમાં આપણે આપણી માન્યતાઓમાં ફેરફાર કરવો જોઈએ અને યોગ્યતાને અનુલક્ષીને લગ્નો નક્કી કરવાં જોઈએ.
રૂપસુંદરી અને સુગૃહિણી : લગ્નના આદર્શો અને સિદ્ધાંતો
પ્રાચીન સમયમાં છોકરીઓનાં કુળ તથા શીલ જોવામાં આવતાં હતાં. પુરોહિત જઈને છોકરા-છોકરીની બાબતે પૂરેપૂરી માહિતી મેળવી લેતા. પાત્ર સંતોષજનક અને સુયોગ્ય લાગે તો લગ્ન કરી દેવામાં આવતાં. આવાં લગ્નો બધી રીતે સફળ પણ થતાં. વરવધૂ પોતાના સાથી સાથે વિશુદ્ધ ધર્મકર્તવ્ય સમજી ખૂબ આનંદપૂર્વક જીવન નિભાવતાં. ત્યારે રૂપની નહિ પણ પોતાના સાથીને નિભાવવાની, ધર્મકર્તવ્યનું પાલન કરવાની દૃષ્ટિ હતી. હવે આ દૃષ્ટિ બદલાઈ છે. આ યુગમાં હવે વાસનાત્મક તથા કામુક દૃષ્ટિકોણ અપનાવાઈ રહ્યો છે તેથી રૂપવતી રમણીની આકાંક્ષા જાગી છે. હરકોઈ યુવકને પરીની લગન લાગી છે. આ બદલાયેલા દૃષ્ટિકોણોનો અનુભવ છોકરીઓ પણ કરવા લાગી છે અને એટલે જ તો વધુ રૂપાળી દેખાવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. રૂપ બદલી શકાતું નથી. જે ઈશ્વરે આપ્યું છે એવું જ રહે છે. કુરૂપતાને સુંદરતામાં કેવી રીતે બદલી શકાય એનો ઉપાય એક જ છે અને તે છે કેશગુંફ્ન. સમયની માંગને અનુરૂપ બનવા માટે એના સિવાય એ બિચારી કરે પણ શું ?
આપણે ઉચિત પરિવર્તનને જ સમર્થન આપવું જોઈએ. નવી પેઢીના છોકરાઓનું પરિવર્તન પ્રત્યેક દષ્ટિએ ખતરનાક છે. એ એમની દૂષિત દૃષ્ટિનું પરિણામ છે. વિદ્યાવતી, ગુણવતી અને શાલીન છોકરી ખોળવાની વાત તો જાણે બરાબર છે, પણ રૂપવતી ખોળવી અને લગ્નના બાહ્ય દેખાવ ઉપરથી જ પસંદગી કરવી એ એવો દષ્ટિકોણ છે, જેના કારણે એમનું લગ્ન અસફળ પણ થઈ શકે છે. ધનને ચંચળ કહેવામાં આવ્યું છે, પણ રૂપ એનાથી પણ વધુ ચંચળ છે. ગૃહસ્થી અને કામધંધામાં અટવાયેલી બે ત્રણ બાળકોની માતા ત્રીસમા વર્ષે પહોંચતા પહોંચતા તો રૂપયૌવન ખોઈ બેસે છે અને ત્યારે પતિ એની ઉપેક્ષા કરે છે અને બીજી નવી શોધ શરૂ કરે છે. ભોગવાદી દષ્ટિકોણ અપનાવીને આપણે જીવનની, સમાજની પ્રત્યેક સમસ્યાને વધું ગુંચવીશું. લગ્ન જેવા પવિત્ર આદર્શને પણ આ કાદવમાં ધકેલી દઈશું તો કેવળ ઈશ્વર જ આપણને બચાવી શકશે. યુરોપમાં શિક્ષણનો વધુ વ્યાપ, નારીની સ્વતંત્રતા અને બધાને રોજગાર મળી રહે તેવી સુવિધાના કારણે પતિની આંખોમાંથી ઊતરી ગયેલી ઉપેક્ષિત નારી પોતાના પગ ઉપર તો ક્યારેક ઊભી રહી શકશે, પણ ભારતમાં હજી એવી સુવિધા નથી. રૂપ કૃષિત પતિની આંખોમાંથી ઊતરી ગયેલ પત્ની શું કરશે ? અહીં આ જટિલ શું પ્રશ્ન છે.
પ્રતિભાવો