ધનના મોહથી બચો | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા

ધનના મોહથી બચો

ધન કોઈ ખરાબ ચીજ નથી. વળી અત્યારના સમયમાં તો આ દુનિયામાં ધન વગર જીવન વ્યતીત કરવું અસંભવ છે. ધન ત્યાં સુધી જ શુભ અને કલ્યાણકારી છે, જ્યાં સુધી તેને ઈમાનદારીપૂર્વક કમાવામાં આવ્યું હોય અને કમાયા પછી તેનો સદુપયોગ કરવામાં આવતો હોય. આનાથી ઊલટું આપણે કોઈ પણ રીતે ધન ભેગું કરીને તિજોરીમાં બંધ કરી દેવાનું જ આપણું ધ્યેય બનાવી દઈએ છીએ અને ગમે તેમ ઉપયોગ કરી શકીએ છીએ. વળી એ ધનનો ઉપયોગ જો આપણે દુર્વ્યસનોની પૂર્તિ માટે કરીએ છીએ, ત્યારે તો તે આપણા માટે અભિશાપરૂપ જ બની જાય છે. આવી વ્યક્તિ પોતાનું પતન તો નોતરે જ છે, પણ સાથેસાથે બીજા લોકોને પોતાના હકથી વંચિત રાખી તેમની દુર્દશાનું કારણ પણ બને છે. આજે તો ચારે બાજુ એક જ પરિસ્થિતિ જોવા મળી રહે છે કે, જેમનામાં થોડી પણ ચતુરાઈ અને શક્તિ છે તેઓ એવી કોશિશ કરે છે કે હું સંસારની વધુમાં વધુ સામગ્રી એકઠી કરી મારા કબજા હેઠળ રાખું. પોતાની આ વાસના તૃષ્ણાને પૂરી કરવા તે પોતાના પાડોશીના અધિકારો પર તરાપ મારી તેના મુખનો કોળિયો છીનવી લઈ પોતે માલદાર બની જાય છે.

એક આદમીના ધનવાન બનવાનો અર્થ છે અનેકોનું રુદન, અનેકોનું શોષણ, અનેકોનું અપહરણ. જો કે એક મોટું અને ઊંચું મકાન બનાવવું હોય તો, તેના માટે વધારે પૂરણ કરવું પડે. વધારે પૂરણ કરવા માટે આજુબાજુથી રેતી લાવવી પડે. જયાંથી રેતી લાવીએ ત્યાં ખાડો પડવાનો છે જ. આમ એક બાજુ ટેકરો કરવામાં બીજી બાજુ ખાડો પડવાનો જ. આ જગતમાં જેટલાં પ્રાણીઓ છે, પરમાત્મા તેમના પ્રમાણમાં વસ્તુઓ પણ ઉત્પન્ન કરે છે. જો એક વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓ ભેગી કરી લે તો એનો અર્થ એ જ થયો કે બીજાઓની જરૂરી વસ્તુઓનું અપહરણ થયું. બીજા વિશ્વયુદ્ધ વખતે સરકારોએ અને પૂંજીપતિઓ એ અનાજનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરી દીધો, પરિણામ એ આવ્યું કે બીજી જગ્યાએ અનાજની અછત ઊભી થઈ ગઈ, એટલું જ નહિ બંગાળ જેવા પ્રદેશોમાં તો લાખો લોકો અનાજના અભાવે ભૂખથી મરી ગયા. ગઈ શતાબ્દીમાં બ્રિટનની ધન સંપન્નતા ભારતના શોષણને આભારી હતી. જે દેશોનું શોષણ થયું હતું, તેઓ બિચારાં દીનહીન હાલતમાં ગરીબી, બેકારી, ભૂખમરો તથા બીમારીથી બરબાદ થઈ રહ્યા હતા.

સંસારના તમામ લોકો સમાન રીતે સુખપૂર્વક રહી શકે તેટલી વસ્તુઓ સંસારમાં ઉપલબ્ધ છે. એક વ્યક્તિ માલદાર બને છે, તો તેના પરિણામ સ્વરૂપે અનેક વ્યક્તિઓ ગરીબ બને છે.  આ મહાન સત્યને આપણા પૂજનીય પૂર્વજો ખૂબ સારી રીતે જાણતા હતા. આથી જ તો તેઓએ માનવધર્મમાં ‘ અપરિગ્રહ’ને મહત્વનું સ્થાન આપ્યું હતું. વસ્તુઓનો સૌથી ઓછામાં ઓછો સંગ્રહ કરવો તે ભારતીય સભ્યતાનો આદર્શ સિદ્ધાંત હતો. ઋષિઓ સૌથી ઓછામાં ઓછી વસ્તુઓ પોતાની પાસે રાખતા. તેઓ તો ફક્ત લંગોટી પહેરીને ઘાસની ઝૂંપડીઓમાં રહેતા હતા. જનક જેવા રાજા તો પોતાના પરિવારના ગુજારા માટે જરૂરી અન્ન જાતે ખેતી કરીને મેળવતા હતા. પ્રજાનો પૈસો જે રાજ્ય ભંડારમાં જમા રહે તો તે ફક્ત પ્રજાનાં કાર્યોમાં જ વપરાતો હતો. વેપારી લોકો પોતાને પ્રજાના ટ્રસ્ટીઓ માનતા હતા અને જ્યારે જરૂર પડતી ત્યારે જરાય આનાકાની વિના પોતાનું ધન પ્રજાને સોંપી દેતા હતા. વીર ભામાશાહે પોતાની તમામ સંપત્તિ મહારાણા પ્રતાપને અર્પણ કરી દીધી હતી. જનતાની મિલકત જરૂર પડે જનતાને વગર આનાકાનીએ સોંપી દીધાના અસંખ્ય ઉદાહરણોથી ભારતીય ઇતિહાસ ભરેલો પડ્યો છે.

આજનો દ્રષ્ટિકોણ તદ્દન વિપરીત છે. લોકો માલદાર બનવાની ધૂનમાં આંધળા બની ગયા છે, નીતિ – અનીતિ, ઉચિત – અનુચિત, ધર્મ – અધર્મ વગેરેને નેવે મૂકીને રાતોરાત ધનપતિ બનવાના ચક્કરમાં પડ્યા છે. બસ, તેમના માથા પર એક જ ભૂત સવાર થયું છે. ધન, ધન અને ધન આ ધનના રટણમાં આજનો માનવી ભાન ભૂલી ગયો છે. પાગલ કૂતરાની જેમ ધનની શોધમાં આમતેમ આંધળી દોડ લગાવી રહ્યો છે.

પાપ સ્પર્શથી થતી બીમારી છે. જે એકબીજાને અડકવાથી ફેલાય છે. એકની ધનવાન બનવાની આંધળી દોડને જોઈ બીજા અનેકની ઇચ્છા તેવી થવા લાગે છે. અનીતિથી ધન એકત્ર કરનારા લૂંટારાઓની સંખ્યા વધવા લાગે છે. પછી તો ધન એકત્ર કરનાર લૂંટારા અને ધન લૂંટનારા લૂંટારા વચ્ચે સંઘર્ષ થાય છે. બીજી બાજુ લૂંટ નારાઓમાં પણ સ્પર્ધા થવાથી સંઘર્ષ થાય છે. આ રીતે ત્રણ મોરચે લડાઈ શરૂ થઈ જાય છે. દરેક ગામમાં, પ્રત્યેક ઘરમાં, નાત – જાતમાં સર્વત્ર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમ બને તેમ જલદી ધનવાન થવાનું, વ્યક્તિગત સંપન્નતાને મહત્વ આપવાનું પરિણામ ચોક્કસ છે તે છે ક્લેશ – ઝઘડો. આજે આપણે આપણી ચારે બાજુ આ કલહને તાંડવ નૃત્ય કરતો જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી સમગ્ર મનુષ્ય જાતિ બદલાશે નહિ, ત્યાં સુધી આ પરિસ્થિતિનો અંત નહિ આવે. એક કોયડો નહિ ઉકેલાશે ત્યાં તો બીજા અનેક કોયડા પેદા થઈ જશે. એક સંઘર્ષ શાંત નહિ થયો હોય, ત્યાં તો બીજો સંઘર્ષ પેદા થઈ જશે. ન તો ધનને લૂંટનારો સુખની નીંદર લઈ શકશે કે ન ધન લૂંટનાર ચેનથી બેસી શકશે. એક ધનવાન બનનાર અનેકોના મનમાં ઈર્ષાની, અદેખાઈની, જલનની આગ લગાડે છે. આ સત્ય સૂર્ય સમાન પ્રકાશિત છે કે, એકનું ધનવાન બનવું તે અનેકોને ગરીબ બનાવે છે. આ દૂષણને રોકવા માટે આપણા પૂર્વજો એ અપરિગ્રહનું સ્વેચ્છા સ્વીકૃત શાસન સ્થાપ્યું હતું. આજે તો દુનિયા રાજ્ય સત્તા દ્વારા સમાજવાદી શાસનની સ્થાપના કરવા જઈ રહી છે.

વસ્તુતઃ જીવન જીવવા માટે એક ચોક્કસ માત્રામાં ધનની જરૂરિયાત છે જ. જો લૂંટ અને સંગ્રહ બંધ કરી દેવામાં આવે તો મનુષ્ય ખૂબ જ ઓછા પ્રયત્ને પોતાની જરૂરી વસ્તુઓ કમાઈ શકે છે. બાકીના સમયમાં વિવિધ પ્રકારની પ્રગતિકારક સાધના કરી શકે છે. આત્મા માનવ શરીરને ધારણ કરવા માટે જે લોભથી તૈયાર થાય છે, એ રસનો અનુભવ કરવા પ્રયત્ન કરે છે, પણ તે ત્યારે જ શક્ય છે કે જ્યારે તે પહેરેલો ધનસંગ્રહનો બુરખો ઉતારી નાખે અને એ બુરખાની સાથે પેદા થયેલા તમામ ઉપદ્રવોનો અંત લાવે.

પરમાત્મા સમદર્શી છે. તે બધાંને સરખી સગવડો આપે છે. આથી આપણે ભૌતિક પદાર્થોનો એટલો જ સંગ્રહ કરવો જોઈએ જેટલું નીતિપૂર્વક કમાવામાં આવે અને ખરેખરની જરૂરિયાતો માટે પૂરતું હોય. આનાથી વધારે સામગ્રી એકત્ર કરવાનો મોહ રાખવો જોઈએ નહિ, કારણ કે તૃષ્ણા ઈશ્વરીય ઇચ્છાથી વિપરીત તેમજ કલહ ઉત્પન્ન કરનારી છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment