૮. આ સદ્ગુણો ને પ્રાપ્ત કરો, ઊંચા ઉઠો, શ્રમથી જ જીવન નિખરે છે
July 3, 2022 Leave a comment
આ સદ્ગુણો ને પ્રાપ્ત કરો, ઊંચા ઉઠો, શ્રમથી જ જીવન નિખરે છે
જે વસ્તુઓ પાસેથી જેટલું વધારે કામ લેવામાં આવે છે એ વસ્તુઓ એટલી જ ચમકદાર બની જાય છે. બેકાર પડેલી વસ્તુઓને કાટ લાગી જાય છે. જે મશીન કામમાં લેવાતાં રહે છે એ જલદી ખરાબ થતાં નથી. બેકાર પડેલું મશીન થોડા સમયમાં જ નકામું બની જાય છે. એના બાહ્ય આકારથી લઈને આંતરિક સૂક્ષ્મ ભાગે પણ ખરાબ અને અનુપયોગી થઈ જાય છે. માનવશરીર તો અન્ય મશીનોથી ઘણું જ મહત્વપૂર્ણ, ચેતન અને જડની સમતુલિત રચનાનો સર્વોપરી નમૂનો છે. ઉધોગના અભાવમાં, બેકારીમાં શારીરિક અને માનસિક સ્થિતિ વિકૃત થઈ જાય છે. મનુષ્યને માનસિક અને શારીરિક રોગોના શિકાર થવું પડે છે.
ઉધમશીલ વ્યક્તિનો ચહેરો સદા ચમકતો જોવા મળે છે અને અર્મણ્ય વ્યક્તિ સદા થાકેલ, ઉદ્વિગ્ન, દુ:ખી અને ખોટી ક્લ્પનાઓમાં ફસાયેલી જોવા મળે છે. પરિશ્રમી જ સૌથી વધુ સુખી, પ્રસન્ન અને સંતોષી રહે છે. એ ભલે ભૌતિક સંપત્તિ સમૃદ્ધિમાં મોટો હોય નહીં, પરંતુ એનું આંતરિક ધન, જેનાથી માનસિક સંતોષ, હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ કરે છે, જે સંસારની સૌથી મોટી સંપત્તિ છે.
પરિશ્રમથી જ સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ઉધમી વ્યક્તિ થાકીને પોતાની પથારીમાં પ્રવેશે છે અને એને સ્વાસ્થ્યવર્ધક ઉત્તમ ઉંઘ આવે છે. પ્રાત જાગે ત્યારે એ તાજગી, પ્રફુલ્લતા, શક્તિ, પ્રસન્નતાનો અનુભવ કરે છે. આળસુ, કામ વગરના જ દુઃસ્વપ્નો, અનિદ્રામાં પડયા રહી સવારમાં પણ આળસ, ચિંતા ભારેપણું અનુભવતા ઉઠે છે.
પરિશ્રમ, કાર્ય, જીવનની સ્થિતિનું કારણ છે. અકર્મણ્યતા, આળસ મૃત્યુ તરફ અગ્રેસર થવાનો પ્રયત્ન છે. ગતિ (સ્પંદન) વગરની લાશનો જલદી નાશ કરી દેવામાં આવે છે. જ્યાં સુધી સુવું છે ત્યાં સુધી સુઓ, પણ જાગીને આળસમાં કામ વગર સમય પસાર કરવો એ પતન, મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે.
પરિશ્રમ, ઉધોગ, જીવનની પ્રાથમિક આવશ્યકતા છે. જેની પૂર્તિ કર્યા વગર અન્ય આવશ્યકતાઓને માટે કોઈ સ્થાન નથી. ભોજન વસ્ત્ર વગેરે જીવનની બધી જ આવશ્યકતાઓ માટે શ્રમ કરવો જોઇએ. શ્રમ દ્વારા જ એમની પ્રાપ્તિ કરવામાં આવે. શ્રમ વિના પોતાની આવશ્યકતાઓને પૂરી કરવી એ ચોરી છે. જેવી રીતે ચોર કોઈનું ધન, સંપત્તિ ચોરીને પોતાની જરૂરિયાતોને પૂરી કરે છે, તેવી રીતે શ્રમના અભાવમાં જીવનની સાધન સંપતિ મેળવવી એ ચોરીની સાથે જ બીજાઓનું શોષણ છે. કેમકે સાધનાનું અસ્તિત્વ શ્રમને કારણે જ છે. બીજાંઓના શ્રમથી મેળવેલી વસ્તુઓનો ઉપભોગ શ્રમનો બદલો ચૂકવ્યા વિના કરવો એ ચોરી, શોષણ તો છે જ. પોતાની દૈનિક જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે કોઈને કોઈ રુપમાં શ્રમ કરવો આવશ્યક છે.
રોટલા માટે શ્રમ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં મહાત્મા ટોલ્સ્ટોય અને એમના પહેલાંના ચિંતકોએ એક નવી પ્રેરણા માનવજાતિને આપી છે. ભારતીય જીવન વ્યવસ્થામાં તો આપણા ઋષિઓએ પહેલાં જ આનો વ્યવસ્થિત કાર્યક્રમ બનાવ્યો હતો અને એના અભ્યાસ માટે જીવનના આરંભનાં ૨૫ વર્ષોમાં બ્રહ્મચારીને ગુરુના આશ્રમમાં રહીને કઠોર શ્રમ કરવો પડતો હતો. મહારાજા જનક જેવા તત્વજ્ઞાની પણ હળ ચલાવીને જીવનનિર્વાહની વસ્તુઓ મેળવતા હતા. આધ્યાત્મિક સાધનાઓમાં લીન ઋષિમુનિઓ પણ વનનાં કંદમૂળ, ફળ અથવા ખેતરમાં વેરાયેલા પડેલા દાણાથી જીવનનિર્વાહ કરીને પોતાનો બધો જ સમય લોક-ક્લ્યાણ માટે આધ્યાત્મિક સાધનાઓમાં વિતાવતા હતા. મહર્ષિ દુર્વાસા, કણ્વ, પિપ્પલાદ જેવા આ આદર્શના પ્રતિષ્ઠાપક હતા, પરંતુ આપણે શ્રમના આ મહત્વને ભૂલી ગયા અને એને કારણે આળસ, કામ ન કરવાની વૃત્તિને કારણે આપણું પતન થયું.
શ્રમ તરફ ઉપેક્ષાની વૃત્તિ આજે આપણામાં દિવસે દિવસે વધતી જાય છે. જેથી આપણા જીવનમાં અનેક વિષમતાઓ ઊભી થઈ છે. જીવનમાં અસમતુલા પેદા થાય છે. કહેવાતા ભણેલા-ગણેલા શિક્ષિત વર્ગમાં તો આ વૃત્તિ ઝડપથી વધતી જાય છે. આવા લોકો શ્રમ કરવામાં અપમાન માને છે. શ્રમ તરફ ઉપેક્ષાના ભાવને લીધે અભાવગ્રસ્તતા, ગરીબીને પોષણ મળ્યું છે. કેમકે કોઈ પણ ક્ષેત્રમાં ઉપાર્જન, ઉત્પાદનનો આધાર ક્રમ જ છે. જે સમાજમાં શ્રમ તરફ દિલચસ્પી હોય નહીં ત્યાં ઉપાર્જન કેવી રીતે વધશે ? અને એના ફળસ્વરૂપ અભાવગ્રસ્તનાનું નિવારણ કેવી રીતે થશે ? શ્રમ ન કરવાથી શારીરિક પ્રણાલી અસંતુલિત, અસ્તવ્યસ્ત, અક્ષમ બની જાય છે અને અસ્વસ્થતાની સમસ્યા ઊભી થાય છે. શ્રમના અભાવે મનુષ્ય જીવનનાં સહજ સ્વાભાવિક સંતોષ, સુખ, માનસિક શાંતિથી વંચિત રહે છે. કેમકે શ્રમ જીવનનો ધર્મ છે, સ્વભાવ છે. શ્રમ અને જીવનનો અન્યોન્યાશ્રિત સંબંધ છે. શ્રમની સાથે જીવન છે અને જીવનની સાથે શ્રમ છે. બંનેમાંથી એકને છૂટા પાડી દેવાથી કોઇનુંય અસ્તિત્વ બાકી રહે નહીં.
કોઇ પણ ઉપલબ્ધિનો આધાર શ્રમ છે. શ્રમ વિના કોઇ પણ ક્ષેત્રમાં સ્થાયી અને પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવી અસંભવ છે. શ્રમની મહત્તાનું પ્રતિપાદન કરતાં નીતિકારે લખ્યું છે, “ઉધમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ । નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા ॥”
ઉધમ કરવાથી જ કાર્યોની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઇચ્છા કરવાથી અથવા વિચારવાથી કલ્પના કરવાથી નહીં. સૂતેલા સિંહના મોઢામાં પશુઓ જાતે જ જતાં નથી. એમાં કોઇ સંદેહ નથી કે ઉધમ કે શ્રમ કર્યા વિના બીજી વાત તો ઠીક, પેટની તૃપ્તિ કરવાનું પણ મુશ્કેલ બને છે. શ્રમથી ખાધ પદાર્થો મેળવવા પડશે, એમને રાંધવા પડે અને પછી હાથ વડે મોઢા સુધી પહોંચાડવા પડે ત્યારે ભૂખ દૂર થશે. આ રીતે કોઇ પણ કામમાં શ્રમનું મૂલ્ય ચૂકવ્યા વગર એની સફળતા પ્રાપ્ત થાય નહી. સંસારમાં જે કંઇ ઐશ્વર્ય, સંપદા, વૈભવ, ઉત્તમ પદાર્થો છે તે બધા શ્રમની જ દેન છે. શ્રમમાં એ આકર્ષણ છે કે વિભિન્ન પદાર્થો, સંપદાઓ એની પાછળ પાછળ ખેંચાતી આવે છે. શ્રમ માણસને પરમાત્મા દ્વારા આપેલી સર્વોપરી સંપત્તિ છે. જ્યાં શ્રમની પૂજા થશે ત્યાં કોઈ કમી રહે નહીં. વિનોબાના શબ્દોમાં, “પરિશ્રમ આપણો દેવતા છે, જે આપણને અમૂલ્ય વરદાનોથી સંપન્ન બનાવે છે.” પરિશ્રમ જ ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરે છે.
એમાં કોઈ સંદેહ નથી કે આપણી અભાવગ્રસ્તતા ગરીબી, દીનતાનાં ધણાં કારણો પૂર્ણ રીતે શ્રમ ન કરવાને કારણે જ છે. સામે પડેલું કામ જ્યારે શ્રમ માગે છે ત્યારે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીએ તો કામ આપણને શાપ આપે છે અને પરિણામે એના લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ. પ્રતિદિન ઊગતો સૂરજ આપાને સક્રિય જીવનનો શ્રમશીલતાનો સંદેશ આપે છે, પરંતુ આપણે આખો દિવસ ગપ્પાં મારવામાં, ખેલ-તમાશાઓમાં, આળસ અને પ્રમાદની તંદ્રામાં એ સંદેશ તરફ ધ્યાન આપતા નથી. પરિણામે એ દિવસે મળનારી સફળતા અને ઉપલબ્ધિઓથી આપણે દૂર રહેવું પડે છે. આપણે કોઈ ઉન્નતિ કરી શકતા નથી. એ તો નક્કી છે કે શ્રમ વિના કોઇ પણ ઉન્નતિ પ્રાપ્ત કરી શક્યું નથી.
પરિશ્રમ એ આ ધરતી પર માનવ જીવનનો આધાર છે. શ્રમના અભાવમાં માણસને દુઃખદ પરિસ્થિતિમાં પડવા માટે બાધ્ય બનવું પડશે. કાર્લાઇલે કહ્યું છે “શ્રમ જ જીવન છે.” કામ ન કરવાની વૃત્તિ ધરાવતી વ્યક્તિને વિભિન્ન પદાર્થોની ઉપલબ્ધિઓ અને વરદાનોથી વંચિત રહેવાનું થાય છે જેથી અભાવ, અસહાયતા, દીનતાના ઝેરી ઘૂંટડા પીવા માટે બાધ્ય થવું પડશે. આ પરિસ્થિતિમાં અપમાનિત, લાચાર, પરતંત્ર જીવન મૃત જીવનથી પણ ખરાબ છે.
પ્રકૃતિનો નિયમ છે કે જે વસ્તુ ઉપયોગમાં આવતી નથી તે જલદી નાશ પામે છે. વિભિન્ન ગૂંચવણોથી ભરેલું માનવ શરીર શ્રમ કરવા માટે મળેલું છે. લાંબા લાંબા હાથ, પગ, બુદ્ધિ અને વિભિન્ન અવયવ હંમેશાં કંઇકને કંઇક કામ માટે મળેલા છે. આ શરીયંત્રનો કોઇ ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે આ એવી રીતે વિકૃત અને નષ્ટ થવા માટે બાધ્ય બને છે જેવી રીતે બેકાર પડેલું મશીન કાટ લાગીને ખરાબ થઈ અનુપયોગી બની જાય છે. શ્રમથી શરીરયંત્ર સક્રિય રહે છે, એથી એના વિભિન્ન અવયવ સારી રીતે કામ કરે છે. એમનામાં જીવન અને સજીવ રક્ત વહેતું રહે છે. તેથી શ્રમશીલ વ્યક્તિ સદૈવ સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત રહે છે.
આજકાલ દિવસે દિવસે વધતી જતી સ્વાસ્થ્યની ફરિયાદોનું એક મોટું કારણ આપણા દૈનિક જીવનમાં કઠોર શ્રમનો અભાવ છે.
પરિશ્રમ બે પ્રકારનો હોય છે, એક શારીરિક અને બીજો માનસિક શારીરિક અને માનસિક શ્રમનું સમતુલન જાળવી રાખવું જરૂરી છે. બંનેના સમતુલનમાં જ શ્રમની પૂર્ણતા રહેલી છે. એક્લો માનસિક શ્રમ અપૂર્ણ છે તો શારીરિક શ્રમ પણ માનસિક ગના અભાવમાં અપૂર્ણ રહી જાય છે. વિચાર કરવાની અને કાર્ય કરવાની સમતુલિત શક્તિથી જ શ્રમનું પૂર્ણ સ્વરૂપ બને છે. અને એનાથી કોઈ પણ ક્ષેત્રમાં પરિપૂર્ણ સફળતા પણ મેળવી શકાય છે, પરંતુ દુઃખની વાત એ છે કે આપણા જીવનમાં દિવસે દિવસે અસંગતતા વધતી જાય છે. માનસિક શક્તિ સંપન્ન શિક્ષિત લોકો શારીરિક શ્રમ કરવા ઇચ્છતા નથી. એનાથી ભાગે છે. પરિણામે જીવનની સફળતાઓમાં તેઓ એકાંગી અને અપૂર્ણ તો રહે જ છે સાથે એમની શારીરિક સ્થિતિમાં ગરબડ થાય છે. “સ્વાસ્થ્યની ફરિયાદ” નો રોગ આ કહેવાતા શિક્ષિત, ફક્ત માનસિક શ્રમ કરનારાઓમાં વધુ ફેલાયેલો છે.
બીજી બાજુ આપણા દેશમાં જેઓ શારીરિક શ્રમ કરે છે તેમનો માનસિક વિકાસ થયો નથી. તેઓ મોટે ભાગે અભણ અને નિરક્ષર છે. તેથી પુષ્કળ પરિશ્રમ કરીને પણ આપણા દેશનો શ્રમિક દુ:ખી જીવન જીવે છે. અનાજના ઢગલા કરી દેનારો ખેડૂત અભાવગ્રસ્ત જીવન વિતાવે છે. કારણ એ છે કે માનસિક વિકાસ થયો નહીં હોવાથી શ્રમનો સાચો યોગ્ય ઉપયોગ તેઓ કરી શકતા નથી. બીજી બાજુ જ્ઞાન વિજ્ઞાનના આચાર્ય અને જ્ગદ્ગુરુ કહેવાઈને પણ શરીરશ્રમના અભાવે આપણે એ તથ્યોને વ્યાવહારિક રૂપ આપી શક્યા નથી. આજે પણ સ્થિતિ એ છે કે ઉચ્ચ શિક્ષણ મેળવીને અથવા કોઇક વિષયના સ્નાતક થઈને બહાર આવનારા સરકારી નોકરી સિવાય પોતાનું બીજું કઈ લક્ષ્ય રાખતા નથી. કૃષિ શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ કોઈ ફાર્મ કે ખેતરમાં કામ કરતા નથી. કોઈ ઓફિસમાં કર્મચારી થયા હશે અને કાગળના મહેલની રચના કરી આ હશે.
આ બાબતે પાશ્ચાત્ય દેશો પાસેથી આપણે શિખામણ મેળવવી જોઈએ, જયાં લોકો ઉચ્ચ શિક્ષણ મેળવીને પણ ખેતરોમાં કામ કરતા જોવા મળશે. ઓફિસર થઈને પણ પોતાનાં નાનાંનાનાં કામોથી લઈને મોટાં કામો તે શારીરિક હોય કે માનસિક – ઘણી ચાલાકીથી પૂરાં કરે છે.
પૂરતો શ્રમ ન કરવાથી એક આંતરિક અસંતોષ, અશાંતિ અનુભવાય છે. પરમાત્માએ માનવજીવન કંઇક કરવા માટે આપ્યું છે. જે પ્રતિક્ષણ આ ઉત્તરદાયિત્વ તરફ સજાગ રહે છે, તે પરિશ્રમના બળથી વિશ્વના વિકાસ અને નિર્માણમાં યોગદાન આપતો રહે છે. એને એક સુખદ અને આંતરિક સહજ સંતોષ પ્રાપ્ત થાય છે. તમે પ્રતિદિન તમારી સામે આવેલ કામને પૂરી દિલચસ્પી અને હોશિયારી સાથે કરો તો સૂતી વખતે તમને સુખદ સંતોષનો અનુભવ થશે. તમે શાંતિ સાથે વિશ્રામ કરી શકશો. તમને સુખદ નિદ્રા આવશે. એનાથી ઊલટું તમે એક દિવસ પણ જો કંઈ કર્યા વિના ગુમાવી દેશો તો એ દિવસે તમને ભોજન સારું નહીં લાગે કે સારી રીતે ઊંધ નહીં આવે તો શરીરની સ્વસ્થતા અનુભવાશે નહીં એક પ્રકારનો અભાવ, અસંતોષ, અશાંતિ દિલમાં ખટકતી રહેશે. જેઓ આખું જીવન આમ વ્યર્થ ખોઈ બેસે છે, કંઈ શ્રમ કરતા નથી, એમનું સંપૂર્ણ જીવન અશાંતિ, અસંતોષ, ઉદ્વિગ્નતાથી ભરાઈ જાય છે અને તેઓ જીવનની ચિર સંધ્યામાં પણ અશાંત થઈને પ્રયાણ કરે છે.
જરૂરિયાત એ છે કે આપણે જીવનમાં શ્રમને સ્થાન આપીએ. શ્રમને જીવનમંત્ર બનાવીએ. મહાત્મા ગાંધીએ “શરીર શ્રમ” ને એક વ્રત માનીને માનવજીવન માટે એને આવશ્યક ગણ્યો છે. સ્વપ્રતિ અને સમાજપ્રતિ એક અધોમુખી પ્રવૃત્તિ – કામ નહીં કરવાની વૃત્તિ, હરામખોરી, કામચોરી એ શ્રમ તરફની ઉદાસીનતા જ છે. વ્યક્તિગત અન સામાજિક સુખ-સમૃદ્ધિ વિકાસ, ઉન્નતિ, કુશળતાને માટે આપણે જીવનમાં શ્રમની પ્રતિષ્ઠા કરવી પડશે.
પ્રતિભાવો