૭૧. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૩૨/૧૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 6, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૩૨/૧૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યદિન્દ્ર યાવતસ્ત્વમેતાવદહમીશીય । સ્તોતારમિદ્દિષિષેય રદાવરસો ન પાત્વાય રાસીય II (ઋગ્વેદ ૭/૩૨/૧૮)
ભાવાર્થ : યોગ્ય રીતે કમાયેલું ધન સત્કાર્યોમાં વાપરવાથી તે સદ્ગતિ અપાવે છે. જેઓ તેને પાપકર્મોમાં વાપરે છે તેમનો નાશ થાય છે.
સંદેશ : ધનનું મહત્ત્વ સર્વત્ર છે. રાજા-રંક, અમીર-ગરીબ, ભોગી-યોગી દરેકનું કાર્ય ધનના અભાવથી અટકી જાય છે. આ ધનપ્રિય જગતમાં બધા જ લોકો ધનદેવતાની ઉપાસનામાં વ્યસ્ત છે. ધન પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો તો ક૨વા જ જોઈએ, પણ તે પ્રયત્નો એવા ન હોવા જોઈએ કે જેથી શ્રેષ્ઠ પુરુષો દ્વારા તેની નિંદા થાય અને અપયશ મળે. તે કમાણી શુદ્ધ હોવી જોઈએ.
સામાજિક વ્યવહાર નિભાવવા માટે તો ધન જરૂરી છે. એની ઉપેક્ષા કરવી અશક્ય છે. જેવી રીતે આપણા વાસ્તવિક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે શરી૨નું રક્ષણ જરૂરી છે તેવી જ રીતે ધન પણ જરૂરી છે, પરંતુ માનવજીવનનું આ અંતિમ લક્ષ્ય નથી. આજની આપણી બધી જ મુશ્કેલીઓનું મુખ્ય કારણ એ છે કે આપણે માત્ર ધનને જ સર્વસ્વ માની લીધું છે. તેના સિવાય આપણને બીજું કંઈ જ દેખાતું નથી. બાપ બડા ન ભૈયા, સબસે બડા રૂપૈયા’ આ પંક્તિ સાચી પડી રહી છે. એટલું જ નહિ, ધનને તો હવે ભગવાનથી પણ મોટું માનવામાં આવે છે. લોકો ધન કમાવામાં ભગવાનને પણ ભૂલી ગયા છે, પરંતુ જ્યારે તેમના ધન કમાવાના કાર્યમાં કોઈ અવરોધ કે નુકસાન આવે તો તેઓ ભગવાનને ગાળો દે છે. એવું લાગે છે કે જાણે માનવીનાં અનૈતિક કાર્યોમાં સહયોગ આપવાની તથા તેના ધનની રક્ષા કરવાની જવાબદારી ભગવાનની છે. ધનને જ સર્વસ્વ માનનારા લોકો માત્ર ધનવાન બનવાની કલ્પનાઓ કરે છે, પરંતુ તેમની અયોગ્ય રીતથી સમાજને કેટલું નુકસાન થાય છે તેનો જરાપણ ખ્યાલ રાખતા નથી. તેમને તો માત્ર પોતાનો સ્વાર્થ જ દેખાય છે. તેવા લોકોને કોઈપણ રીતે વધારે ને વધારે ધન કમાવું છે અને સોનાની લંકા બનાવવી છે, પછી ભલેને તેમના અનૈતિક આચરણના ફળ સ્વરૂપે તેઓ પોતે જ તેમાં સ્વાહા થઈ જાય.
‘સર્વેગુણાઃ કાંચનમાશ્રયંતિ’ – સંસારના બધા જ ગુણો સોના (ધન)માં સમાયેલા છે, પરંતુ એની સાથે જ ધન દ્વારા કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અનેક પ્રકારના દુર્ગુણો જન્મ લે છે. જ્યારે ઈમાનદારીપૂર્વક ધન કમાવામાં આવે છે ત્યારે તે પરસેવાની કમાણીમાં એક પ્રકારની સુગંધ હોય છે અને એવા ધનને સત્કાર્યોમાં ખર્ચવાથી મનુષ્ય કીર્તિવાન બને છે. મહેનત દ્વારા કમાયેલું ધન માનવી ક્યારેય ખોટે રસ્તે વેડફી નાખતો નથી, પરંતુ અનીતિથી જે ધન આવે છે તે ધનને બરબાદ કરતાં તેને જરાયે દુઃખ થતું નથી. આવા માણસમાં ‘માલે મુફત, દિલે બેરહમ’ ની ભાવના પેદા થાય છે તથા જુગાર, દારૂ વગેરે અનેક પ્રકારનાં વ્યસનો તેને પોતાની જાળમાં ફસાવી દે છે. આવા ધનનો અત્યાચાર, પાપાચાર, દુરાચાર અને ભ્રષ્ટાચારમાં દુરુપયોગ થવા લાગે છે. પાપકર્મોની એવી સાંકળ બનતી જાય છે કે માનવી પોતે જ તેમાં બંધાતો જાય છે અને પછી તેમાંથી મુક્ત થવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તમોગુણ અને રજોગુણ તેને ઘેરી લે છે અને તે આત્મકલ્યાણ કે લોકકલ્યાણ વિશે વિચારી પણ નથી શકતો.
ઈમાનદારીથી કમાયેલું ધન મનુષ્યની સાત્ત્વિક બુદ્ધિનો વિકાસ કરે છે અને તેને લોકસેવા માટે ધર્મ અનુસાર આચરણ કરવાની પ્રેરણા આપે છે.
પ્રતિભાવો