૮૯. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૧૨/૨/૨૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૧૨/૨/૨૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
વૈશ્વદેવીં વર્ચસ આરભધ્વં શુદ્ધા ભવન્તઃ શુચયઃ પાવકાઃ । અતિક્રામન્તો દુરિતા પદાનિ શતં હિમાઃ સર્વવીરા મદેમ્ ॥ (અથર્વવેદ – ૧૨/૨/૨૮)
ભાવાર્થ : આપણા વિચાર સદૈવ શુદ્ધ તથા પવિત્ર રહે. આપણે બીજાઓને પણ કુમાર્ગથી બચાવીને સન્માર્ગ તરફ લઈ જઈએ કે જેથી બધા મળીને પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે.
સંદેશ : સંસારનાં બધાં કષ્ટો દુર્બુદ્ધિ તથા દુષ્પ્રવૃત્તિઓના કા૨ણે જ પેદા થાય છે. એટલા માટે રોગનું કારણ જાણીને મૂળમાં જ ઘા કરવો જોઈએ. સમાજસેવાની સર્વોત્તમ રીત એ જ છે કે લોકોના વિચારો તથા પ્રવૃત્તિઓને નીચ સ્થિતિમાંથી બહાર કાઢી શ્રેષ્ઠતાની દિશામાં વાળવામાં આવે. લોકો જો પોતાની જીવન જીવવાની રીતને બદલી નાંખે તો પોતાની અંદર ભરેલા પ્રચંડ સામર્થ્યના આધારે તેઓ પોતે જ પોતાના પછાતપણા અને તકલીફોનું નિવારણ કરી શકે છે. આપણે તેમની પ્રવૃત્તિઓને સન્માર્ગ તરફ વાળવા માટે સહયોગ આપવો જોઈએ. તેમનું એવું નેતૃત્વ કરવું જોઈએ કે જેથી તેઓ ઘાતક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને સ્વયં રચનાત્મક કાર્યોમાં રસ લેવા લાગે.
આત્મવિકાસનો એક જ રસ્તો છે કે આપણે પોતાની આત્મીયતાને વ્યાપક કરીએ. બીજાના સુખને આપણું સુખ અને બીજાઓના દુઃખને આપણું દુ:ખ માનીને કંઈક એવું વિચારીએ તથા કરીએ કે જેનાથી બીજાઓનું દુ:ખ ઘટે અને સુખ વધે. કોઈ પણ માનવમાં એટલી હિંમત નથી કે પોતાની બધી સંપત્તિ લોકોના અભાવને દૂર કરવામાં ખર્ચી નાખે અને ચોવીસેય કલાક લોકોની સેવા કરતો રહે, છતાં પણ ‘, આપણી જરૂરિયાતો પૂરી કર્યા પછી બચેલું બધું સમાજના પછાતપણા, તકલીફો, અભાવ તથા શોકને દૂર કરવા માટે સમર્પિત કરવાની પ્રબળ ભાવના રહેવી જોઈએ.
આજે સંસારે શ્રેષ્ઠતાનાં આભૂષણો ઉતારીને કનિષ્ઠતાનો બુરખો ઓઢી લીધો છે. વિચારપદ્ધતિ અને કાર્યપ્રણાલીમાં કનિષ્ઠતા ઘૂસી જવાના કારણે જીવન નારકીય બની ગયું છે અને સ્મશાન જેવી સ્થિતિ દેખાય છે. ધીરેધીરે આપણે અંતરદ્વંદ્વોમાં, ગૃહકલેશમાં, પરસ્પર પીડા આપવામાં ડૂબેલા રહીને સામૂહિક આત્મહત્યા તરફ આગળ વધી રહ્યા છીએ. આ પરિસ્થિતિઓમાં માનવજાતિની એક જ સેવા થઈ શકે છે કે તેને બુદ્ધિ, ભ્રમ, અવિવેક તથા અશુભ ચિંતનથી બચાવીને નીરક્ષીર વિવેચના તથા ઋતંભરા પ્રજ્ઞાનો આશ્રય લેવા માટે તૈયાર કરવામાં આવે. આજની સ્થિતિમાં સમાજની એ જ સૌથી મોટી સેવા છે. વિચારક્રાંતિથી વર્તમાન દુર્દશાને પલટીને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરી શકાશે. વૈચારિક પવિત્રતામાં અમર્યાદિત શક્તિ હોય છે ત્યારે નિષ્પક્ષ તથા તટસ્થ ભાવથી સ્થિતિની મોજણી શક્ય થાય છે અને જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સર્વહિતકારી હોય છે. દિવ્યતા મનુષ્યનો સ્વાભાવિક ગુણ છે, જે તેને જન્મથી જ પ્રાપ્ત થયેલો છે. વૈચારિક પ્રદૂષણના કારણે જ મનુષ્યની આ દિવ્યતાનો લોપ ધીરેધીરે થતો જાય છે. એટલા માટે વિચારોની શુદ્ધતા અને પવિત્રતા ખૂબ જ જરૂરી છે.
વિચારક્રાંતિ માટે આદર્શવાદી વિચારધારાનું સ્થાપન કરનારાં ન૨૨ત્નો જ જનમાનસમાં વિવેકશીલતા જગાડવાનું કાર્ય કરી શકે છે. પોતાના ચારિત્ર્યમાં આ શ્રેષ્ઠતાનો સમાવેશ કરવો તે આપણો પરમ ધર્મ છે.
પ્રતિભાવો