૮૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૫૧/૧૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૫૧/૧૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સ્વસ્તિ પન્થામનુ ચરેભ સૂર્યાચન્દ્રમસાવિવ । પુનર્દદતાઘ્નતા જાનતા સંગમેમહિ ।। (ઋગ્વેદ ૫/૫૧/૧૫)
ભાવાર્થ : હે માનવો ! સૂર્ય તથા ચંદ્રમા જે રીતે નિયમિત રૂપથી પોતાના નિર્ધારિત માર્ગ પર ચાલતા રહે છે તેવી જ રીતે તમારે પણ ન્યાયનો માર્ગ ન છોડવો જોઈએ.
સંદેશ : આ સંસાર શું છે ? બ્રહ્માંડનો એક નાનો અંશ છે અને છતાં અખિલ બ્રહ્માંડમાં ઘણો મહાન છે, અત્યંત વિશાળ છે. દિનપ્રતિદિન વૈજ્ઞાનિકો પ્રગતિ કરતા હોવા છતાં મનુષ્ય ફક્ત તેના એક નાના અંશને જ જાણી શક્યો છે. પરમેશ્વરે કોણ જાણે કેટલાંય સૌરમંડળ, સૂર્ય, પૃથ્વી, નક્ષત્ર વગેરે બનાવ્યાં છે. તે બધાં એક સુનિશ્ચિત વ્યવસ્થામાં બંધાયેલાં રહીને કરોડો વર્ષોથી બ્રહ્માંડમાં ચક્કર લગાવી રહ્યાં છે. કદી પણ એ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ભૂલ થતી નથી. નિયમપાલનમાં કોઈ પણ આળસ અથવા પ્રમાદ નથી કરતું.
માનવજીવનનો એ સૌથી મોટો પ્રમાદ છે કે ચારેબાજુએ ઈશ્વરીય વ્યવસ્થાનું પ્રત્યક્ષ દર્શન થવા છતાં મનુષ્ય પોતે વ્યવસ્થાપાલનને એક બંધન માને છે. ભલેને તેનું વ્યક્તિગત કાર્ય હોય કે પારિવારિક અથવા સામાજિક, તે દરેક કાર્યમાં પોતાની મરજી પ્રમાણે ચાલવા ઇચ્છે છે અને નિયમપાલનને ભારસ્વરૂપ તથા અપમાનજનક માને છે. કાયદાના રખેવાળ પોતે જ કાયદાને તોડવામાં પોતાની શાન સમજતા હોય છે. તેઓ એ ભૂલી જાય છે કે વ્યવસ્થિત રીતે નિયમાનુસાર કાર્ય કરવાથી દરેક માણસને વિકાસની ઘણી વધારે સુવિધા મળે છે અને આનંદ તથા ઉત્સાહનું વાતાવરણ પણ બને છે. નિરંકુશ વ્યવહારથી શક્ય છે કે કેટલાક માણસોને થોડોઘણો અયોગ્ય લાભ મળી જાય, પરંતુ મોટા ભાગનામાં મૂર્ખતા પેદા થાય છે અને તે પરસ્પર વેર, દ્વેષ અને વૈમનસ્યની ઝેરી વેલના રૂપમાં વિકસિત થાય છે.
એક જમાનામાં મનુષ્ય એકાકી રહેતો હતો, પરંતુ આજે તો તે એક સામાજિક પ્રાણી છે. તેની સ્થિરતા, સગવડ, પ્રગતિ અને પ્રસન્નતા બધાનો આધાર સમાજવ્યવસ્થા પર રહેલો છે. રોટી, કપડાં, મકાન અને સુખસગવડનાં અનેક સાધનો તેને માટે કોણ બનાવે છે ? કોણ જાણે કેટલાય માણસો ખેતર, ખળાં તથા કારખાનાંઓમાં દિવસરાત કામ કરીને આ બધું બનાવે છે અને તેમના સુધી પહોંચાડે છે. આ વ્યવસ્થામાં જરા પણ ગરબડ થઈ જાય અથવા સ્વાર્થવશ કોઈ કશું કરી નાખે તો સમાજમાં ત્રાહિ ત્રાહિ મચી જાય છે. સમાજમાં જો વ્યવસ્થા તથા નિયમબદ્ધતા પર યોગ્ય ધ્યાન નહિ આપવામાં આવે તો સર્વત્ર અનિશ્ચિતતા, આશંકા અને અશાંતિનાં કાળાં વાદળો છવાઈ જશે. ચારેબાજુએ નીરસતા અને કર્કશતા જ દેખાશે તથા દુષ્ટતાનો જ સામનો કરવો પડશે. આ પરિસ્થિતિમાં પોતાની સુરક્ષા, શાંતિ, વ્યવસ્થા અને ભવિષ્યની બધી આશા ધૂળમાં મળી જશે.
આપણે પોતાના વ્યક્તિગત જીવનમાં અને કૌટુંબિક તથા સામાજિક જીવનમાં પણ દરેક કાર્ય નિયમિત રીતે કરવાની ટેવ પાડવી જોઈએ. પોતાના આહારવિહાર, વ્યાયામ, પૂજાપાઠ, વેપાર બધાંને નિયમપૂર્વક તથા સુવ્યવસ્થિત રીતે જ કરવાં જોઈએ. કુટુંબના સભ્યોને અને એમાંય ખાસ કરીને બાળકોને પ્રારંભથી જ એનું મહત્ત્વ સમજાવવું જોઈએ, જેથી તેઓ આગળ જતાં સમાજમાં સૂર્યની જેમ ચમકતાં રહે.
નિયમપાલનને પોતાનો સ્વભાવ બનાવી લેવો જોઈએ.
પ્રતિભાવો