૧૦૯. વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૩૦૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૩૦૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
પાવમાનીઃ સ્વસ્ત્યનીસ્તાભિર્ગચ્છતિ નાન્દનમ્ । પુણ્યાંશ્ચ ભક્ષાન્ભક્ષયત્યમૃતત્વં ગચ્છતિ II (સામવેદ ૧૩૦૩)
ભાવાર્થ : જેના વડે મનુષ્યના વિચાર સત્કર્મ તરફ પ્રેરિત થતા હોય એવા સાહિત્યના સ્વાધ્યાયથી સ્ત્રીપુરુષોને આનંદ મળે છે. તેઓ જીવનભર ઉત્તમ પદાર્થોનું સેવન કરતા રહીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે.
સંદેશ : મનુષ્યનું મન કોરા કાગળ, સ્લેટ અથવા ફોટોગ્રાફીની પ્લેટ જેવું છે. જે પરિસ્થિતિઓ, ઘટનાઓ તથા વિચારણાઓ સામે આવે છે તેમનો પ્રભાવ તેની ઉપર અંકિત થતો જાય છે અને તેવા જ પ્રકારની મનોભૂમિ બની જાય છે. માણસ સ્વભાવથી નથી તો બુદ્ધિશાળી કે નથી મૂર્ખ, નથી ભલો કે નથી ખરાબ. વસ્તુતઃ તે ખૂબ સંવેદનશીલ પ્રાણી છે. આસપાસના પ્રભાવને ગ્રહણ કરે છે અને જેવું વાતાવરણ મગજ ઉપર છવાયેલું રહે છે તેવા બીબામાં ઢળવા લાગે છે. તેની આ વિશેષતા પરિસ્થિતિઓના સપાટામાં આવીને ક્યારેક અધઃપતનનું કારણ બને છે કોઈકવાર પ્રગતિનું. ઈશ્વરભક્તિ, સત્સંગ અને સ્વાધ્યાયથી જ પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય છે.
સ્વાધ્યાય શબ્દના બે અર્થ છે – પહેલો વેદ અને વેદસંમત સગ્રંથોનું અધ્યયન અને બીજો સ્વઅધ્યયન અર્થાત્ પોતાનું અધ્યયન, આત્મનિરીક્ષણ. દરરોજ થોડીકવાર આત્મનિરીક્ષણ કરવાથી વ્યક્તિ પોતાના દોષોને જોવાની પ્રવૃત્તિ બનાવી લે છે અને તેમને દૂર કરવાનો પ્રયાસ પણ કરે છે.
સદ્દગ્રંથોનો પાઠ જ સ્વાધ્યાયનો મુખ્ય અર્થ છે. સગ્રંથોનો પાઠ અમૃતપાન સમાન હોય છે અને જીવનના ગાઢ અંધકારમાં દીવાદાંડીનું કાર્ય કરે છે. સારા ગ્રંથોનો પાઠ મનુષ્યની ઉન્નતિનો આધાર છે, જ્યારે ખરાબ ગ્રંથોનું વાંચન તેની અધોગતિનું કારણ બને છે. સારાં પુસ્તકો સાચા મિત્રની ગરજ સારે છે અને તેની આધ્યાત્મિક અથવા નૈતિક ઉન્નતિમાં મદદરૂપ બને છે. ચારે બાજુએ ફેલાયેલી આસુરી ભાવનાઓ અને ઘટનાઓ આપણને હલકી માન્યતાઓ અને પ્રવૃત્તિઓને અપનાવવાનું પ્રોત્સાહન આપે છે. આ દુષ્ટ પ્રભાવને નષ્ટ કરવા માટે મહાપુરુષોનો સત્સંગ અને તેમનાં પુસ્તકોનો સ્વાધ્યાય રામબાણ ઔષધિનું કાર્ય કરે છે. આવાં પુસ્તકોના અધ્યયન અને તેમના વિચારોના ચિંતનમનનથી હકીકતમાં આપણું મન તે મહાપુરુષ સાથે ભાવનાત્મક તાદાત્મ્ય સ્થાપી લે છે, જેનાથી આપણા વ્યક્તિત્વ, ચરિત્ર અને મનોબળમાં દિવસે દિવસે શ્રેષ્ઠતાની વૃદ્ધિ થતી જાય છે. સત્સાહિત્યે અનેક માણસોને ઊંચા ઉઠાવ્યા છે અને આત્મબળસંપન્ન બનાવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની ગીતાના જ્ઞાનથી એકલા અર્જુનને જ લાભ નથી મળ્યો, પરંતુ આ મહાન ગ્રંથ વિશ્વના કરોડો-અબજો માણસોને જીવનલક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ નીવડ્યો છે.
વિટંબણા એ છે કે આજકાલ સડેલા-ગળેલા, અપ્રાસંગિક, અશ્લીલ અને બેઢંગા વિચારોની ચોપડીઓ જ બધે જોવા મળે છે. સસ્તા મનોરંજનના નામે લોકો તેમાં રસ લે છે. સ્વાધ્યાય માટે પસંદ કરેલ સારા વિચારોવાળું સાહિત્ય જ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. નિત્ય નિયમિત એક કલાક સ્વાધ્યાય માટે કાઢી શકીએ તો થોડા જ સમયમાં મનુષ્યના વિચારોની શ્રેષ્ઠતા પ્રદર્શિત થવા લાગે છે.
સ્વાધ્યાયને જીવનનું અભિન્ન અંગ અને દૈનિક કાર્ય બનાવવું જોઈએ.
પ્રતિભાવો