૧૨૫. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

મહ્યં યજન્તાં મમ યાનીષ્ટાકૂતિઃ સત્યા મનસો મે અસ્તુ । એનો મા નિ ગાં કતમચ્ચનાહં વિશ્વે દેવા અભિ રક્ષન્તુ મેહ ॥  (અથર્વવેદ ૫/૩/૪)

ભાવાર્થઃ વિશુદ્ધ અંતઃકરણથી વિચારપૂર્વક પ્રામાણિક કામ કરવાનો સંકલ્પ કરતા રહો અને તેને પૂરો કરતા રહો. દુષ્કર્મોને છોડી દેવાં અને સદ્ગુણોનો વિકાસ કરવો એ જ મનુષ્યજીવનનું લક્ષ્ય છે.

સંદેશ : સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે, “મારો આદર્શ ભલે થોડાક જ શબ્દોમાં કહું. તે છે – મનુષ્યજાતિને તેના દિવ્ય સ્વરૂપનો ઉપદેશ આપવો તથા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેને પ્રગટ કરવાનો રસ્તો બતાવવો.”

મનુષ્ય પરમપિતા પરમેશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે અને દૈવી ગુણોથી પરિપૂર્ણ છે. ઈશ્વરના સાંનિધ્યને પ્રાપ્ત કરવાનો નિરંતર અભ્યાસ કર્યા વગર અને પોતાના જીવનની પ્રત્યેક ક્ષણમાં ઈશ્વરની હાજરીનો અનુભવ કર્યા વગર ન તો તે પોતાના દૈવી ગુણો પ્રગટ કરી શકે છે અને ન તો આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે. પોતાના દેવત્વનો દાવો કરવા માટે શું એટલું પૂરતું છે કે પ્રાતઃકાળ અથવા સાયંકાળે ઈશ્વરનું ધ્યાન કરે અને બાકીના સમયમાં તેને ભૂલી જાય? ના, આ યોગ્ય નથી. આપણે અનેક પ્રવચનો તથા ઉપદેશ સાંભળીએ છીએ. આધ્યાત્મિક પ્રસંગો ૫૨ પ્રેરણાદાયક પુસ્તકોનું અધ્યયન કરીએ છીએ. તેનાથી આપણને થોડું જ્ઞાન પ્રાપ્ત તો થાય છે, પરંતુ થોડીકવારમાં જ આપણે આપણા ધ્યેયને ભૂલી જઈએ છીએ. આપણને જે કંઈ પ્રાપ્ત થાય છે તેને આપણે ફરીથી ખોઈ નાંખીએ છીએ. જેવી રીતે લીલનું આવરણ પાણીને ઢાંકી રાખે છે અને તેને હઠાવી દીધા પછી પણ ફરી તે તેની સપાટી પર ફેલાઈ

જાય છે, એ જ પ્રમાણે ચારે બાજુઓનાં આકર્ષણ અને પ્રલોભનો આપણને લીલની જેમ ઘેરીને બેઠેલાં હોય છે અને જે પણ આપણે વાંચ્યું સાંભળ્યું તેને વારંવાર ઢાંકી દે છે. જ્યારે આપણે આધ્યાત્મિક પ્રવચન સાંભળીએ છીએ અથવા શ્રેષ્ઠ ગ્રંથો વાંચીએ છીએ ત્યાં સુધી તેની અસર રહે છે અને પછી તરત જ અદૃશ્ય થવા લાગે છે.

જ્યાં સુધી આપણા દૈનિક જીવનનું આધ્યાત્મીકરણ ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રગતિ શક્ય જ નથી. ભગવાનને તો આપણે પૂજાઘર સુધી જ સીમિત કરી રાખ્યા છે. તેમને ત્યાંથી બહાર કાઢીને પોતાના દૈનિક જીવનના કામકાજમાં લાવવા પડશે. જ્યારે આપણે મંદિરમાં હોઈએ છીએ ત્યારે આપણી મનઃસ્થિતિ એક પ્રકારની હોય છે અને બહાર આવતાં જ બીજા પ્રકારની બની જાય છે. આ બેવડી ચાલના કારણે જ સર્વત્ર આધ્યાત્મિક સંકટોનો સામનો કરવો પડે છે.

ઈશ્વર સર્વત્ર વ્યાપેલો છે એવી અનુભૂતિ દ્વારા આપણું મન પવિત્ર રહે છે અને અંતઃકરણમાં શુભ સંકલ્પો જ જન્મ લે છે. આપણી વિવેકબુદ્ધિ હંમેશાં આપણી સાથે જ રહે છે અને આપણે જે કોઈ સંકલ્પ કરીએ છીએ તેને પૂર્ણ કરવાની શક્તિ આપે છે. આત્મજ્ઞાનનાં ઉચ્ચ સોપાનો પર ચઢતું આપણું મન બાહ્ય જગતનાં પ્રલોભનોના ચક્કરમાં પડીને નીચે તરફ લપસતું નથી. જે પણ શુભ વિચાર અને વિવેકયુક્ત સંકલ્પ જાગે છે તે મનમાં દૃઢતાપૂર્વક જામી જાય છે અને કદાપિ ભુલાતો નથી.

આદર્શો, સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનની ફક્ત વાતો કે ચર્ચા કરવાથી આપણને કોઈ જ લાભ નહિ થાય. આપણે આપણા અંતઃકરણની શુદ્ધતા અને પવિત્રતાને સદૈવ જાળવી રાખીને તેને દૈવી સત્તાના ગાઢ સંપર્કમાં રાખવું પડશે. એનાથી મનમાં વાસનાઓ જાગશે નહિ અને દુષ્કર્મોથી પીછો છોડાવવો સરળ બની જશે. આ પ્રમાણેના રોજબરોજના મહાવરાથી જ આપણે આપણી દુષ્પ્રવૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરી શકીશું.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: