૫. આત્મકલ્યાણ માટે આત્મનિરીક્ષણની આવશ્યકતા

આત્મકલ્યાણ માટે આત્મનિરીક્ષણની આવશ્યકતા

આત્મકલ્યાણના માર્ગ ઉપર ચાલનાર માટે આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ ખૂબ જરૂરી છે. એનો આશય એ છે કે આપણે વિવેકરૂપી પ્રકાશમાં પોતાના દોષો પર વિચાર કરીને તેમને દૂર કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આત્મનિરીક્ષણ વિના નિર્દોષતાની પ્રાપ્તિ થવી ઘણી જ મુશ્કેલ છે.

પોતાનું નિરીક્ષણ કરવાથી અસત્યનું જ્ઞાન થાય છે તથા સત્ય સમજાય છે અને મેળવેલા બળ તથા યોગ્યતાનો સદુપયોગ જાતે જ થવા લાગે છે. જો આપણે અસત્યને નહિ જોઈ શકીએ અથવા સત્યથી અભિન્ન આપણા કર્તવ્યથી પરિચિત નહિ થઈએ તો સમજી લેવું કે આપણે આપણું નિરીક્ષણ કર્યું નથી, પોતાનું યથેષ્ટનિરીક્ષણ કરવાથી બીજા ગુરુ કે ગ્રંથની જરૂર પડતી નથી, કારણ કે જેના પ્રકાશમાં બધાનું બધું થઈ રહ્યું છે તેમાં અનંત શક્તિ વિદ્યમાન છે. પોતાનું નિરીક્ષણ કરતાંકરતાં પ્રાણી તેનાથી અભિન્ન થઈ જાય છે, જે વાસ્તવમાં સૌનું સર્વ કંઈ હોવા છતાં સૌથી પર છે. પોતાનું નિરીક્ષણ આપણને શક્તિનો સદુપયોગ અને વિવેકના આદર કરવાની પ્રેરણા આપેછે. શક્તિના સદુપયોગથી નિર્બળતાઓ અને વિવેકના આદર વડે અવિવેક આપોઆપ દૂર થઈ જાય છે.

પ્રત્યેક પ્રાણી પોતાનાથી વધારે બળવાન લોકોના કોઈ પણ બળનો પોતાના માટે સદુપયોગ થાય એવી આશા રાખે છે, પરંતુ તે પોતે પોતાને પ્રાપ્ત થયેલા બળનો નિર્બળો પ્રત્યે દુરુપયોગ કરે છે. આને વિવેકનો અનાદર નહિ તો બીજું શું કહેવાય ?

બળનો અર્થ છે દરેક પ્રકારનું બળ-શરીરબળ, ધનબળ, પદ અથવા પ્રભુત્વનું બળ વગેરે. ધનના દુરુપયોગથી જ સમાજમાં નિર્ધનતા, શિક્ષણ અર્થાત્ જ્ઞાન, વિજ્ઞાન અને કલાઓના દુરુપયોગથી અવિવેકની વૃદ્ધિ, શરીરબળના દુરુપયોગથી સમાજમાં હિંસા અને ચોરી, અધિકારના દુરુપયોગથી વિરોધી શાસનનો જન્મ વગેરે દુર્ગુણોની વૃદ્ધિ થાય છે.

પ્રત્યેક પ્રાણીને પોતાનું રક્ષણ સ્વભાવથી જ પ્રિય છે, છતાં પણ તે પોતે અહિંસક ન રહેતાં હિંસામાં પ્રવૃત્ત થાય છે, જેના કારણે હૃદય વેરભાવથી ભરાઈ જાય છે, જે સંઘર્ષનું મૂળ છે. તેથી સંઘર્ષ દૂર કરવા માટે દરેક ભાઈબહેને પોતાનું હૃદય વેરભાવરહિત કરવું પડશે. વેરભાવ દૂર કરવા માટે અહિંસક બનવું અત્યંત જરૂરી છે. પોતાના રક્ષણની ભાવનાનો વિવેક આપણને અહિંસક બનવાની પ્રેરણા આપે છે. એ જ સનાતન સત્ય છે, પરંતુ આજે તો આપણે વૈજ્ઞાનિક શોધખોળ દ્વારા હિંસાત્મક પ્રયોગોથી યુદ્ધ બંધ કરવાની વાત વિચારી રહ્યા છીએ, જે સર્વથા અસંભવ છે, કારણ કે વિવેકના અનાદરથી જ પ્રાણીઓના મનમાં સંઘર્ષ ઉત્પન્ન થાય છે. તેથી જ્યાં સુધી વિવેકપૂર્વક મનનો સંઘર્ષ નહિ મટે ત્યાં સુધી સમાજમાં થતા સંઘર્ષો કદી દૂર નહિ થાય, પછી તે વ્યક્તિગત હોય, કૌટુંબિક હોય કે સામાજિક, દરેક અપરાધી પોતાના પ્રત્યે ક્ષમાની ઈચ્છા રાખે છે અને બીજાને દંડ દેવાની વ્યવસ્થા ઈચ્છે છે. તે પોતાના પ્રત્યે તો બીજા પાસેથી અહિંસક, વેરભાવ વિનાનો, ઉદાર, ક્ષમાશીલ, ત્યાગી, સત્યવાદી અને વિનમ્રતા વગેરે દિવ્ય ગુણોથી પૂર્ણ વ્યવહારની આશા રાખે છે, પરંતુ પોતે એવા પ્રકારનો સર્વ્યવહાર બીજાઓ પ્રત્યે નથી કરી શકતો. પોતાના પ્રત્યે મધુરતાપૂર્વકના સન્માનની આશા રાખે છે, પરંતુ બીજાઓ પ્રત્યે અપમાન તથા કટુતાપૂર્ણ દૂર્વ્યવહાર કરે છે, જે વાસ્તવમાં ભૂલ છે. એનું પરિણામ એ આવે છે કે પ્રાણી પોતાના પ્રત્યે રાગી અને બીજાઓ પ્રત્યે દોષી બની જાય છે. એ જ સર્વ દુઃખોનું મૂળ છે.

પોતાના પ્રત્યે થતા અન્યાયને સહન કરીને પણ અન્યાય કરનારને માફ કરવામાં આવે તો દ્વેષ પ્રેમમાં બદલાઈ જાય છે અને પોતાનાથી થયેલા અન્યાયને પોતે દુઃખ વ્યક્ત કરી ક્ષમા માગી લેવામાં આવે તથા પોતાનો ન્યાય પોતે કરી જાતે જ દંડ સ્વીકારી લેવામાં આવે તો રાગ, ત્યાગમાં ફેરવાઈ જાય છે. જ્યારે રાગ અને દ્વેષ ત્યાગ અને પ્રેમમાં બદલાઈ જાય છે ત્યારે મુક્તિની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે. આ જ વાસ્તવિક આનંદ છે.

પોતાનું નિરીક્ષણ કરવાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે જ્યારે આપણે રાગથી પ્રેરાઈને ઇન્દ્રિયો તરફ ગતિશીલ બનીએ છીએ ત્યારે ઇન્દ્રિયજન્ય જ્ઞાનના આધાર પર આપણને અનેક પ્રકારની વિષમતાઓનો ભાસ થાય છે અને ઇન્દ્રિયજન્ય સ્વભાવમાં પ્રવૃત્ત થવાથી આપણે ક્રિયાજન્ય સુખની આસક્તિ, પરતંત્રતા, જડતા વગેરેમાં બંધાઈ જઈએ છીએ. એટલું જ નહિ, અંતે આપણે શક્તિહીનતાનો અનુભવ કરી સ્વાભાવિક વિશ્રામ અથવા નિવૃત્તિને અપનાવીએ છે, જેના ફળસ્વરૂપે શક્તિહીનતા ઘટતી જાય છે અને વિના પ્રયત્ન જરૂરી શક્તિ પ્રાપ્ત થતી જાય છે.

જો શક્તિહીનતા, જડતા, વિષમતા વગેરે દુઃખોથી દુઃખી થઈને આપણે નિવૃત્તિ દ્વારા સંચિત શક્તિનો વ્યય ન કરી વિષયોથી વિમુખ બનીને અંતર્મુખ બની જઈએ, તો ભોગયોગમાં, જડતા ચેતનામાં, વિષમતા સમતામાં, પરાધીનતા સ્વાધીનતામાં અને અનેકતા એકતામાં ફેરવાઈ જશે. પછી સ્વાભાવિક આવશ્યકતાઓની પૂર્તિ તથા અસ્વાભાવિક ઇચ્છાઓની નિવૃત્તિ જાતે થઈ જાય છે.

આપણી વર્તમાન વસ્તુસ્થિતિનો યથેષ્ટ સ્પષ્ટ પરિચય પ્રાપ્ત કરવો એ જ વાસ્તવિક આત્મનિરીક્ષણ છે. તેના વિના આપણે પોતાને નિર્દોષ બનાવી જ ન શકીએ. માણસમાં દોષ જોવાની વૃત્તિ કુદરતી જ હોય છે, પરંતુ આળસને કારણે માણસ એનો ઉપયોગ પોતાના જીવન પર ન કરતાં બીજા પર કરવા લાગે છે, જેનું પરિણામ ખૂબ જ ભયંકર અને દુઃખદ સાબિત થાય છે. પારકાના દોષ જોવાથી સૌથી મોટી હાનિ એ થાય છે કે પ્રાણી પોતાના દોષો જોવાથી વંચિત રહી જાય છે અને મિથ્યાભિમાનમાં બંધાઈને હૃદયમાં ધૃષ્ણા ઉત્પન્ન કરે છે. જો કે હૃદય પ્રીતિનું સ્થાન છે, ધૃણાનું નહિ, પરંતુ એવું ત્યારે જ બની શકે કે જ્યારે માણસ પારકાના દોષ ન જોતાં પોતાના દોષ જોવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે.પોતાના તથા પારકાના દોષ જોવામાં એક મોટું અંતર એ જ છે કે પારકાંના દોષ જોતી વખતે આપણે દોષો સાથે સંબંધ જોડી લઈએ છીએ, તેથી સમય જતાં પોતે દોષી બની જઈએ છીએ, પરંતુ પોતાના દોષ સામે આવતાં આપણે દોષથી દૂર જઈએ છીએ. તેથી જાતે જ તેમાં નિર્દોષતા સ્વીકારી લઈએ છીએ કે જે સૌને પ્રિય છે. તેથી નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે કે દોષદર્શનની દૃષ્ટિનો ઉપયોગ માત્ર પોતાના જ જીવન માટે કરવાનો છે, બીજાના માટે નહિ.

જો કે અનાદિ સત્ય બીજ રૂપે દરેક માણસમાં વિદ્યમાન હોય છે, પરંતુ તેનો આદર ન કરવાથી મનુષ્ય એ સત્યથી વિમુખ થઈ ગયો છે અને પરિવર્તનશીલ વસ્તુ, અવસ્થા તથા પરિસ્થિતિઆનાં બંધનોમાં રહીને તેણે પોતાને દીનહીન તથા અભિમાની અને પરતંત્ર બનાવી દીધો છે. આ દુ:ખદ બંધનથી છુટકારો મેળવવા એ અનિવાર્ય થઈ પડે છે કે મનુષ્ય પ્રાપ્ત વિવેકના પ્રકાશમાં (જે ચિર સત્ય છે) પોતાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરે અને વસ્તુ, અવસ્થા વગેરેથી અસંગ બનીને દુરાચારને સદાચારમાં ફેરવીને પોતાને નિર્વિકાર કરે.

દરેક મનુષ્યને અનુભવ છે કે દૃશ્યનો સંબંધ માણસને સુખ દુઃખ અનુભવ કરાવે છે અને તે દૃશ્ય દૂર થવાથી કોઈ પણ પ્રકારનું દુઃખ બાકી રહેતું નથી. પ્રિયમાં પ્રિય વસ્તુ તથા વ્યક્તિ સાથે સંબંધ બાંધવા છતાં પણ માણસ પોતાને જુદો રાખવા માગે છે, કારણ કે સૌથી જુદા થયા વિના તે ચિરશાંતિ તથા શક્તિ મેળવી શકતો નથી, જે મનુષ્યને સ્વભાવથી જ પ્રિય છે. એ નિર્વિવાદ સિદ્ધ થયું છે કે મનુષ્ય પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિથી પણ થાકીને ગાઢ નિદ્રા લેવા માટે પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુથી છૂટો પડવા માગે છે. જો કે સુષુપ્ત અવસ્થામાં કોઈ પણ પ્રકારનાં દુઃખ અને દર્દ બાકી રહેતાં નથી, તો પણ તેનાથી માણસ પોતે જ વિરક્ત થઈ જાય છે અને કોઈક એવી અવસ્થાની શોધ કરે છે, જેમાં સુષુપ્તિ સમાન સામ્ય અને દુ:ખ વિહીનતા તો હોય, પરંતુ અચેતન ન હોય. આ સ્થિતિ મળ્યા પછી જ્યારે તે તેનાથી પણ ઉપર ઊઠે છે ત્યારે તે ઉન્નતિરહિત, અલૌકિક, અનંત, નિત્ય, વિશુદ્ધ જીવન માટે વ્યાકુળ થાય છે. એટલે કે નિર્વિકલ્પ સ્થિતિથી નિર્વિકલ્પ બોધની આશા રાખે છે, જે બધી અવસ્થાઓથી અલગ અને સ્વયંસિદ્ધ છે. આ સ્વયંસિદ્ધ અનંત જીવનની રુચિ માનવમાત્રના સ્વભાવમાં હોય છે. એના માટે બધી અવસ્થાઓથી વિમુખ થવું અનિવાર્ય છે. અવસ્થાઓથી વિમુખ થતાં જ અવસ્થાતીત જીવનનો અનુભવ થાય છે.

આપણું નિરીક્ષણ જ વાસ્તવિક સત્સંગ, સ્વાધ્યાય અને અધ્યયન છે, કારણ કે પોતાના નિરીક્ષણ વગર મનુષ્ય કોઈ એવા સત્ય તત્ત્વ અને જ્ઞાનની પ્રાપ્તિ કરી શકતો નથી, જે તેના પોતાનામાં ન હોય. એથી આપણા નિરીક્ષણ દ્વારા જ આપણે વાસ્તવિક સત્ય, તત્ત્વ અને જ્ઞાન મેળવી શકીએ છીએ.

આપણું નિરીક્ષણ કરતાં જ જે વિવેકથી અસત્યનાં દર્શન થાય છે, એ જ વિવેક તેને સત્યથી જુદું પણ કરી શકે છે અને તેનાથી જ સત્યથી અભિન્ન અને અસત્યથી મુક્ત થવાનો ઉપાય મળે છે. આત્મ-નિરીક્ષણ વગર કોઈ પણ સારો ગ્રંથ તથા સદ્ગુરુ પાસેથી મળેલ પ્રકાશ આપણા કામમાં આવતો નથી. તે માત્ર મગજમાં સંગૃહીત રહે છે, જે નકશામાં નદી દર્શાવ્યા બરાબર છે. પ્રત્યેક નકશો આપણને વાસ્તવિકતા સુધી પહોંચાડવાનું સાધન અવશ્ય છે, પરંતુ તેને જોઈને સંતોષ કરવાથી નથી ટીપુંયે પાણી મળવાનું કે નથી તરસ છિપાવાની.

પોતાના નિરીક્ષણની સાથેસાથે આપણે સારા ગ્રંથ તથા સત્પુરુષોના પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ. આત્મનિરીક્ષણ દ્વારા જ્યારે આપણે આપણી તમામ મનપસંદ વસ્તુઓ ઓળખી લઈએ છીએ ત્યારપછી આપણાથી કોઈ એવો પ્રયત્ન થતો નથી, જેમાં બીજાની પ્રિયતા તથા હિત રહેલાં હોય.

પોતાનું નિરીક્ષણ કર્યા પછી આપણે સારી રીતે જાણી લઈએ છીએ કે પ્રાપ્ત શક્તિનો સદુપયોગ પ્રાણીઓને સ્વભાવથી જ પ્રિય છે, કારણ કે જ્યારે કોઈ આપણી સાથે વ્યવહાર કરે છે,  તેમાં જો કોઈ પ્રકારનો દોષ હોય તો આપણે તેના તે વ્યવહારને યોગ્ય નથી માનતા. જો કે તે જ વ્યવહાર આપણે પોતે બીજાઓ પ્રત્યે કરીએ છીએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: