૧૪૮. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૩૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૩૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યશા ઇન્દ્રો યશા અગ્નિર્યશાઃ સોમો અજાયત । યશા વિશ્વસ્ય ભૂતસ્યાહમસ્મિ યશસ્તમઃ ।।  (અથર્વવેદ ૬/૩૯/૩)

ભાવાર્થ : સંસારમાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિની જેમ મારો યશ ફેલાય. હું બધા પ્રાણીઓથી વધારે યશસ્વી થાઉં.

સંદેશઃ કોઈ માણસમાં આપણને તેના અંતરની તેજસ્વિતાના કારણે શ્રેષ્ઠતા જણાય છે. કોઈનું મુખમંડળ જ્ઞાન તથા સત્કર્મોના તેજથી પ્રકાશમાન થાય છે, તો કોઈનું ભાષણ એટલું ધારદાર અને આવેશપૂર્ણ હોય છે કે સાંભળનારના હૃદયમાં ઊંડે સુધી ઊતરી જાય છે. એક એક પગલે ધરતી કંપી જાય એવી કોઈની ચાલ હોય છે, તો દૃષ્ટિમાત્રથી મદોન્મત શત્રુના અભિમાનના ચૂરેચૂરા થઈ જાય એવી કોઈની નજર હોય છે. આવા તેજસ્વી પુરુષોને જ સંસારમાં આદર, શ્રદ્ધા, સન્માન, . યશ, ઐશ્વર્ય વગેરે આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. શું સૂર્યનારાયણને કદીયે પોતાની શ્રેષ્ઠતાનું વ્યાખ્યાન આપવું પડે છે ? ચંદ્રમાને શું કદી પોતાની શીતળતાની જાહેરાત કરવી પડે છે ? શું અગ્નિને કદી પ્રાર્થના કરવી પડે છે કે મને પગ નીચે કચડો નહિ ? શું વનરાજ કેસરીને કોઈ દિવસ વૉટ માટે ભીખ માગવી પડે છે ? શ્રેષ્ઠ ગુણોના આધારે જ ચારે દિશાઓમાં તેમનો યશ ફેલાય છે. સૂર્ય, ચંદ્ર વગેરે નિઃસ્વાર્થ ભાવથી સંસારનું કલ્યાણ કરવામાં નિરંતર લાગેલા રહે છે. સૂર્યપ્રકાશ પોતાના તાપ તથા ઊર્જાથી જીવજંતુઓમાં પ્રાણશક્તિનો સંચાર કરે છે. એની સાથેસાથે ગંદકીને સૂકવીને નષ્ટ પણ કરી નાખે છે. સદ્ગુણો વધા૨વા અને દુર્ગુણોનો નાશ કરવો એ જ તેમનો ધ્યેય છે અને આ ઉત્તમ લક્ષ્યની પૂર્તિમાં લાગ્યા રહેવાથી જ તે સર્વત્ર યશ પ્રાપ્ત કરે છે. માનવજીવનનું પણ આ જ લક્ષ્ય છે. પોતે શરીરના અંતિમ શ્વાસ સુધી બળતા રહીને સંસાર ૫ર ઉપકાર કરતા રહેવું એ જ સાચું અધ્યાત્મ છે.

અધ્યાત્મવાદી જીવન મનુષ્યના ગૌરવની દૃષ્ટિથી, ઉજ્જવળ ભવિષ્યની દૃષ્ટિથી, સામાજિક સુવ્યવસ્થાની દૃષ્ટિથી સર્વોપરી છે. આત્મશાંતિ તથા આંતરિક સંતોષની દૃષ્ટિથી પણ તે ખૂબ જ જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. એવું જીવન જીવવા માટે જેને પ્રેરણા થાય અને અભિલાષા જાગે તેને સાચા અર્થમાં સૌભાગ્યશાળી અને દૂરદર્શી કહેવો જોઈએ. આવું દિવ્ય જીવન જીવવા માટે કોઈને કપડાં રંગવાની, ઘર છોડવાની, ભીખ માગવાની કે વેશ બદલવાની જરૂર નથી. તેણે આખો દિવસ જપ, તપ, વ્રત, સ્નાન, દેવદર્શન કે કથાકીર્તનમાં લાગ્યા રહેવાની પણ જરૂર નથી. થોડા સમય માટે આત્મચિંતન અને ઈશ્વરીય પ્રકાશની પ્રાપ્તિ માટે ઉપાસના કરી લેવી પૂરતી છે. મુખ્ય વાત તો એ છે કે અધ્યાત્મવાદના સિદ્ધાંતો અને આદર્શોને આપણે કેટલા પ્રમાણમાં આપણા વિચારો, શ્રદ્ધા અને કાર્યપદ્ધતિમાં સ્થાન આપ્યું છે એનાથી જ મનુષ્ય જીવન યશસ્વી બને છે.

‘સાદું જીવન ઉચ્ચ વિચાર’ના સિદ્ધાંતનું પાલન કરતાં કરતાં માતૃવત્ પરદારેસુ, પરદ્રવ્યેષુ લોષ્ટવત્ અને આત્મવત્ સર્વભૂતેષુના આદર્શો પર ચાલવામાં જ આધ્યાત્મિક જીવનની સાર્થકતા છે. સ્ત્રીઓ પ્રત્યે પવિત્રતાની ઉચ્ચ ભાવના હોવી શ્રેષ્ઠ પુરુષો માટે જરૂરી અને સ્વાભાવિક પણ છે. પ્રજનનની જરૂર જણાતાં પતિપત્નીને કામક્રીડાની ઇચ્છા થઈ શકે છે, પરંતુ સામાન્ય સમયમાં જેવી રીતે કામુક વિચાર એકબીજા પ્રત્યે આવતા નથી એ જ પ્રમાણે નર અને નારીમાં પણ પરસ્પર સ્વાભાવિક સાધના રહી શકે છે. નર નારી પરસ્પર પવિત્ર દૃષ્ટિ રાખે ત્યારે જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે અને બધા નાગરિકો ચારિત્ર્યવાન થશે. પ્રત્યેક નારીને ઉંમર અનુસાર માતા, બહેન અથવા પુત્રીની દૃષ્ટિથી જોવી જોઈએ.

બીજાના ધનને માટીના ઢેફા સમાન વ્યર્થ અને બિનઉપયોગી માનવું તે શ્રેષ્ઠ જનોનો આદર્શ છે. આપણે ફક્ત શ્રમ, ઈમાનદારી અને યોગ્ય સાધનોથી કમાયેલા ધનની જ ઇચ્છા કરીને તેનાથી જ પોતાનો નિર્વાહ કરવો જોઈએ. જે મળે તેને પ્રભુની કૃપા સમજીને સંતોષ માનવો જોઈએ.

શ્રેષ્ઠતાનો સર્વોચ્ચ આધાર તો એ જ છે કે આપણે આપણી જેમ બીજાઓનાં સુખદુઃખને સમજીએ. બીજાઓના સુખમાં સુખનો અને બીજાઓના દુઃખમાં દુઃખનો અનુભવ કરીએ. આ જ ભાવના આપણને ‘વસુધૈવ કુટુંબકમ્’ના ઉચ્ચ આત્મસ્તર સુધી પહોંચાડી દે છે. પીડિત માનવતાની સેવા કરવાની ઉત્કટ અભિલાષા જ આપણને આપણી ચારેબાજુએ વિખરાયેલાં પછાતપણા, અજ્ઞાન, અનાચાર, પાપ અને પતનને દૂર કરીને તેની જગ્યાએ દૈવી આદર્શોની સ્થાપના કરવાની સામગ્રી પૂરી પાડે છે.

મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા અને વિધાતા છે. તેનામાં એટલું બધું સામર્થ્ય છે કે તે સંસારમાં ઊથલપાથલ મચાવી દે. જરૂરિયાત ફક્ત એટલી જ છે કે આત્મનિરીક્ષણ કરતાં કરતાં પોતાના દોષદુર્ગુણોને જીવનમાંથી દૂર કરીએ અને સદ્ગુણોને ધારણ કરીને લોકહિતનાં તથા પરોપકારનાં કાર્યોમાં ડૂબેલા રહીએ.

દુષ્પ્રવૃત્તિઓનું નિવારણ કરીને જ માનવજીવનના પરમલક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: