૨૮. પાપનાશક અને શક્તિવર્ધક તપશ્ચર્યાઓ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

પાપનાશક અને શક્તિવર્ધક તપશ્ચર્યાઓ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

અગ્નિની ઉષ્ણતાથી દુનિયાના બધા પદાર્થો બળી જાય છે, બદલાઈ જાય છે અથવા પીગળી જાય છે. કોઈ એવી વસ્તુ નથી, જેની સાથે અગ્નિનો સંસર્ગ થયા પછી તેમાં પરિવર્તન નહીં થતું હોય. તપસ્યાનો અગ્નિ પણ એવો જ છે. એ પાપોના સમૂહને નિશ્ચિત રીતે ઓગાળી નાખે છે, બદલી નાખે છે અથવા બાળીને ભસ્મ કરી નાખે છે.

જે પ્રારબ્ધ કર્મ સમયના પરિપાકથી પ્રારબ્ધ અને ભવિતવ્યતા બની ચૂક્યાં છે, જે ભોગવવાનું અમિટ રેખાની જેમ સુનિશ્ચિત થઈ ચૂક્યું છે તેવા કષ્ટ સાધ્ય ભોગો પણ તપસ્યાના અગ્નિથી ઓગળીને નરમ થઈ જાય છે. એ ભોગવવા સહેલા થઈ પડે છે. જે પાપનું પરિણામ બે મહિના સુધી ભયંકર ઉદરશૂલ થઈને પ્રકટ થનારું હતું તે સાધારણ કબજિયાત- રૂપ બનીને બે મહિના સુધી પેટમાં મામૂલી ગરબડ કરીને સહેલાઈથી જતું રહે છે. જે પાપને લીધે હાથપગ કપાઈને ભારે રક્તસ્ત્રાવ થવાની સંભાવના હતી, તે મામૂલી ઠોકર વાગવાથી અથવા ચાકુ આદિ વાગવાથી દસ વીસ ટીપાં લોહી વહીને જ પતી જાય છે. જન્મજન્માંતરોનાં એ સંચિત પાપો જે કેટલાય જન્મો સુધી ભારે કષ્ટ આપતા રહે એવા હોય તે થોડી થોડી ચિહ્નપૂજાના રૂપમાં પ્રગટ થઈ આ જન્મમાં જ નિવૃત્ત થઈ જાય છે અને મૃત્યુ પછી સ્વર્ગ મુકિતનો, અત્યંત વૈભવશાળી જન્મ મળવાનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. એવું જોવામાં આવ્યું છે કે તપસ્વીઓને આ જન્મમાં ઘણું કરીને અગવડો ભોગવવી પડે છે. એનું કારણ એ છે કે જન્મજન્માંતરનાં સમસ્ત પાપોનો ભોગ આ જન્મમાં જ પૂરો થઈને આગળનો માર્ગ સાફ થઈ જાય તેવા ઈશ્વરીય વરદાનની માફક કેટલાંક નજીવા કષ્ટો તપસ્વીઓને ભોગવવા પડે છે. સાધકોનાં પાપો આ રીતે સરળ રીતે ભોગવાઈને ઓગળી જતાં હોય છે. આ પાપોના ઓગળવાની રીત થઈ. હવે પાપો કેવી રીતે બદલાય છે તે જોઈએ. પાપનું જે ફળ સહન કરવું પડે છે એનો સ્વાદ અત્યંત સ્વાદિષ્ટ બની જાય છે. ધર્મને માટે, કર્તવ્યને માટે, યશ કીર્તિ અને પરોપકારને માટે જે કષ્ટો સહન કરવો પડે છે, તે પ્રસવ પીડાનાં જેવાં હોય છે. પ્રસૂતાને પ્રસવ વખતે પીડા તો થાય છે જ, પણ તેની સાથે જ ઉલ્લાસ પણ રહે છે. ચંદ્રના જેવો સુંદર બાળક જોઈને તે પીડા બિલકુલ ભૂલી જવાય છે. રાજા હરિશ્ચન્દ્ર, દધીચિ, પ્રહ્લાદ, મોરધ્વજ આદિને કષ્ટો સહન કરવા પડ્યાં તે વખતે તેઓ પણ ઉલ્લાસમય હતા અને છેલ્લે અમરકીર્તિ અને સંગતિની દૃષ્ટિએ તો કષ્ટો એમને માટે સર્વ પ્રકારે મંગલમય જ બની રહ્યાં. દાન દેવામાં જ્યાં ઋણ મુક્તિ થાય છે, ત્યાં યશ તથા શુભ ગતિની પ્રાપ્તિ પણ થાય છે. તપ દ્વારા આ પ્રકારે “ઉધાર પતી જાય અને મહેમાન જમી જાય’- એવા બે કાર્યો એકી સાથે બની જાય છે.

પાપોની બળી જવાની પ્રક્રિયા આ પ્રકારની હોય છે. જે પાપો હજુ પ્રારબ્ધ નથી બન્યાં, અજ્ઞાનમાં થયાં છે તે નાનાં મોટાં શુભ કર્મો તપને અગ્નિમાં બળીને આપોઆપ ભસ્મ થઈ જાય છે. સૂકા ઘાસના ઢગલાને અગ્નિની એક નાની સરખી ચિનગારી બાળી નાખે છે. તેવી રીતે આ પાપનાં પાપકર્મો, તપશ્ચર્યા, પ્રાયશ્ચિત્ત અને ભવિષ્યમાં તે ન કરવાના દૃઢ નિશ્ચયથી આપમેળે નાશ પામે છે. પ્રકાશની આગળ જે અંધકાર વિલીન થઈ જાય છે, તે જ પ્રમાણે તપસ્વીના અંતઃકરણનાં પ્રખર કિરણોથી પાછલાં કુસંસ્કારો નષ્ટ થઈ જાય છે અને સાથે જ એ સંસ્કારોની છાયા દુર્ગંધ અને કષ્ટકારક પરિણામોની ઘટાનો પણ અંત થઈ જાય છે.

તપશ્ચર્યાથી પૂર્વકૃત પાપોનું ઓગળી જવું, બદલાવું અને બળવું એટલું જ માત્ર થતું નથી, પરંતુ તપસ્વીમાં એક નવો સાત્ત્વિક અગ્નિ પેદા થાય છે. એ અગ્નિને દૈવી વિદ્યુત શક્તિ, આત્મતેજ, બ્રહ્મતેજ, તપોબળ આદિ નામોથી ઓળખવામાં આવે છે. બળથી અંત:કરણમાં છુપાયેલી સુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. દિવ્ય સત્ત્વગુણોનો વિકાસ થાય છે અને સ્ફૂર્તિ, ઉત્સાહ, સાહસ, ધૈર્ય, દૂરદર્શિતા, સંયમ, સન્માર્ગમાં પ્રવૃત્તિ આદિ અનેક ગુણોની વિશેષતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. કુસંસ્કારો, કુવિચારો, કુટેવો, કુકર્મોથી છુટકારો મેળવવાને માટે તપશ્ચર્યા એક રામબાણ અસ્ત્ર છે. પ્રાચીનકાળમાં અનેક દેવ-દાનવોએ તપશ્ચર્યા કરીને મનોરથો પૂરા કરનારા વરદાનો મેળવ્યો હતાં.

ઘર્ષણથી ગરમી થાય છે. પોતાને તપસ્યાના પથ્થર પર ઘસવાથી આત્મશક્તિના ઉદ્ધવ થાય છે. સમુદ્રનું મંથન કરવાથી ચૌદ રત્નો મળ્યાં હતાં. દૂધનું મંથન થવાથી ઘી નીકળે છે. કામમંથનથી પ્રાણધારી બાળકની ઉત્પત્તિ થાય છે. ભૂમિના મંથનથી અન્ન પેદા થાય છે. તપસ્યા દ્વારા મંથનની ઊંચાં આધ્યાત્મિક તત્ત્વોની વૃદ્ધિનો લાભ થાય છે. ચપ્પુને પથ્થર પર ઘસવાથી તે તેજ થાય છે. સોનાને અગ્નિમાં તપાવવાથી નિર્મળ બને છે. તપથી તપાવાયેલો માણસ પણ પાપમુક્ત, તેજસ્વી અને વિવેકવાન બની જાય છે.

અનેક જાતની તપસ્યાઓમાં ગાયત્રી-તપસ્યાનું સ્થાન બહુ જ ઊંચું છે. અહીં નીચે કેટલીક પાપનાશિની અને બ્રહ્મતેજ વધારનારી તપશ્ચર્યાઓ બતાવવામાં આવે છે

(૧) અસ્વાદ-તપ : જે વસ્તુઓની ટેવ પડી હોય તેમના વિના ચલાવી લેવાના આગ્રહથી થતાં કષ્ટોને તપ કહે છે. ભોજનમાં ખારો અને ગળ્યો એ બે મુખ્ય સ્વાદો હોય છે. એમાંથી એક વસ્તુ જો ખાવામાં ન  આવે તો ભોજન સ્વાદરહિત થઈ જાય છે. ખાસ કરીને લોકોને સ્વાદિષ્ટ ભોજન ગમે છે. આ બે સ્વાદતત્ત્વોને અથવા એ પૈકી એકને છોડી દેવાથી જે ભોજન બને છે, એને સાત્ત્વિક પ્રકૃતિવાળો પસંદ કરી શકે છે. રાજસિક પ્રકૃતિવાળાનું મન એનાથી પ્રસન્ન થતું નથી. જેમ જેમ સ્વાદ રહિત ભોજનથી સંતોષ પેદા થાય છે તેમ તેમ સાત્ત્વિકતામાં વધારો થાય છે. તપનો આ પ્રયોગ શરૂઆતમાં બહુ લાંબો કરવો નહીં. શરૂઆતમાં એક અઠવાડિયું, એક મહિનો અથવા એક ઋતુને માટે એનો પ્રયોગ કરવો જોઈએ. આને અસ્વાદ તપ કહેવાય.

(૨) તિતિક્ષા-તપ : શરદી ય ગરમીને લીધે શરીરને જે કષ્ટ થાય છે તેને થોડું સહન કરવું જોઈએ. શરદ ઋતુમાં ધોતિયું, ઉપવસ્ત્ર અથવા બંડી એ બે વસ્ત્રોથી ચલાવવું. રાતે રૂની રજાઈ ન ઓઢવી અને માત્ર કામળાથી કામ ચલાવવું. ગરમ પાણી ન વાપરતાં તાજા ઠંડા પાણીથી સ્નાન કરવું. અગ્નિએ તાપવું નહીં આ બધાં શીતસહનનાં તપો છે. પંખો, છત્રી અને બરફનો ત્યાગ ગરમીની તપસ્યા છે.

(૩) કર્ષણ-તપ : પ્રાત:કાળે એક કલાક રાત રહે ત્યારે ઊઠીને નિત્યકર્મમાં લાગી જવું. પોતાને હાથે બનાવેલું ભોજન જમવું. પોતાને માટે પોતે પાણી ભરી લાવવું, પોતાને હાથે જ પોતાનાં કપડાં ધોવા. પોતાનાં વાસણો પોતે જ માંજવા, પોતાનાં કામો બીજા પાસે ઓછામાં ઓછાં કરાવવા, જોડા ન પહેરતાં લાકડાની ચાખડીથી કામ ચલાવવું, પલંગ પર શયન ન કરતાં ભૂમિ પર જ શયન કરવું, ધાતુનું વાસણ ન વાપરતાં પતરાળામાં કે હથેળીમાં જ ભોજન કરવું, પશુઓનો વાહન તરીકે ઉપયોગ ન કરવો, ખાદી પહેરવી અને પગે જ યાત્રા કરવી વગેરેને કર્ષણ-તપ કહે છે. એમાં દરરોજ શારીરિક સગવડોનો ત્યાગ કરવો પડે છે અને અગવડો સહન કરવી પડે છે.

(૪) ઉપવાસ-તપ : ગીતામાં ઉપવાસને વિષય વિકારથી નિવૃત્ત કરનાર તરીકે બતાવવામાં આવ્યો છે. એક ટાણું અન્નાહાર અને એક ટાણું ફલાહાર આરંભિક ઉપવાસ છે. ધીરે ધીરે એની કઠોરતા વધારવી જોઈએ. બંને ટંક ફળ, દૂધ, દહીં આદિનો આહાર એનાથી કઠણ છે. એનાથી કઠણ એક સમય અનરહિત આહાર પર રહેવું એ છે. કેવળ દૂધ યા છાશ પર રહેવું હોય તો તેને અનેક વાર સેવન કરી શકાય છે. દરેક જાતના ઉપવાસમાં તરસ ન લાગી હોય તો પણ વિશેષ પ્રમાણમાં પાણી પીવું. જે લોકો ઉપવાસમાં પાણી નથી પીતા અગર બહુ જ ઓછું પીએ છે તેઓ મોટી ભૂલ કરે છે. એનાથી પેટમાંનો મળ સૂકાઈ જઈને તેની ગાંઠો બંધાઈ જાય છે. તેથી ઉપવાસમાં ઘણી વાર પાણી પીવું જોઈએ. એમાં લીંબુ, સોડા, ખાંડ મેળવીને લેવામાં આવે તો સ્વાસ્થ્ય અને આત્મશુદ્ધિને માટે પણ ઉત્તમ છે.

(૫) ગવ્યકલ્પ-તપ  : શરીર અને મનના અનેક વિકારોને દૂર કરવાને માટે ગવકલ્પ અભૂતપૂર્વ છે. રાજા દિલીપને જ્યારે સંતાન નહોતું ત્યારે એમણે કુલગુરુના આશ્રમમાં પત્ની સહિત ગાયો ચરાવવાની તપસ્યા કરી હતી. તે નંદિની ગાયને ચરાવતા હતા અને ગોરસનું સેવન કરીને જ રહેતા હતા. ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયની છાશ અને ગાયના ઘીનું સેવન કરવું. ગાયના છાણાથી દૂધને ગરમ કરવું જઈએ. ગૌમૂત્રનું શરીર પર માલિશ કરીને તથા તેને માથામાં નાંખીને સ્નાન કરવું એ ચામડીના રોગો તથા રક્તવિકારોને માટે ઘણું જ લાભદાયક છે. ગાયના શરીરમાંથી નીકળનારું તેજ સાત્વિક અને બળદાયક હોય છે, તેથી ગાયો ચરાવવામાં મોટો સૂક્ષ્મ લાભ છે. ગાયનાં દૂધ, દહીં, ઘી, છાશ પર માણસ ત્રણ મહિના સુધી નિર્વાહ કરે તો એના શરીરનો એક પ્રકારનો કલ્પ થઈ જાય છે.

(૬) પ્રદાલવ્ય-ત૫. : આપણી પાસે જે શક્તિ હોય તેમાંથી પોતાને માટે થોડી રાખીને બીજાઓ માટે અધિક પ્રમાણમાં આપવી તેનું નામ દાન છે. શ્રીમંત લોકો ધનનું દાન કરે છે. જે શ્રીમંત નથી તે પોતાનાં સમય બુદ્ધિ, જ્ઞાન, ચાતુર્ય, સહયોગ વગેરેને ઉધાર આપીને યા દાન કરીને બીજાઓને લાભ પહોંચાડી શકે છે. શરીરનું, મનનું દાન પણ ધનદાનના જેટલું જ મહત્ત્વનું છે. અનીતિથી કમાયેલા ધનનું સત્કાર્યમાં દાન કરવામાં આવે એ તેનું સૌથી ઉત્તમ પ્રાયશ્ચિત્ત છે. આપણા સમયનો અમુક ભાગ લોકસેવામાં વાપરવો એ પણ એક જાતનું તપ છે. દાન આપતી વખતે પાત્ર અને કાર્યનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. કુપાત્રને આપેલું અને અયોગ્ય કાર્ય માટે આપેલું દાન વ્યર્થ જાય છે. મનુષ્યતર પ્રાણીઓ પણ દાનના અધિકારી છે. ગાય, કૂતરા, ચકલાં, કીડીઓ વગેરે ઉપકારી જંતુઓને પણ અન્નજળનું દાન કરવાને માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

પોતે દુઃખ સહન કરીને પણ બીજાઓને ઉચિત મદદ કરવી, એમને ઉન્નતિશીલ, સાત્ત્વિક, સદ્ગુણી બનાવવાને માટે સહાય આપવી અને સગવડ આપવી એ દાનનો ખરો ઉદ્દેશ છે. દાનની પ્રશંસા શાસ્ત્રોમાં ભારોભાર કરવામાં આવી છે. એ સંબંધમાં વિશેષ કહેવાની શી જરૂર છે ? વેદમાં પણ કહેવાયું છે કે “સો હાથોથી કમાણી કરો અને હજાર હાથોથી દાન કરો.”

(૭) નિષ્કાસન-તપ : આપણા દોષો અને પાપોને ગુપ્ત રાખવાથી મન ભારે રહે છે. પેટમાં ગંદો મેલ ભરાઈ રહે ગાયત્રી તો તેથી અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. એવી જ રીતે આપણાં પાપોને છુપાવી રાખવામાં આવે તો એ ગુપ્તતાથી જમા થયેલ મેલ આપણા માનસિક ક્ષેત્રને દુર્ગધમય તેમજ સડેલું બનાવી દે છે, તેથી થોડાક ગંભીર અને વિશ્વાસપાત્ર હોય એવા મિત્રો પસંદ કરવા. તેમને આપણાં પાપોની કથા કહેવી. આપણી મુશ્કેલીઓ, દુ:ખની વાતો, ઇચ્છાઓ, અનુભવો પણ કેટલાક સહાનુભૂતિવાળા ઉદાર મિત્રોને કહી દેવા જોઈએ. આમ ગુપ્ત વાતો બીજાને કહેવી એ એક પ્રકારનો જુલાબ છે. જેનાથી મનોભૂમિ નિર્મળ બને છે.

પ્રાયશ્ચિત્તમાં “દોષ-પ્રકાશ’નું મહત્ત્વ ખૂબ છે. ગૌહત્યા થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોમાં એવું બતાવવામાં આવ્યું છે કે, મરેલી ગાયનું પૂછડું હાથમાં પકડીને એકસો ગામોમાં એ વ્યક્તિએ પોકારી પોકારીને એમ કહેવું કે, મારે હાથે ગૌહત્યા થઈ ગઈ છે. આ દોષ-પ્રકાશનથી ગૌહત્યાનો દોષ નાશ પામે છે. જેનો ગુનો કર્યો હોય એની પાસે ગુનાઓની ક્ષમા માગવી જોઈએ. ખોટ પૂરી આપવી જોઈએ અને જે પ્રકારે તે સંતુષ્ટ થાય એમ કરવું જોઈએ. જો એ પણ ન થઈ શકે તો છેવટે પ્રકાશન દ્વારા પોતાના અંતરાત્મા પરનો એક ભારે બોજો હલકો કરવો જોઈએ. આ પ્રકારના દોષ પ્રકાશનને માટે આ પુસ્તકના લેખકને એક વિશ્વસનીય મિત્ર સમજીને (શાંતિકુંજ, હરિદ્વારમાં) પત્ર દ્વારા પોતાના દોષો લખી જણાવીને એના પ્રાયશ્ચિત્ત માટે સંકોચ વિના યોગ્ય સલાહ મેળવી શકાય છે.

(૮) સાધના-તપ : ગાયત્રીના ચોવીસ હજા૨ જપ નવ દિવસમાં પૂરા કરવા, સવા લક્ષ જપ ચાલીસ દિવસમાં પૂરા કરવા. ગાયત્રી યજ્ઞ, ગાયત્રીની યોગ-સાધનાઓ, પુરશ્ચરણ, પૂજન સ્તોત્રપાઠ આદિની સાધનાઓથી પાપ ઘટે છે અને પુણ્ય વધે છે. ઓછું ભણેલા લોકો “ગાયત્રી-ચાલીસાનો નિત્યપાઠ કરીને પોતાની ગાયત્રીભક્તિને વધારી શકે છે અને મહામંત્રથી વધેલી શક્તિ દ્વારા તપોબળના અધિકારી બની શકે છે.

(૯) બ્રહ્મચર્ય-તપ : વીર્યરક્ષા, મૈથુનથી બચવું અને કામવિકાર પર કાબૂ રાખવો તે બ્રહ્મચર્યવ્રત છે. માનસિક કામસેવન, શારીરિક કામસેવનની માફક જ હાનિકારક છે. મનને કામક્રીડા તરફ જવા ન દેવાનો સૌથી સારો ઉપાય એને ઉચ્ચ આધ્યાત્મિક અને નૈતિક વિચારોમાં જોડી રાખવું એ છે. એના વિના બ્રહ્મચર્યનું રક્ષણ થતું નથી. મનને બ્રહ્મમાં-સત તત્ત્વમાં જોડવાથી આત્મોન્નતિ થાય છે અને ધર્મ સાધન તેમજ બ્રહ્મચર્યની રક્ષા પણ થાય છે. આમ એક પ્રકારના ઉપાયથી ત્રણ લાભ કરાવનારું આ તપ ગાયત્રી-સાધના કરનારાઓને માટે બધી રીતે મહત્ત્વનું છે.

(૧૦) ચાન્દ્રાયણવત-તપ : આ વ્રતનો પ્રારંભ પૂર્ણિમાથી કરવામાં આવે છે. પૂર્ણિમાએ જેટલો પોતાનો ખોરાક હોય, તેનો સોળમો ભાગ પ્રત્યેક દિવસે ઓછો કરવો. જો આપણો પૂર્ણ આહાર એક શેર હોય તો પ્રતિદિન એક અધોળ આહાર ઓછો કરવો. જેમ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની એક એક કલા નિત્ય ઘટે છે, તે મુજબ એક ષોડષાંશ ખોરાક નિત્ય ઓછો કરતા જવું. અમાસ અને પડવાને દિવસે ચંદ્રમાં બિલકુલ દેખાતો નથી. એ બે દિવસ બિલકુલ આહાર ન લેવો. ફરી શુકલ પક્ષની બીજના દિવસથી ચંદ્રની એક એક કળા ધીરે ધીરે વધે છે. તેવી જ રીતે એક એક ષોડષાંશ વધારતા જઈ પૂનમ સુધીમાં પૂર્ણ આહાર સુધી પહોચી જવું. આ એક માસમાં આહારવિહારનો સંયમ, સ્વાધ્યાય, સત્સંગમાં પ્રવૃત્તિ, સાત્ત્વિક જીવનચર્યા તથા ગાયત્રી-સાધનામાં ઉત્સાહપૂર્વક સંલગ્ન રહેવું જોઈએ.

અર્થ ચાન્દ્રાયણ વ્રત પંદર દિવસનું હોય છે. એમાં પ્રથમ આઠ દિવસ ભોજનનો આઠમો ભાગ દરરોજ ઓછો કરવાનો તથા આઠ દિવસ વધારવાનો હોય છે. શરૂઆતમાં અર્ધ ચાંદ્રાયણ કરવું. તેમાં સફળતા મેળવ્યા પછી પૂર્ણ ચાન્દ્રાયણ માટે આગળ પગલું ભરવું.

તંદુરસ્તીનું રક્ષણ કરવાને માટે ઉપવાસ એક અતિ મહત્ત્વનું અને અસરકારક સાધન છે. આપણાથી ખાવાપીવામાં જે દોષો આપણા સ્વભાવ અથવા પરિસ્થિતિઓને કારણે થતા રહે છે તથા શરીરમાં દૂષિત તત્ત્વો વધી જાય છે. આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ ત્યારે નવરો પડેલો આપણો જઠરાગ્નિ આપણાં એ દૂષિત તત્ત્વોને પચાવવાના કામમાં લાગી જાય છે. જેથી કરીને શરીર શુદ્ધ થાય છે અને લોહી સ્વચ્છ થાય છે. જેના શરીરમાં વિજાતીય તત્ત્વો નહિ હોય અને નાડીઓમાં શુદ્ધ લોહી ફરતું હશે તેને કદી એકાએક કોઈ બીમારી આવી જવાની વેળા નહિ આવે. આથી જ તંદુરસ્તીની ઇચ્છા રાખનાર મનુષ્યને માટે ઉપવાસ એક મહાન મદદગાર મિત્રની ગરજ સારે છે. બીજા પ્રકારના ઉપવાસ કરતાં ચાન્દ્રાયણ વ્રતમાં એક વિશેષતા રહેલી છે. આ વ્રતમાં ભોજનનું પ્રમાણ ઘટાડવાનું અને વધારવાનું કાર્ય નિયમ મુજબ અને ક્રમથી થાય છે. તેથી કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની તેમાં કોઈ શક્યતા હોતી નથી. બીજા લાંબા ઉપવાસમાં ભોજન તદ્દન બંધ કરી દેવામાં આવે છે અને એ ઉપવાસ પૂરા થયા પછી ખૂબ જ કાળજી રાખવી પડે છે અને મોટાભાગના લોકો પાછળથી એ ચોકસાઈ કાળજી રાખી શકતા નથી, તેથી મોટા રોગોના શિકાર બની જાય છે. ચાન્દ્રાયણ વ્રતના ઉપવાસોની બાબતમાં આવું કંઈ બનવાની શક્યતા જ હોતી નથી એ દષ્ટિએ આ ઉપવાસ વિશેષ લાભદાયક અને નિર્દોષ છે.

(૧૧) મન-તપ : મૌનથી શક્તિઓનો ક્ષય થતો અટકે છે, આત્મબળનો સંયમ થાય છે, દૈવી તત્ત્વોની વૃદ્ધિ થાય છે, ચિત્તની એકાગ્રતા વધે છે, શાંતિનો પ્રાદુર્ભાવ થાય છે અને બહિમુર્ખી વૃત્તિઓ અંતમુર્ખ થવાથી આત્મોન્નતિનો માર્ગ મોકળો થાય છે. દરરોજ અઠવાડિયામાં અથવા મહિનામાં કોઈ નિશ્ચિત સમય-મૌન પાળવાને માટે નક્કી કરવો જોઈએ. લાંબા દિવસો માટે તથા હંમેશ માટે પણ એવું વ્રત રાખી શકાય છે.   પોતાની સ્થિતિ, રુચિ અને સગવડ મુજબ મૌનની મુદત નક્કી કરવી જોઈએ. મૌનકાળનો મોટો ભાગ એકાંતમાં, સ્વાધ્યાય અથવા બ્રહ્મચિંતનમાં પસાર કરવો જોઈએ.                                                                       

(૧૨) અર્જન-તપ : વિદ્યાધ્યયન, શિલ્પકળા, દેશાટન, મલ્લવિદ્યા, સંગીત આદિ પૈકી કોઈ પ્રકારની ઉત્પાદક અને ઉપયોગી વિદ્યા પ્રાપ્ત કરવા પોતાની શક્તિ, યોગ્યતા, ઉપયોગિતા વધારવી તે અર્જન-તપ છે. વિદ્યાર્થીને કષ્ટ સહન કરવો પડે છે કે જે પ્રકારે મન મારવું પડે છે તથા સુખસગવડો છોડી દઈને મુશ્કેલીભર્યો કાર્યક્રમ અપનાવવો પડે છે એ તપનું લક્ષણ છે. કેવળ બાળપણમાં જ નહીં, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ સુધી કોઈને કોઈ રીતે સદા અર્જન-તપ કરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. વરસમાં થોડો સમય તો જરૂર આ તપસ્યા માટે કાઢવો જોઈએ, જેથી આપણી તપસ્યામાં વધારો થાય અને અધિક લોકસેવા કરવાનું બની શકે જેમ સૂર્યની બાર રાશિઓ હોય છે તેમ ગાયત્રીનાં આ બાર તપ છે. એમાંથી જે તપ જે રીતે બની શકે તે પોતાની રુચિ અને સગવડ પ્રમાણે કરતા રહેવું જોઈએ. એવું પણ થઈ શકે કે, બાર મહિના સુધી એક મહિનો એક એક તપ કરવાથી પૂરું એક વર્ષ તપ-વર્ષ બની જાય.

સાતમાં નિષ્કાસન-તપમાં એક બે વાર વિશ્વાસપાત્ર મિત્રો આગળ પોતાના દોષોનું પ્રગટીકરણ થઈ શકે છે. નિત્ય તો પોતાની ડાયરીમાં એક માસ સુધી પોતાના દોષો લખતા રહેવું જોઈએ અને એ પોતાના માર્ગદર્શક ગુરુને બતાવવા જોઈએ. આ ક્રમ લાંબા દિવસો સુધી ચાલુ રાખી શકાય તો ઘણું જ સારું. મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમમાં પોતાના આશ્રમવાસીઓની ડાયરી બહુ જ આગ્રહપૂર્વક તપાસતા હતા.

બીજાં તપોની બાબતમાં દરેકની પ્રયોગ કરવાની અનેક રીતો હોય છે. એ બધાં માટે થોડો સમય નિર્ધારિત કરીને પોતાનો મહાવરો તથા સાહસ વધારવું જોઈએ. શરૂઆતમાં થોડા અને સરળ તપ અપનાવ્યા પછી લાંબા સમયની કઠણ અને કષ્ટસાધ્ય સાધનાઓ કરવી પણ સુલભ થઈ જાય

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment