લગ્નજીવનમાં બ્રહ્મચર્યનું પાલન | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા
August 1, 2022 Leave a comment
લગ્નજીવનમાં બ્રહ્મચર્યનું પાલન, ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા
અપરિણીત રહીને બ્રહ્મચર્યનું પાલન કરવાની જેમ લગ્ન કર્યા પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરવું સંભવ છે. એટલું જ નહિ, ઘણે અંશે સુગમ પણ છે. જે લોકો પરોલા છે તેમણે સમજવું જોઈએ કે પત્ની ગૃહસ્થ ધર્મનું મૂળ છે.તેને કામોપભોગની સામગ્રી અથવા બ્રહ્મચર્ય માટે વિઘ્ન રૂપ માનવી તે ભૂલભરેલું છે.
સામાન્ય રીતે પત્નીથી દૂર રહેવાથી સ્ત્રી પ્રત્યે વાસનામય વિચારોની સૃષ્ટિ બને છે. દૂર રહેવાથી સદૈવ એક આકર્ષણ રહે છે, જે નજીકમાં આવતાં નાશ પામે છે. જેને દાંપત્યજીવન અપ્રાપ્ય છે તેને તે અપ્રાપ્ય વસ્તુ ઘણી આકર્ષક તેમજ સરસ દેખાય છે. તેની પ્રાપ્તિ માટે તેના મનમાં ભારે ભાંજગડ ચાલતી રહે છે, પરંતુ જે પતિ-પત્ની સાથે રહેતાં હોય તેઓ જો ઈચ્છે તો સ્વાભાવિક રીતે જ સરળ જીવન વ્યતીત કરતાં કરતાં વિકારમય વિચારોથી સહજ બચી શકે છે.
જ્યાં સુધી કસોટી થતી નથી ત્યાં સુધી જાણી શકાતું નથી કે કોની સાધના કેટલી પરિપકવ થઈ ચૂકી છે. જે લોકો અપરિણીત રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે તેમની નિષ્ઠા કેટલી હદ સુધી પરિપકવ થયેલી છે તેની ચોક્કસ ખાતરી થઈ શકતી નથી. તેઓ તો પ્રલોભન સામે આવતાં ફસાઈ જાય છે, પરંતુ જેઓ પ્રલોભન સાથે નિત્ય સંધર્ષ કરે છે તેમને ખ્યાલ આવે છે કે તેઓ કેટલા સંયમશીલ બની ચૂક્યા છે. સાધન સામે હોવા છતાં જે તેનો ત્યાગ કરી શકે છે તેનો ત્યાગ સાચો છે. અભાવને ત્યાગ માનીને સંતોષ લેવો તે એક કાચો આધાર જ રહે છે.
પતિ-પત્ની એ વાસના પર વિજય મેળવીને સંયમશીલ જીવન વિતાવે તો વાસનાની જગ્યાએ એક અત્યંત શક્તિશાળી આધ્યાત્મિક તત્ત્વનો જન્મ થાય છે, જેને પતિવ્રત કે પત્નીવ્રત કહે છે. આ તત્ત્વ દાંપત્યજીવનની પૂર્ણતા, કૌટુંબિક સુવ્યવસ્થા, ઉત્તમ સંતતિ તથા આત્મશાંતિ માટે તો બહુ જ ઉપયોગી તેમજ આવશ્યક છે. આ તત્ત્વ માનવજીવનની અપૂર્ણતાને પૂર્ણ કરી દે છે.
દ્વૈતનો નાશ કર્યા વિના અદ્વૈત બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. સ્ત્રીથી દૂર રહેનારી, તેને નફરત કરનાર વ્યક્તિ તેને પોતાનાથી જુદી તેમજ વિપરીત માને છે. એવી દશામાં તેની દ્વૈતબુદ્ધિ મજબૂત થતી જાય છે અને તેને માટે અદ્વૈત બ્રહ્મની પ્રાપ્તિમાં મોટી અડચણ ઊભી કરે છે. અદ્વૈતની પ્રાપ્તિ માટે પોતાની ધર્મપત્નીને અભિન માનવાની આવશ્યકતા છે. જેવી રીતે પોતાના જ સૌંદર્ય પર કોઈ મોહિત થતું નથી, જેવી રીતે પોતાની વાસના તૃપ્ત કરવા પોતાની જાત સાથે ભાવ થતો નથી, તેવી રીતે જે પત્નીને પોતાનું અભિન્ન અંગ માની લેવામાં આવે તો અવરોધ દૂર થઈ જાય છે, જેના ભયથી બ્રહ્મચારી લોકો દૂરદૂર ભાગતા ફરે છે. પોતાની અર્ધાંગનાને આત્મસ્વરૂપ સમજવી તે અદ્વૈત તત્ત્વની પ્રાથમિક સાધના છે. તેમાં ઉત્તીર્ણ થતાં આત્મભાવનાનો વિશ્વવ્યાપી વિસ્તાર કરવાનું સુગમ થાય છે. શુદ્ધ પ્રેમને પરમાત્માનું પ્રત્યક્ષ રૂપ કહેવામાં આવ્યું છે. તે પ્રેમ સ્ત્રી-પુરુષના પવિત્ર મિલનથી સુગમતાપૂર્વક વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. માતાની પુત્રમાં, બહેનની ભાઈમાં, પતિની પત્નીમાં જેટલી વિશુદ્ધ પ્રેમની ભાવના હોય છે તેટલી પુરુષની પુરુષમાં અથવા સ્ત્રીની સ્ત્રીમાં નથી હોતી. કુદરતે બંને લિંગનાં પ્રાણીઓના મિલનમાં સ્વાભાવિક પ્રેમરસ છુપાવી રાખ્યો છે. જો તેને સ્વાર્થપરાયણતા કે વાસનાથી દૂષિત કરવામાં ન આવે તો કુદરતે પ્રદાન કરેલ સ્વર્ગીય ઝરક્ષાના અમૃતસમાન જળનો રસાસ્વાદ દરેક આત્મા માણી શકે છે. એમ સમજવું અજ્ઞાનતા ભરેલું છે કે કામસેવનથી જ દાંપત્યપ્રેમમાં વધારો થાય છે. સાચી હકીકત તો એ છે કે સંયમી આત્મા જ ‘પ્રેમ’ ઉત્પન્ન કરી શકે છે અને તેના રસાસ્વાદનો આનંદ માણી શકે છે.
કામને ‘મજસિજ’ કહ્યો છે. આ વિકાર મનમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી પોતાની સંહારલીલાનો આરંભ કરે છે. મનથી જ કામનું ચિંતન કરતા રહેવામાં આવે અને શરીરથી બ્રહ્મચર્ય રાખવામાં આવે તેનાથી કોઈ વિશેષ લાભ થશે નહિ, કારણ કે મનમાં ઉત્પન્ન થનારી વાસનાથી માનસિક વ્યભિચાર તો થતો જ રહેશે અને આત્મબળ ભેગું નહિ થઈ શકે. તેનાથી વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ સામાન્ય ગૃહસ્થધર્મનું પાલન કરે અને મનથી નિર્વિકાર રહે તો તેનું થોડું શારીરિક સ્ખલન એટલું નુકસાનકારક નહિ બને, જેટલું અપરિણીતનું માનસિક ઉદ્વેગથી થાય છે. આમ તો શારીરિક અને માનસિક બંને રીતે સંયમ રાખવામાં આવે તે સર્વોત્તમ છે.
‘અર્ધાંગિની’ અને ‘ધર્મપત્ની’ આ બંને શબ્દો આત્મિક પૂર્ણતા અને ધર્મપાલનના અર્થસૂચક છે. પત્ની આ બંને કાર્યમાં સહાયક હોય છે, તેથી જ તેને અભિન્ન અંગ અને જીવસંગિની માનવામાં આવી છે. કામિની, રમણી, ભોગ્યા જેવી વિકારી દૃષ્ટિ સ્ત્રી પ્રત્યે રાખવી એ નારીજાતિ પ્રત્યે અપરાધ તથા અપમાન પ્રદર્શિત કરવા સમાન છે. સ્વાભાવિક તેમજ સરળ દૃષ્ટિકોણ અપનાવીને નારીને એક સાચા સાથી, મિત્ર તેમજ આત્મભાગ માનવામાં આવે તો તેનાથી જેવી રીતે સાંસારિક જીવનમાં સુવિધાઓ મળે છે તેવી જ રીતે આત્મકલ્યાણના માર્ગમાં પણ ભારે સહયોગ મળી શકે છે. નારી બ્રહ્મચાર્યમાં બાધક નથી. તે અસંયમના વિકારોને અનિયંત્રિત નથી થવા દેતી તેમજ મનુષ્યને સંયમી જીવન વ્યતીત કરવામાં સહાયતા પ્રદાન કરે છે.
પ્રતિભાવો