JS-22. મહાનતા સાથે જોડાઓ – સમયને ઓળખો – પ્રવચન : ૨

મહાનતા સાથે જોડાઓ – સમયને ઓળખો

ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો –

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ | 

યુગપરિવર્તનના આ સમયમાં એક હકીકત ખાસ હૃદયંગમ કરવા યોગ્ય છે કે અવસરને ઓળખીને તેનો સદુપયોગ કરનારા લોકો જ હંમેશાં શ્રેયના અધિકારી બને છે. જ્યારે પણ સમય પરિવર્તન થયું છે ત્યારે કોઈ એકલાંના બળે નહિ, પરંતુ આગેવાનોના સમૂહના માધ્યમથી થયું છે. અવતારોની પરંપરા તેનો સાક્ષી છે.

દરેક અવતાર વખતે તેમના સહયોગીઓનો ફાળો ખૂબ મહત્ત્વનો હતો. રામાવતાર વખતે લક્ષ્મણ, હનુમાન, અંગદ, વિભીષણ, સુગ્રીવ,નલનીલ જેવા બળવાન અને સામાન્ય રીંછવાનરો સમાન રૂપે સહભાગી બન્યાં હતાં. ગીધ તથા ખિસકોલી જેવા તુચ્છ જીવોએ પણ પોતાની શક્તિ પ્રમાણે ભૂમિકા નિભાવી હતી. કૃષ્ણાવતારમાં પાંડવોથી માંડીને ગોવાળિયાઓ સુધીના બધાનો સહયોગ મળ્યો હતો. બુદ્ધના ભિક્ષુઓ અને ગાંધીજીના સત્યાગ્રહીઓ ખભેખભો મેળવીને ચાલ્યા હતા. ભગવાન સર્વસમર્થ છે. તેઓ આંગળીના ઇશારે બધું કરી શકે છે. વારાહ અને નૃસિંહની જેમ એકલાં જ ઇચ્છિત કાર્ય પૂરું કરી શકે છે, પરંતુ પોતાના પ્રિયજનોને શ્રેય આપવું તે પણ અવતારનું એક મોટું કામ છે. શબરી અને કુબ્જા જેવી મહિલાઓ અને કેવટ તથા સુદામા જેવા પુરુષોને પણ અવતારના સહચર બનવાનો લાભ મળ્યો હતો. ગાંધીજીના સાંનિધ્યમાં વિનોબા અને બુદ્ધના સાંનિધ્યમાં આનંદ જેવા અનેક લોકોને શ્રેય મળ્યું હતું. ભગવાનના અનન્ય ભક્તોમાં નારદ જેવા દેવર્ષિ, વશિષ્ઠ જેવા મહર્ષિ અને વિભીષણ જેવા અનેક લોકોને યશ મેળવવાનો અવસર મળ્યો હતો. સહકાર અને સંગઠનની શક્તિને સર્વોપરી શક્તિના રૂપમાં સાબિત કરવા માટે મહાન શક્તિઓ સદાય એક પ્રયત્ન કરે છે કે જાગ્રત લોકોને મહત્ત્વપૂર્ણ અવસરોએ આગલી હરોળમાં આવવા માટે પ્રોત્સાહન આપવું. અર્જુનને તો ભગવાને ઠપકો આપ્યો હતો અને તેની નિંદા પણ કરી હતી. સુગ્રીવને લક્ષ્મણે ધમકાવ્યો હતો. પરમહંસ વિવેકાનંદને જબરદસ્તી ખેંચી લાવ્યા હતા. આમ્રપાલી, અંગુલિમાલ, હર્ષવર્ધન અને અશોક પાસેથી જેટલું લેવામાં આવ્યું હતું તેના કરતાં અનેકગણું તેમને પાછું આપ્યું હતું. ભામાશાહના સૌભાગ્ય બદલ કેટલાય ધનવાનોને ઈર્ષ્યા થતી હશે.

ભગતસિંહ અને સુભાષ બોઝ જેવો યશ મળવાનો હોય તો તે માર્ગ પર ચાલવા માટે હજારો લોકો આતુર રહે છે. જો સમજાવવામાં આવે તો કેટલાય કેવટો ઉતરાઈ લીધા વગર પાર ઉતારવાની પ્રક્રિયા કરી શકે છે. પટેલ અને નહેરુ બનવા માટે કોઈ પણ પોતાની વકીલાત છોડી શકે છે, પરંતુ દુર્ભાગ્ય એટલું જ છે કે લોકો સમયને ઓળખીને સાહસ કરી શકતા નથી. જાગરૂક લોકો જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને સાહસ કરે છે અને ઇતિહાસમાં અમર બની જાય છે. આવું સૌભાગ્ય મેળવવામાં શ્રેયાર્થીનો વિવેક જ મુખ્ય હોય છે અથવા ઉપનિષદકારના મત પ્રમાણે “મહાનતા જેને ઇચ્છે છે તેનું વરણ કરી લે છે”ની ઉક્તિમાં રહેલી દૈવી અનુકંપાનું પ્રતિપાદન સાચું ઠરે છે.

ચંદનની પાસે ઊગેલા બીજા છોડવા પણ સુગંધિત બની જાય છે. પાણી પણ દૂધમાં ભળીને એ જ ભાવે વેચાય છે. પારસનો સ્પર્શ થવાથી લોખંડપણ સોના જેવી અમૂલ્ય ધાતુ બની જાય છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વરસાદનું બુંદ મૂલ્યવાન મોતી બની જાય છે. વૃક્ષની સાથે વીંટળાઈને વેલ તેના જેટલે ઊંચે પહોંચી જાય છે. જો તે ના વીંટળાય તો જમીન ઉપર પથરાઈને પડી રહે છે. ઝાડ સાથે વીંટળાવાનો તેનો પુરુષાર્થ તેને સૌભાગ્ય બક્ષે છે.

આ બધાં ઉદાહરણો એ સમજાવવા માટે આપ્યાં છે કે મહાનતાની સાથે સંપર્ક સાધીને તેમના કાર્યમાં સહયોગ આપવાથી ધાર્યા કરતાં અનેકગણું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આવા અવસરો હંમેશાં આવતા નથી અને દરેક જણ તેમનો લાભ લઈ શકતો નથી.

હનુમાનજીનું ઉદાહરણ આવું જ છે. તેઓ સુગ્રીવના સહયોગી હતા. જ્યારે વાલીએ સુગ્રીવની સંપત્તિ અને તેની પત્નીનું અપહરણ કર્યું ત્યારે હનુમાનજી તેનો સામનો કરી શક્યા નહોતા. તે વખતે સુગ્રીવની જેમ હનુમાનજી પણ અસમર્થ બની ગયા હતા અને જીવ બચાવીને પર્વત પર પહોંચી ગયા હતા, પરંતુ જ્યારે તેઓ પ્રાણને હથેળીમાં રાખીને રામકાજના પરમાર્થ પ્રયોજનમાં જોડાઈ ગયા, તો પર્વત ઊંચકી લાવવો, સમુદ્ર ઓળંગવો, અશોકવાટિકાનો નાશ કરવો, લંકાને બાળી નાખવી વગેરે અદ્ભુત પરાક્રમો કરી શક્યા. સુગ્રીવ પોતાની પત્નીને બચાવવામાં અસમર્થ રહ્યા હોવા છતાં પણ સમુદ્રની પાર લંકાના અભેદ્ય કિલ્લાને વીંધીને સીતાજીને મુક્ત કરાવવામાં સક્રિય સહયોગી બની શક્યા હતા. આમાં દૈવી સહાયતાની વાત પ્રત્યક્ષ છે. જે લોકોએ ભગવાન રામની લીલા અને ગૌરવને ઓળખીને સહયોગ આપવાનું સાહસ કર્યું તે બધાને આવી કૃપા પ્રાપ્ત થઈ હતી. વયોવૃદ્ધ જાંબુવંત અને જટાયુ, તુચ્છ ખિસકોલી, ગરીબ કેવટ અને શબરીની ભૂમિકાઓ જોઈએ તો તેમણે કરેલી મદદ સાવ સામાન્ય હતી. આમ છતાં પણ તેમની કથાઓ અજરઅમર બની ગઈ.

અર્જુન તથા ભીમ જેવાઓને શ્રીકૃષ્ણ ભગવાનની સાથે જોડાવાથી જે શ્રેય મળ્યું તેનાથી તેમનું ગૌરવ ખૂબ વધી ગયું. એ જ અર્જુન તથા ભીમને વનવાસ વખતે પેટ ભરવા માટે વેશ બદલીને કામ કરવું પડ્યું હતું. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું જોનારા પાંડવો ખરેખર જો મહાભારત જીતી શકે એટલાં સમર્થ હોત, તો દુર્યોધન કે દુઃશાસન એવી ધૃષ્ટતા ન કરી શકત. પાંડવોના વિજયની પાછળ ભગવાનને પોતાના સાથી બનાવવાની બુદ્ધિમત્તા જ રહેલી છે. જો તેમણે ભગવાનને પોતાના સાથીદાર ન બનાવ્યા હોત તો તેઓ પોતાના બળે મહાભારત ન જીતી શક્યા હોત અને આમતેમ ભટકીને દિવસો પૂરા કર્યા હોત.

હર્ષવર્ધન, અશોક, આનંદ, રાહુલ, કુમારજીવ, સંઘમિત્રા, આમ્રપાલી વગેરેએ જો બુદ્ધ સાથે જોડાવાનું સાહસ ન કર્યું હોત, તો આજે તેમને કોઈ યાદ ન કરત. નહેરુ, વિનોબા, રાજગોપાલાચાર્ય, સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ વગેરે જો પોતાનો જ સ્વાર્થ સાધવામાં પડ્યા હોત અને ગાંધીજી સાથે ન જોડાયા હોત, તો તેમને કોણ ઓળખત?

ચાણક્યની સાથે ચંદ્રગુપ્ત, સમર્થની સાથે શિવાજી, પરમહંસ સાથે વિવેકાનંદ અને શંકરાચાર્ય સાથે માંધાતા જોડાયા, તો અદ્ભુત અને અકલ્પ્ય કહી શકાય તેવું કાર્ય થઈ શક્યું અને તેઓ અજરઅમર બની ગયા. ભામાશાહ રાણા પ્રતાપનાં ચરણોમાં પોતાનું ધન સમર્પિત કર્યું, તો તેઓ પણ એમની સાથે અમર બની ગયા. મહામાનવોની સાથે જોડાવાથી શ્રેયના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી શકાય છે. અગસ્ત્યઋષિની મદદથી ટિટોડી પોતાના ઈડાં પાછાં મેળવી શકી હતી.

શ્રેષ્ઠ કાર્યો માટે સાહસ અપનાવવાનું ગૌરવ તો પહેલેથી જ રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. જે લોકો આવા મહાન અવસરને ઓળખીને ભગવાનની સાથે ભાગીદાર બને છે તેઓ અત્યંત ભાગ્યવાન છે. મહાન આત્માઓ વારંવાર જન્મતા નથી. તેમની સાથે જોડાવાની મહાનતા અને સાહસ જો જાગે તો એને પૂર્વજન્મોનાં પુષ્પોનું ફળ જ માનવું જોઈએ.

આજે મહાકાળે પ્રાણવાન લોકોને સહયોગ આપવા માટે આગ્રહ કર્યો છે. ખરેખર તો તે શ્રેયના અધિકારી બનવાના સૌભાગ્યનો સંદેશ માત્ર છે. ભગવાન તો પોતાની દિવ્યશક્તિના બળે પોતાનું કામ પોતે જ પૂરું કરી લે છે. જો રીંછવાનરો રિસાઈને બેસી ગયાં હોત, તો પણ લંકાનો વિનાશ થવો અને સીતાજીને પાછાં લાવવા એ બંને કામ થવાનાં જ હતાં. આવા સમયે જે લોકો સંકુચિતતા અને સ્વાર્થપરાયણતા છોડીને સમય ગુમાવ્યા વગર આગળના મોરચે ઊભા રહે છે તેમને જ સૌથી મોટો લાભ મળે છે. અત્યારનો સમય બરાબર આવો જ શ્રેષ્ઠ અવસર છે. જે લોકો સાહસ કરીને ભગવાનની સાથે જોડાઈ જશે તેઓ અત્યંત શ્રેય પ્રાપ્ત કરશે અને દીર્ઘ દ્રષ્ટાઓમાં તેમની ગણતરી થશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: