માતૃસત્તાનો ગુરુસત્તામાં મહાવિલય, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૯
August 7, 2022 Leave a comment
માતૃસત્તાનો ગુરુસત્તામાં મહાવિલય, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૯
મારું સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરવા લાગ્યું તો મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હું મથુરા આવી પથારીમાં પડ્યો રહેતો હતો. મૃત્યુંજય શર્મા મને રોજ જોવા આવતા હતા. એક દિવસ રાત્રે હું મારા ખંડમાં બેઠો હતો. અચાનક મને લાગ્યું કે ખંડની બારી સામે માતાજી ઊભાં છે. તેઓએ મને કહ્યું, બેટા ! હું શરીર છોડી રહી છું. જેવો મને આવો આભાસ થયો કે તરત જ માતાજીનો અવાજ સાંભળી મેં બહાર આવીને જોયું તો ત્યાં કોઈ નહોતું. હવે મને બહુ બેચેની થવા લાગી. મેં તરત જ ચૈતન્યજીને કહ્યું, તમે શાંતિકુંજ ફોન કરીને પૂછો કે માતાજીની તબિયત કેમ છે ? એમણે શાંતિકુંજ ફોન કર્યો તો બ્રિજમોહન ગૌડજી સાથે વાત થઈ. એમણે માતાજીની ખરાબ તબિયત વિશેની સૂચના આપી અને દહેરાદૂનમાં દાખલ કરાવ્યાની વાત કહી. પછી એક દિવસ મૃત્યુંજય શર્મા મારી પાસે આવ્યા અને કહ્યું કે તમારે ટાંકા તોડાવવા માટે આગ્રા જવાનું છે. મેં માતાજીની તબિયત વિશે પૂછ્યું તો એમણે કહ્યું, ઠીક છે અને માતાજી હવે શાંતિકુંજમાં જ છે. હું આગ્રા ગયો અને મારા ટાંકા તોડી લીધા. હવે મારા મનમાં માતાજીના સ્વાસ્થ્ય વિશે ચિંતા થવા લાગી. એક દિવસ રાત્રે માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું, બેટા ! હવે હું શરીર છોડી રહી છું. હું ખૂબ જ બેચેન થયો. સવારે મૃત્યુંજય શર્મા શાંતિકુંજથી પાછા તપોભૂમિ ન આવતાં સીધા જનજાગરણ પ્રેસ જતા રહ્યા. આ વાતની ખબર થતાં જ મેં ગાડી કઢાવી અને પ્રેસ પહોંચી ગયો. મૃત્યુંજયને માતાજીની તબિયત વિશે પૂછ્યું. એમણે કહ્યું, માતાજીને પેટમાં તકલીફ છે. મેં એમને કહ્યું, મને માતાજી કહી ગયાં છે કે હું શરીર છોડી રહી છું અને તમે મને જૂદું કહી રહ્યા છો કે માતાજી હરિદ્વારમાં છે. મેં એમને કહ્યું કે હું હરિદ્વાર જઈ રહ્યો છું તો એમણે મનાઈ કરી દીધી. એમણે કહ્યું, માતાજીની તબિયત વધુ બગડી જવાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મેં કહ્યું, દિલ્હી ક્યારે આવ્યાં ? ત્યારે એમણે જણાવ્યું કે જે દિવસે આગ્રાથી તમને રજા આપવામાં આવી તે જ દિવસે ચાર વાગે માતાજી એ જ હોસ્પિટલમાં આગ્રા આવી ગયાં હતાં. જે બેડ પર તમે હતા એ જ બેડ પર તેઓ સૂઈ ગયાં હતાં. મૃત્યુંજયે કહ્યું, તમને એક દિવસ દિલ્હી લઈ જઈશું, તમે ત્યાં જ માતાજીને જોઈ લેજો. મેં ડૉક્ટર રાજુને પૂછ્યું કે માતાજી ક્યારે આવ્યાં હતાં ? એમણે કહ્યું, જે દિવસે બાર વાગે તમને રજા મળી એ જ દિવસે સાંજે ચાર વાગે માતાજી આવી ગયાં હતાં. મેં પૂછ્યું કે માતાજીને કેવી રીતે ખબર પડી કે સાંજે બેડ ખાલી થઈ જશે ? તો ડૉ. પારીકે બતાવ્યું કે પ્રણવજી આવ્યા હતા ત્યારે મારી સાથે બધી વાતો કરી લીધી હતી. મેં પૂછ્યું કે જ્યારે હું ટાંકા તોડાવવા માટે આવ્યો ત્યારે મને કેમ કહ્યું નહીં ? તો એમણે કહ્યું કે માતાજીએ એ જણાવવાની મનાઈ કરી દીધી હતી.
પ્રેસમાં મૃત્યુંજય સાથે દિલ્હી જવાની વાત તો થઈ જ ગઈ હતી. બીજા જ દિવસે હું માતાજીને જોવા માટે દિલ્હી ગયો. હોસ્પિટલ વિશાળ હતી. મને ગેટ પર ઊભેલા ચોકીદારે પાસ વગર અંદર જવાની મનાઈ કરી દીધી. ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી. ઘણા વખત સુધી વિનંતી કર્યા બાદ એણે મારી ઉંમર જોતાં અંદર જવા દીધો. હું માતાજીને જોઈ રડવા લાગ્યો. માતાજીને મેં કહ્યું કે તમે મને આભાસ કરાવ્યો છે કે હું શરીર છોડી રહી છું. માતાજીએ કહ્યું, નહીં, બેટા ! તને ભ્રમ થઈ ગયો છે. એવી કોઈ વાત નથી. મેં કહ્યું, તો માતાજી ! તમે ડૉ. પારીકને તમારી બીમારી વિશે મને કશું ન બતાવવા માટે કેમ કહ્યું ? બેટા ! તારું સ્વાસ્થ્ય જોઈને જ અમે આવું કહ્યું હતું. ત્રીજા દિવસે હું ફરી એમને જેવા ગયો. માતાજી બોલ્યાં, બેટા ! પરેશાન કેમ થાય છે ? હું સ્વસ્થ છું. એમના પેટનું ઓપરેશન થઈ ગયું હતું. મને કહી રહ્યાં હતાં કે દેશનાં બધાં બાળકોને મળવાનું મને મન થાય છે. જો કે માતાજીએ મારી બંને પૌત્રીઓનાં લગ્ન પહેલેથી જ નક્કી કરી રાખ્યાં હતાં. એમાં જે મોટી હતી તેના પિલાનીના શ્રી સુભાષ કૌશિકના પુત્ર સાથે અને નાની હતી તેનાં ભોપાલના શ્રી બલરામ રાવના પુત્ર સાથે સંબંધ નક્કી કરી રાખ્યા હતા. તેઓ બોલ્યાં, બેટા ! આ બંને છોકરીઓનાં લગ્ન મારી નજર સામે થઈ ગયાં હોત તો મારી આ જવાબદારી પણ પૂરી થઈ જાત. માતાજીએ કહ્યું કે મને શાંતિકુંજ લઈ જાવ, મારાં બધાં બાળકોને મળવાનું મને મન થઈ રહ્યું છે. આ વાત એમણે કેટલીય વાર કરી હતી. આ બધી વાતો સાંભળી મને ફરી સ્વપ્નની વાત યાદ આવી. માતાજીએ કહ્યું હતું કે હું શરીર છોડી રહી છું.
મેં માતાજીને કહ્યું, માતાજી ! હવે હું મથુરા જઈશ નહીં. તમારી પાસે જ રહીશ. માતાજી બોલ્યાં, બેટા !રોકાઈ જા. પરંતુ પાછળથી ત્યાં હાજર રહેલાં શૈલબાલા, ડૉ. પ્રણવ, મૃત્યુંજય તથા તેમનાં ધર્મપત્ની નિર્મલને માતાજીએ કહ્યું, લીલાપતને આજે કોઈપણ હાલતમાં મથુરા મોકલી દો. અહીં રોકાવા દેશો નહીં, મારું કષ્ટ એ જોઈ નહિ શકે. એ જ્યારે પણ મારી પાસે આવે છે ત્યારે એની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. બધાં મને કહેવા લાગ્યાં કે પંડિતજી ! મથુરા ચાલ્યા જાવ, તમારી તબિયત સારી નથી. અમે વિશ્વાસ આપીએ છીએ કે કાલે માતાજીને હરિદ્વાર લઈ જઈશું. પછી હું મથુરા આવી ગયો. માતાજી શાંતિકુંજ જતાં રહ્યાં. એક દિવસ ફોન આવ્યો કે પંડિતજી ! તમારે આજે જ હરિદ્વાર આવવાનું છે. હું તરત જ હરિદ્વાર જવા નીકળ્યો. ત્યાં ગયા પછી મને ખબર પડી કે માતાજીનું મહાપ્રયાણ થઈ ગયું. માતાજીનું પાર્થિવ શરીર જ્યારે મે જોયું તો મારું હૃદય ખૂબ જ દુ:ખથી ભરાઈ આવ્યું. એવું લાગતું હતું કે મારું હાર્ટફેલ થઈ જશે. તરત જ અદશ્ય શક્તિએ મને ઢંઢોળ્યો. માતાજીનો અવાજ સંભળાયો કે બેટા ! તું હિંમતથી કામ લે, અમે અમારી બાકીની ઉંમર તને આપી દીધી છે, આગ્રામાં જ્યારે તારું ઓપરેશન થયું હતું તો હું પણ એ જ પથારી પર સૂઈ ગઈ હતી જેના પર હું સૂતો હતો. તારી બધી બીમારીઓ મે મારા ઉપર લઈ લીધી હતી. હજી તારે મિશનનું ઘણું કામ કરવાનું છે. આ જવાબદારી તારા ઉપર છે. મૃત્યુંજયે કહ્યું કે પંડિતજી ! તમે સૌથી મોટા છો અને તમે જ હિંમત હારી જશો તો આ મિશનનું શું થશે ? પછી માતાજીના દાહ-સંસ્કાર બાદ હું મથુરા આવી ગયો. મારું ચોક્ક્સ માનવું છે કે માતાજીએ જ મારી ઉંમર વધારી છે. આ જીવન એમણે જ આપેલું છે. આથી શેય જીવનનો સમય હું એમનાં જ કાર્યમાં લગાડી દેવા માંગું છું. હવે મને લાગે છે કે ગુરુદેવ અને વંદનીય માતાજી સદાય મારી સાથે જ છે.
પરમ પૂજ્ય ગુરુદેવે સત્પ્રવૃત્તિઓને વધારવા અને દુષ્પ્રવૃત્તિઓને મિટાવવા માટે સપ્તસૂત્રીય કાર્યક્રમોની ઘોષણા કરી હતી. એ જ આજે યુગનિર્માણ યોજના અને વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત ચાલી રહ્યા છે, પરંતુ મૂળ રૂપથી રચનાત્મક અને સંઘર્ષાત્મક કાર્યક્રમોની અંદર સપ્તસૂત્રીય કાર્યક્રમ કે જેની ઘોષણા સન ૧૯૭૧ માં કરવામાં આવી હતી, એ જ કાર્યક્રમોને ફરીથી ગતિ આપવા માટે પૂજ્ય ગુરુદેવની ઉપાસના કાળમાં પ્રેરણા મળી. ગાયત્રી જયંતી ૧૯૯૭ના દિવસે પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રદ્ધા (પરમપૂજ્ય ગુરુદેવ તથા વંદનીય માતાજીના સ્મારક)ની પ્રાણપ્રતિષ્ઠા વખતે દેશભરના દસ હજાર પ્રાણવાન યુગસૈનિકોએ આ કાર્યક્રમોને ગતિ આપવા માટે શપથપત્રો ભરીને સમર્પિત કર્યાં. અમે યુગનિર્માણ યોજના, જૂન માસનો વિશેષાંક ક્રાંતિ વિશેષાંક રૂપે પ્રકાશિત કર્યો. જેની લાખો નકલોનું વિતરણ કરવામાં આવ્યું. હવે યુગ સૈનિકો ચારે તરફ સર્જનની દિશામાં ઉલ્લાસપૂર્વક જોડાઈ ગયા છે. આ ક્રાંતિના ચમત્કારો વિચાર ક્રાંતિના વિસ્તૃત રૂપમાં આવનાર દિવસોમાં પ્રત્યક્ષ દેખાવા લાગશે કે પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મ ચેતના યુગ સૈનિકોના માધ્યમથી કેવી રીતે યુગ પરિવર્તનની વિશાળ યોજના અંતર્ગત કામ કરાવી રહી છે તથા ઉજ્વળ ભવિષ્ય માટેનું અનુકૂળ વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે.
એ સાત ક્રાંતિઓ વિશેની રૂપરેખા પરિજનો માટે સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરવામાં આવી રહી છે. દરેક પાઠક એને ધ્યાનપૂર્વક વાંચે અને પોતાના તરફથી આ દિશામાં શક્ય તેટલો સહયોગ આપવા માટે પ્રગતિશીલ રહે.
પ્રતિભાવો