મંત્રવિદ્યા અસંભવને સંભવ બનાવે છે, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
મંત્રવિદ્યા અસંભવને સંભવ બનાવે છે, આધ્યાત્મિક ચિકિત્સા
મંત્ર ચિકિત્સા એ અધ્યાત્મ વિદ્યાનો મહત્ત્વપૂર્ણ આયામ છે. તેના દ્વારા અસાધ્ય રોગોને પણ મટાડી શકાય છે. મુશ્કેલ પરિસ્થિતિઓ પર વિજય મેળવી શકાય છે. વ્યક્તિત્વની ગમે તેવી વિકૃતિઓ અને અવરોધો દૂર કરી શકાય છે. અનુભવ એવું કહે છે કે મંત્રવિદ્યાથી અસંભવ સંભવ બની જાય છે, અસાધ્ય સહજ સાધ્ય બની જાય છે. જેઓ આ વિદ્યાના સિદ્ધાંતો અને પ્રયોગોના જાણકાર છે, તેઓ પ્રકૃતિની શક્તિઓને મરજી પ્રમાણે વાળવામાં સમર્થ હોય છે. ભાગ્ય તેમના વશમાં હોય છે. જીવનની કર્મધારાઓ તેમની ઇચ્છિત દિશામાં વળવા અને પ્રવાહિત થવા માટે વિવશ બને છે.
મંત્ર છે શું ? તો તેના જવાબમાં કહી શકાય – “મનનાત્ ત્રાયતે ઈતિ મંત્રઃ” જેના મનનથી ત્રાણ મળે છે એ મંત્ર. એ અક્ષરોનો નવો દુર્લભ તથા વિશિષ્ટ સંયોગ છે, જે ચેતના જગતને આંદોલિત, આલોકિત અને ઉદ્વેલિત કરવામાં સક્ષમ હોય છે. ઘણી વાર બુદ્ધિશાળી વ્યક્તિઓ મંત્રને એક પવિત્ર વિચારના રૂપમાં પરિભાષિત કરે છે. જો કે તેમનું આમ કહેવું કે માનવું ખોટું નથી. ઉદાહરણ તરીકે ગાયત્રી મંત્ર સૃષ્ટિનો સૌથી પવિત્ર વિચાર છે. આ મંત્રમાં પરમાત્મા પાસે સૌના માટે સદ્બુદ્ધિ તથા સન્માર્ગ માટેની પ્રાર્થના કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં આ પરિભાષાની સીમાઓ સાંકડી છે. આમાં મંત્રના બધા આયામો સમાઈ શકતા નથી. મંત્રનો કોઈ અર્થ હોઈ પણ શકે છે અને ન પણ હોઈ શકે. એ એક પવિત્ર વિચાર હોઈ પણ શકે છે અને ન પણ હોય. ઘણી વાર તેના અક્ષરોનું સંયોજન એવી રીતે થયેલું હોય છે, કે જેથી તેનો કોઈ અર્થ પ્રગટ થાય અને ઘણી વાર આ સંયોજન એટલું અટપટું હોય છે કે તેનો કોઈ અર્થ શોધી શકાતો ન હોય.
વાસ્તવમાં મંત્રની રચના કોઈ વિશેષ અર્થ કે વિચારને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી. તેનો તો એક જ અર્થ છે – બ્રહ્માંડીય ઊર્જાની કોઈ વિશેષ ધારા સાથે સંપર્ક, આકર્ષણ, ધારણ અને તેના સાર્થક નિયોજનની વિધિનો વિકાસ કરવો. મંત્ર ગમે તે હોય, વૈદિક અથવા પૌરાણિક કે પછી તાંત્રિક હોય, તે બધા આ જ વિધિના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. આ ક્રમમાં એ પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે મંત્રની સંરચના કે નિર્માણ એ કોઈ બૌદ્ધિક ક્રિયાકલાપ નથી. કોઈ પણ વ્યક્તિ મંત્રોની સંરચના કરી શકતી નથી, પછી તે ગમે તેટલી પ્રતિભાશાળી કે બુદ્ધિશાળી કેમ ન હોય! આ તો તપ-સાધનાના શિખર પર પહોંચેલા સૂક્ષ્મ દ્રષ્ટાઓ તથા દિવ્યદર્શીઓનું કામ છે.
આ મહાન સાધકો પોતાની સાધનાના માધ્યમથી બ્રહ્માંડીય ઊર્જાની વિભિન્ન તથા વિશિષ્ટ ધારાઓને જુએ છે. તેની અધિષ્ઠાતા શક્તિઓ, જેને દેવી અથવા દેવતા કહેવામાં આવે છે, તેને પ્રત્યક્ષ કરે છે. આ પ્રત્યક્ષના પ્રતિબિંબના રૂપમાં મંત્રનું સંયોજન તેમની ભાવચેતનામાં પ્રગટ થાય છે. તેને ઊર્જા-ધારા અથવા દેવશક્તિનું શબ્દરૂપ પણ કહી શકાય છે. મંત્રવિદ્યામાં તેને દેવશક્તિનો મૂળ મંત્ર કહે છે. આ દેવશક્તિના ઊર્જા-અંશના કયા આયામને અને કયા હેતુ માટે ગ્રહણ કે ધારણ કરવાનો છે, તેને અનુરૂપ આ દેવતાના અન્ય મંત્રોનો વિકાસ થાય છે. આ જ કારણે એક દેવતા કે દેવીના અનેક મંત્રો હોય છે. વાસ્તવમાં આમાંથી દરેક મંત્ર તેના વિશેષ હેતુને સિદ્ધ અને સાર્થક કરવામાં સમર્થ હોય છે.
પ્રક્રિયાની દૃષ્ટિએ તો મંત્રની કાર્યશૈલી અદ્ભુત છે. તેની સાધનાનો એક વિશિષ્ટ ક્રમ પૂરો થતાં જ એ સાધકની ચેતનાનો બ્રહ્માંડની વિશિષ્ટ ઊર્જા-ધારા કે દેવશક્તિ સાથે સંપર્ક કરાવી દે છે. આ તેના કાર્યનો એક આયામ છે. સાથે સાથે તેના બીજા આયામના રૂપમાં તે સાધકના અસ્તિત્વ અથવા વ્યક્તિત્વને આવી વિશિષ્ટ ઊર્જા-ધારા અથવા દેવશક્તિઓ માટે ગ્રહણશીલ બનાવે છે. મંત્ર સાધના દ્વારા સાધકનાં કેટલાંક ગુપ્ત કેન્દ્રો જાગૃત થઈ જાય છે, જેનાથી સાધક એવી સૂક્ષ્મ શક્તિઓને ગ્રહણ કરવા, ધારણ કરવા અને નિયોજન કરવામાં સમર્થ બને છે. ત્યાર પછી જ મંત્ર સિદ્ધ થઈ ગયો કહી શકાય.
આ મંત્રસિદ્ધિ માત્ર મંત્ર રટવાથી કે દોહરાવી દેવાથી મળતી નથી અને આ જ કારણે કોઈ મંત્રની વર્ષો સુધી સાધના કરનાર સાધકોએ બહુ ખરાબ રીતે નિરાશ થવું પડે છે. પ્રથમ તો તેને કોઈ ફળ મળતું નથી અને જો કદાચ કોઈ રીતે મળી જાય તો પણ તે સાવ નગણ્ય અને અધકચરું હોય છે. આવી સ્થિતિ માટે દોષ મંત્રનો નહિ, પણ ખુદ સાધકનો જ હોય છે. અત્રે એ ધ્યાન રહે, કે કોઈ મંત્રની સાધનામાં સાધકે મંત્રની પ્રકૃતિ અનુસાર પોતાના જીવનની પ્રકૃતિ બનાવવી પડે છે. મંત્ર-સાધનાના વિધિ-વિધાનના સમ્યક્ નિર્વાહની સાથેસાથે તેણે પોતાનું ખાનપાન, વેશભૂષા, આચરણ, વ્યવહાર વગેરેને દેવતા કે દેવીની પ્રકૃતિ અનુસાર અપનાવવા પડે છે. ઉદાહરણ તરીકે ક્યાંક સફેદ વસ્ત્રો અને સફેદ ખાનપાન જરૂરી હોય છે, તો ક્યાંક પીળો રંગ જરૂરી હોય છે. આચરણ-વ્યવહારમાં પણ પવિત્રતાનો સમ્યક્ સમાવેશ જરૂરી છે.
જો આ બધું યોગ્ય રીતે પાળવામાં આવે, તો મંત્રનું સિદ્ધ થવું સુનિશ્ચિત છે. મંત્ર સિદ્ધ થવાનો અર્થ છે મંત્રની શક્તિઓનું સાધકની ચેતનામાં ક્રિયાશીલ થઈ જવું. આ સ્થિતિ કંઈક એવી છે, જેમ કે કોઈ મહેનતુ ખેડૂત કોઈ મોટી નદીમાંથી પૂરતી ઊંડી અને મોટી નહેર ખોદીને તેનું પાણી પોતાના ખેતર સુધી લઈ આવે. જેવી રીતે નદીમાંથી નહેર આવવાથી ખેડૂતના આખા ખેતરમાં જલધારાઓ છલકાઈ ઊઠે છે, ઊમટી પડે છે, એવી જ રીતે મંત્ર સિદ્ધ થવાથી દેવશક્તિઓનો ઊર્જા-પ્રવાહ દરેક પળે સાધકની અંતઃચેતનામાં ઊછળતો રહે છે. તેને તે પોતાની મરજી મુજબ, પોતાના સંકલ્પ અનુસાર નિયોજન કરી શકે છે. મંત્રની શક્તિ તેમ જ પ્રકૃતિ પ્રમાણે તે અસાધ્ય બીમારીઓને સારી કરી શકે છે.
પશ્ચિમ બંગાળના સ્વામી નિગમાનંદ આવા જ મંત્રસિદ્ધ મહાત્મા હતા. તેમણે અનેક મહામંત્રોને સિદ્ધ કર્યા હતા. તેમની વાણી, સંકલ્પ, દૃષ્ટિ તથા સ્પર્શ બધું જ ચમત્કારી હતું. મરણ પથારીએ પડેલા રોગીઓ તેમના સંકલ્પ માત્રથી સાજા થઈ જતા હતા. એક વાર આ મહાત્મા સુમેરપુકુર નામના ગામમાં ગયા. સાંજ થઈ ગઈ હતી, આકાશમાંથી અંધારાંના ઓળા ઊતરવા લાગ્યા હતા. ગામના છેવાડે તેઓ પહોંચ્યા, ત્યાં એક સન્નાટો હતો. આજુબાજુથી પસાર થનારાઓ ઉદાસ અને દુ:ખી હતા. પૂછવાથી ખબર પડી કે ગામના સૌથી મોટા મહાજન ઈશ્વરધરનો સુપુત્ર મહેન્દ્રલાલ ઘણા મહિનાથી બીમાર છે. આજે તો તેની સ્થિતિ એટલી ખરાબ છે, કે રાત કાઢવી પણ મુશ્કેલ છે. ગામના વૃદ્ધ વૈદરાજે બધી આશાઓ છોડી દીધી છે.
આ માહિતી મળ્યા પછી તેઓ ઈશ્વરધરના ઘેર ગયા. ઘરવાળાઓએ એક સંન્યાસીને જોઈને વિચાર્યું કે તેઓ ભોજન કે આશ્રય માટે આવ્યા હશે. તેમણે કહ્યું – “મહારાજ અમને ક્ષમા કરજો, આજે અમે તમારી સેવા કરવામાં અસમર્થ છીએ. તેમની આ વાત સાંભળી નિગમાનંદજીએ કહ્યું – “તમે કોઈ ચિંતા ન કરશો, હું તમારે ત્યાં સેવા લેવા નહિ, પણ સેવા કરવા આવ્યો છું.’ નિગમાનંદની વાતો પર ઘરનાં લોકોને વિશ્વાસ તો ન પડ્યો, તેમ છતાં તેમની ઇચ્છા અનુસાર આસન, જળપાત્ર, ફૂલ, ધૂપ વગેરે લાવીને મૂકી દીધું. નિગમાનંદે મરણાસન્ન દર્દીની પાસે આસન બિછાવ્યું, ધૂપ સળગાવ્યો અને પવિત્રીકરણ સાથે આંખો બંધ કરીને બેસી ગયા. ઘરનાં લોકોએ જોયું કે તેમના હોઠ ધીરેધીરે હાલી રહ્યા છે.
થોડી વાર પછી મરણાસન્ન મહેન્દ્રલાલે આંખો ખોલી. થોડીક વધુ વાર વીત્યા પછી તેના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો. અડધા પોણા કલાકમાં તો તે ઊઠીને પોતાની પથારીમાં બેઠો થઈ ગયો અને પાણી પણ માગીને પીધું. તે રાતે તેને ઊંઘ પણ સારી આવી. બીજા દિવસે તેણે પોતાની પસંદગીનું ખાવાનું પણ ખાધું. આ અનોખાં ચમત્કારથી સૌ આશ્ચર્યચકિત હતા. ગામના વૃદ્ધ વૈદરાજે પૂછયું – “આ કોઈ ઔષધિથી બની શક્યું?’ નિગમાનંદ બોલ્યા- “વૈદરાજ! આ ઔષધિના પ્રભાવથી નહિ, પરંતુ મંત્રના પ્રભાવથી થયું છે. આ જગતમાતાના મંત્રની અસર છે. જ્યારે ઔષધિઓ નિષ્ફળ જાય છે, બધા લૌકિક ઉપાયો નિષ્ફળ જાય છે. ત્યારે એક મંત્ર જ છે. જે મરણપથારીએ પડેલાના જીવનમાં પ્રાણ પૂરે છે. મંત્ર ચિકિત્સા ક્યારેય નિષ્ફળ જતી નથી. હા, તેની સાથે તપનો પ્રયોગ જોડાયેલો હોવો જોઈએ.
પ્રતિભાવો