ગાયત્રીનો નવમો અક્ષર ‘ભર્’ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
ગાયત્રીનો નવમો અક્ષર ‘ભર્’ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
ગાયત્રીનો નવમો અક્ષર ‘ભર્’ આપણને દરેક સ્થિતિમાં માનસિક ભાવોને સમતોલ રાખવાની શિક્ષા આપે છે –
ભવોદ્વિગ્નમના નૈવ હૃદુદ્વેગ પરિત્યજ । કુરુ સર્વાસ્વવસ્થાસુ શાન્ત સંતુલિતં મનઃ ॥
અર્થ “માનસિક ઉત્તેજનાઓને છોડી દો. બધી જ અવસ્થાઓમાં મનને શાંત અને સમતોલ રાખો.”
શરીરમાં ગરમી વધી જાય તો એને “તાવ કહેવાય છે અને એ તાવ અનેક દુષ્પરિણામોને ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે માનસિક તાવ આવવાથી ઉદ્વેગ, આવેગ, ઉત્તેજના, કેફ, આતુરતા વગેરે લક્ષણ પ્રકટ થાય છે. આવેશની પ્રબળતા મનુષ્યના જ્ઞાન, વિચાર અને વિવેકને નષ્ટ કરી નાંખે છે. એવા સમયે તે જે બાબતો નવિચારવી જોઈએ તે વિચારવા લાગે છે અને જે કાર્ય પહેલાં નિંદિત લાગતાં હતાં તે જ કાર્યો કરવા લાગે છે. આવી સ્થિતિ માનવજીવન માટે હંમેશાં અનિચ્છનીય છે.
આપત્તિ આવે અથવા કોઈક પ્રકારની લડાઈ કે ઝઘડો થાય ત્યારે લોકો ચિંતા,શોક, નિરાશા, ગભરાટ, ક્રોધ વગેરેને તાબે થઈને માનસિક શાંતિ ખોઈ બેસે છે. એવી રીતે કોઈ મોટી સફળતા મળી જાય અથવા સંપત્તિ પ્રાપ્ત થાય તો અહંકાર, મદ, મત્સર, વધુ પડતો ઉપભોગ, વધુ પડતો આનંદ વગેરે દોષોમાં ફસાઈ જાય છે. કોઈ પણ પ્રકારની ઉત્તેજના મનુષ્યની આંતરિક સ્થિતિને વિચ્છિન્ન કરી નાખે છે. એના ફળ સ્વરૂપે મનુષ્યને જાતજાતનાં અનિષ્ટ પરિણામો ભોગવવાં પડે છે.
જે લોકોની પ્રકૃતિ આવી ઉત્તેજિત થઈ જાય એવી અથવા તરત જ આવેશમાં આવી જાય એવી હોય છે તેઓ મોટા ભાગે માનસિક નિર્બળતાનો શિકાર બને છે. તેઓ પોતાના મનને એકાગ્ર કરી કોઈ એક કામમાં લગાવી શકતા નથી અને તેથી કોઈ મોટી સફળતાની પ્રાપ્તિ એમને માટે અશક્ય બની જાય છે. એમના મોટા ભાગના વિચાર ક્ષણિક જ સિદ્ધ થાય છે. આવું માનસિક અસંતુલન મનુષ્યની પ્રગતિમાં વિઘ્નરૂપ બની એને પતન તરફ લઈ જાય છે.
પ્રતિભાવો