SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૩) જરૂરી મહેનત । ઔષધિ વિના કાયાકલ્પ
September 5, 2022 Leave a comment
SV-02 : ઉત્તમ સ્વાસ્થ્ય માટેનાં ચાર સૂત્ર (૩) જરૂરી મહેનત । ઔષધિ વિના કાયાકલ્પ
જરૂરી મહેનત : મશીનને જો બેકાર પડી રહેવા દેવામાં આવે તો તેના સ્પેર પાર્ટસને કાટ લાગી જાય છે, કચરો જામી જાય છે અને જો તેને વધુ પડતું ચલાવવામાં આવે તો તેના સ્પેરપાર્ટસ ઘસાઇ જઇને નકામા બની જાય છે. આ જ વાત શરીરને પણ લાગુ પડે છે. આળસમાં પડી રહેવું, અમીર હોવાની શાન દેખાડવા મહેનત ન કરવી વગેરેથી શરીરની ક્રિયાશીલતા નાશ પામે છે, માંસ, નસો, નાડી, ચામડી વગેરેની કાર્યશક્તિ કાયમ ટકાવી રાખવા માટે તેમને પરિશ્રમ પડે તેવું કામ અવશ્ય આપવું જોઇએ. તંદુરસ્તી માટે શારીરિક પરિશ્રમ કરવો અત્યંત આવશ્યક છે. પરંતુ સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે તે પરિશ્રમ એટલો વધારે ન કરવો જોઇએ જેથી શરીરની જીવનશક્તિનો ખજાનો ખાલી થઈ જાય. ગજા ઉપરાંતનું કામ કરવાથી શરીરમાં ગરમી વધે છે અને તે ગરમીથી જીવન તત્ત્વો નાશ પામે છે. તેથી આવા લોકો વધુ જીવી શકતા નથી. જે આવક કરતાં વધુ ખર્ચ કરશે, તેનું દેવાળું નીકળી જશે. મહેનત કરવી, દરેક અંગ અવયવ પાસેથી કામ લેવું, સારી રીતે ઉત્સાહપૂર્વક કામ કરવું પરન્તુ શક્તિની મર્યાદામાં રહીને કામ કરવું તે જ સાચો પરિશ્રમ છે અને તે જ ફાયદાકારક છે.
ઘણા ખરા લોકો બુદ્ધિની મહેનતથી પૈસા કમાય છે. એવા લોકો વિચારે છે * કે શરીરને કષ્ટ આપવાની શી જરૂર છે ? જે કામ શરીર દ્વારા કરવાનું થાય છે તે નોકર દ્વારા પણ કરાવી શકાય છે પણ ત્યાં જ તેમની ભૂલ થાય છે. રોટલી પચાવવાનું કામ નોકરનું પેટ નથી કરી શકતુ. જ્યારે પાણી પીવાની, જમવાની, મળ-મૂત્રનો ત્યાગ કરવાની ઇચ્છા થાય ત્યારે આ કાર્યો પણ નોકર દ્વારા નથી કરાવી શકતાં. શરીરનાં અંગ પ્રત્યગોને જરૂરી પરિશ્રમ કરાવી તેમને ક્રિયાશીલ બનાવી રાખવાનું કામ પોતે જાતે જ કરવું પડશે તે નોકરથી કરાવી શકાશે નહિ.
દુનિયાના મોટા માણસો, કે જેમની પાસે ઘણો અધિક કાર્યભાર હોય છે તેઓ પોતાના શરીરની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી કંઇને કંઇ કામ જાતે અવશ્ય કરતા હોય છે. બગીચામાં છોડવાઓ માટે માટી ખોદવી, નાનાં મોટાં સુથારી કામો કરવાં કપડાં ધોવાં, ઘરની સાફસૂફી કરવી અથવા આવાં જ બીજાં કામોને આપણા દૈનિક જીવનમાં અવશ્ય સ્થાન આપવું જોઇએ. ટેનિસ, ફુટબોલ, ક્રિકેટ, કબડ્ડી અથવા આવી જ કોઇ રમતો પણ રમી શકાય છે. સ્વચ્છ વાયુ સેવન માટે હંમેશાં કેટલાક માઇલ ફરવા જવું પણ જરૂરી છે. દંડ બેઠક, ડબેલ્સ, મગદળ, આસન, પ્રાણાયામ વગેરે પણ કરી શકાય. શરીરના દરેક અંગને એટલો પરિશ્રમ તો મળવો જ જોઇએ કે જેથી તેને એમ લાગે કે મારી પાસેથી પૂરતું કામ લેવામાં આવી રહ્યું છે. આના સિવાય અંગો જકડાઇ જાય છે અને ચરબી વધતી જાય છે. કબજીયાત, હરસ મસા વગેરે રોગો આક્રમણ કરવા લાગે છે. બુદ્ધિથી કામ કરનારાઓ અથવા અમીરોને પણ અશિક્ષિત અને ગરીબો જેટલી જ શારીરિક કામ કરવાની જરૂરિયાત છે. જરૂરી શ્રમ દરેક મનુષ્ય માટે આવશ્યક છે.
પ્રતિભાવો