પોતાના દોષો સામે પણ સંઘર્ષ કરો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

પોતાના દોષો સામે પણ સંઘર્ષ કરો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા

આપણે જેમ બીજાના દોષો પર દષ્ટિ રાખીએ છીએ અને વિરોધ કરીએ છીએ, એમ આપણા પોતાના દોષો પર પણ નજર રાખવી જોઈએ. તાળી બે હાથે પડે છે. સહયોગ માટે બંને પક્ષોમાં શ્રેષ્ઠતા હોવી જોઈએ. જ્યાં સુધી આપણે પોતાના દુર્ગુણો દૂર નહિ કરીએ ત્યાં સુધી આપણી સહયોગ અને સહિષ્ણુતાની વાતો માત્ર દંભ જ ગણાશે. કારણ કે જ્યાં સુધી આપણે બીજાના ગુણોને ઉચિત મહત્ત્વ પ્રદાન કરીને એનો સ્વયં પણ સ્વીકાર કરવાનો પ્રયત્ન નહિ કરીએ ત્યાં સુધી તેઓ આપણા પ્રત્યે આકર્ષિત થઈ શકતા નથી.

આપણને બધાને ગુણવાન બનવાનું ગમે છે. પરંતુ સંસ્કાર અને સંપર્ક દોષના લીધે આપણામાં દુર્ગુણ ઘૂસી જાય છે, જેમને દૂર કરી દેવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ અને યોગ્યતાનો વિકાસ ન કરી શકતાં આપણે એનાં સત્યરિણામો ભોગવી શકતા નથી. તેથી આપણા વિદ્વાનોએ પોતાના અનુભવના આધારે ગુણવાન બનવાનો સાચો, સીધો અને સરળ માર્ગ બતાવ્યો છે, જેનાથી ગુણોનો વિકાસ અને દુર્ગુણોનો હ્રાસ થઈ જાય છે. એ ઉપાય છે- મનુષ્ય ગુણો પ્રત્યે અનુરાગ રાખે અને ગુણીજનો પ્રત્યે આદર-સત્કાર અને ભક્તિ રાખે. જેમ જેમ માનવીનો ગુણાનુરાગ વધશે, તેમ-તેમ એ સદ્ગુણો પ્રત્યે આકર્ષાશે અને ગુણવાન બનતો જશે. આ ક્રિયા એટલી સ્વાભાવિક છે કે એમાં વિચાર કરવાની કે શ્રમ કરવાની લેશમાત્ર આવશ્યકતા રહેતી નથી. ગુણો પ્રત્યે પ્રેમ અને ગુણવાન પ્રત્યે આકર્ષણ હોય તો ગુણવાન બનવાનો માર્ગ મોકળો થતો જાય છે.

સત્સંગ અને મહાપુરુષોનાં નામ સ્મરણ તથા ગુણકીર્તનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આ જ કારણે વર્ણવાયું છે. જેવો તેમની સાથે આપણો સંપર્ક થાય છે, તેવો જ તેમના ગુણદોષોનો પ્રભાવ આપણા પર પડ્યા વિના રહેતો નથી. મહાપુરુષોમાં ગુણોની પ્રધાનતા હોવાથી માણસ એમના ગુણોને યાદ કરીને ઇચ્છે છે કે પોતે પણ એવો જ ગુણવાન બને. મનુષ્યની જેવી ઇચ્છા હોય છે એ અનુસાર જ એની પ્રવૃત્તિઓ હોય છે અને જે વસ્તુની ઇચ્છા જેટલી તીવ્ર હોય એટલા જ પ્રયત્નો પ્રબળ હોય છે અને પૂર્ણતા પણ એટલી જ જલદી શક્ય બને છે.

વાસ્તવમાં જે પરમાત્મ પુરુષો સિદ્ધ અને બુદ્ધ થઈ ચૂક્યા છે, તેઓ કોઈનું હિત-અહિત નથી કરતા, પણ તેઓના નિમિત્તે માણસમાં શુભ ભાવનાઓનો ઉદય થાય છે અને ગુણો પ્રત્યે આકર્ષણ વધે છે. એમને પોતાના દોષો, દુર્ગુણો અને ખામીઓ દેખાય છે અને એમને દૂર કરવાની ભાવના જાગે છે. તેનાથી માણસ પતનથી બચીને ઉત્થાન તરફ આગળ વધેછે. ગુણો પ્રત્યેનું આકર્ષણ જેટલું વધશે, એટલો જ દોષોનો સંપર્ક ઘટતો જશે.

પ્રાણીમાત્ર ગુણો અને અવગુણોનો પુંજ છે. કોઈનામાં ગુણોની અધિકતા હોય છે તો કોઈનામાં દોષોની. દૃષ્ટિભિન્નતાથી ક્યારેક કોઈના ગુણોમાં દોષ દેખાય છે અને દોષમાં ગુણ. જૈની દોષદર્શનની દૃષ્ટિ હોય છે તેઓ મહાપુરુષોમાં પણ કોઈ ને કોઈ દોષ શોધી કાઢે છે, જ્યારે ગુણગ્રાહક વ્યક્તિ ભયંકર પાપીમાં પણ કોઈ ને કોઈ ગુણ શોધી લે છે. થોડા ઘણા દોષ તો બધામાં રહેલા હોય છે. જોનાર જેવો હશે એ પ્રમાણે જે ગુણ કે દોષને વધુ કે કે ઓછું મહત્ત્વ આપશે, મારામાં દોષની આટલી પ્રચુરતા કેમ ? મારામાં ગુણ કેમ ઓછા છે ? આ રીતે ગંભીર વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી દષ્ટિ બીજાના અવગુણ જોવામાં લાગેલી રહેછે. દોષો તરફ વધુ ધ્યાન રાખવાના કારણે જઆપણામાં દોષોની અધિકતા અને પ્રબળતા થઈ જાય છે. જો આપણે આપણી દૃષ્ટિને ગુણગ્રહણમાં લગાડી દઈએ, ક્યાંય પણ કોઈનામાં પણ નાનો-મોટો જે પણ ગુણ જોઈએ એને ગ્રહણ કરવાનું ધ્યેય રાખીએ એટલે કે ગુણગ્રાહી બનીએ તો ગુણવાન બનતાં વાર લાગશે નહિ. માત્ર આપણી દૃષ્ટિ કે વૃત્તિમાં પરિવર્તન કરવાની જ વાર છે. દોષદષ્ટિની જગ્યાએ ગુણદૃષ્ટિને મહત્ત્વ આપવાનું છે. પછી આપણું કામ સરળતાથી વહેલામાં વહેલી તકે થઈ જશે. ગુણગ્રાહી વ્યક્તિની દૃષ્ટિ ખૂબ જ ઉદાર અને વિશાળ થઈ જાય છે. તેઓ સંકુચિત દૃષ્ટિએ વિચારતા નથી હોતા. ગુણ કોઈ દેશ, જાતિ, સંપ્રદાયનો ઈજારો નથી. તેથી ગુણગ્રાહી વ્યક્તિને જયાં પણ ગુણનાં દર્શન થાય એનાથી એ આકર્ષિત થયા વગર રહી શકતી નથી. સંકુચિત દૃષ્ટિવાળો પોતાના દેશ, જાતિ, સંપ્રદાયવાળાનાં તો ગુણગાન કરશે પણ એ સીમાની બહારની વ્યક્તિઓના ગુણો તરફ એનું ધ્યાન નહિ જાય અને કદાચ જશે તો પણ એમના ગુણગાનમાં એને હિચકિચાટ થશે. આવી સંકુચિત વૃત્તિને દષ્ટિરાગનું નામ આપી શકાય. જો વ્યક્તિ સંકુચિતતાનો આશ્રય લે તો સંપ્રદાય કે વ્યક્તિ વિશેષ તરફ એનો મોહ વધી જાય છે. અને એમના દોષમાં પણ એને ગુણ દેખાય છે અને અન્યના ગુણમાં પણ દોષ. એથી આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી ગુણદષ્ટિ સંકુચિત કે અનુદાર ન હોય. જ્યાં પણ જેનામાં પણ આપણને ગુણ દેખાય ત્યાં કોઈ પણ જાતના હિચકિચાટ વગર એની કદર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: